પારુને જ્યારે 2019માં મહારાષ્ટ્રના નાસિક જિલ્લામાં તેમના પિતાએ ઘેરથી ઘેટાં ચારવા માટે મોકલી દીધી હતી ત્યારે તેની ઉંમર ફક્ત સાત વર્ષની હતી.
ત્રણ વર્ષ પછી, ઓગસ્ટ 2022ના અંતમાં, તેણીના માતાપિતાએ તેને તેમની ઝૂંપડીની બહાર જોઈ. એને ત્યાં ધાબળામાં લપેટીલી હાલતમાં બેભાન અવસ્થામાં છોડી દેવામાં આવી હતી. એના ગળા પર કોઈએ ગળું દાબ્યાના નિશાન હતા.
પારુનાં માતા સવિતાબાઈએ તેમાના આંસુ લૂછતાં કહ્યું, “તે તેના છેલ્લા શ્વાસ સુધી એક શબ્દ સુધ્ધાં બોલી ન હતી. અમે તેને શું થયું તે પૂછવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તે બોલી શકી નહીં. અમને લાગ્યું કે કોઈએ તેના પર કાળો જાદુ કર્યો છે. તેથી અમે તેને [મુંબઈ-નાસિક હાઈવેથી દૂર] નજીકના મોરા ટેકરીઓ પરના મંદિરમાં લઈ ગયા. પુજારીએ અંગારા [પવિત્ર રાખ] લગાવી. અમે રાહ જોતાં હતાં કે તેને ભાન આવશે કે કેમ, પરંતુ તેને ભાન જ ન આવ્યું.” મળી આવ્યાના પાંચ દિવસ પછી, 2 સપ્ટેમ્બર, 2022ના રોજ, પારુનું એને થયેલી ઇજાઓના કારણે નાસિક શહેરની સિવિલ હોસ્પિટલમાં મોત નિપજ્યું.
પારુ જ્યારે બહાર હતી તે ત્રણ વર્ષના સમયગાળા દરમિયાન તેના પરિવારને ફક્ત એક જ વાર મળવા આવી હતી. તેણીને જે વચેટિયો કામે લઈ ગયો હતો તે જ તેને દોઢ વર્ષ પહેલાં ઘેર લાવ્યો હતો. સવિતાબાઈએ પારુ બેભાન હાલતમાં મળી આવ્યાના બીજા દિવસે વચેટિયા સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, “તે સાતથી આઠ દિવસ જ અમારી સાથે રહી. આઠમા દિવસ પછી, તે પાછો આવ્યો અને તેને ફરીથી લઈ ગયો.”
નાસિક જિલ્લાના ઘોટી પોલીસ સ્ટેશનમાં તે વ્યક્તિ વિરુદ્ધ હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો. બંધાયેલા મજૂરોને મુક્ત કરવા માટે મદદ કરતી સંસ્થા શ્રમજીવી સંગઠનના નાસિકના જિલ્લા પ્રમુખ સંજય શિંદે કહે છે, “તેના પર પાછળથી હત્યાનો આરોપ મૂકવામાં આવ્યો હતો, તેની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.” સપ્ટેમ્બરમાં, અહમદનગર (એ જ જિલ્લો જ્યાં પારુ ઘેટાં ચારતી હતી) ના ચાર ભરવાડો સામે બંધાયેલા મજૂર પ્રથા (નાબૂદી) અધિનિયમ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી.
સવિતાબાઈને તે દિવસ યાદ છે જ્યારે તે વચેટિયો મુંબઈ–નાસિક હાઈવે પર સ્થિત કાતકારી આદિવાસીઓની વસાહતવાળી તેમની નેસમાં આવ્યો હતો. તેઓ કહે છે, “તેણે મારા પતિને નશામાં ધૂત કરી દીધા, તેમને 3,000 રૂપિયા આપ્યા અને તે પારુને લઈ ગયો.”
સવિતાબાઈએ કહ્યું, “તેવી ઉંમરે કે જ્યારે તેણીએ પેન્સિલથી લખવાનું શરૂ કરવું જોઈતું હતું, એ ઉજ્જડ મેદાનોમાં, તપતા સૂરજ હેઠળ લાંબા અંતર સુધી ચાલતી હતી. ત્રણ વર્ષ સુધી એણે બંધિયા બાળમજૂર તરીકે કામ કર્યું હતું.”
પારુના ભાઈ મોહનને પણ જ્યારે તે સાત વર્ષનો હતો ત્યારે ઘેરથી મોકલી દેવામાં આવ્યો હતો. તેના માટે પણ તેના પિતાએ 3,000 રૂપિયા લીધા હતા. અત્યારે લગભગ 10 વર્ષની વયે પહોંચેલા મોહન તેઓ જે ભરવાડ સાથે કામ કરે છે તેનો અનુભવ વર્ણવતા કહે છે, “હું એક ગામથી બીજા ગામ ઘેટાં-બકરાં ચરાવવા લઈ જતો હતો. તેની પાસે 50-60 ઘેટાં, 5-6 બકરાં અને અન્ય પ્રાણીઓ હતાં.” વર્ષમાં એક વાર ભરવાડ મોહનને એક શર્ટ, એક આખું પેન્ટ, એક નિકર, એક રૂમાલ અને ચપ્પલ લઈ આપતો – બસ આટલું જ. કેટલીકવાર, તે નાના બાળકને કંઈક ખાવાનું ખરીદવા માટે 5 કે 10 રૂપિયા આપવામાં આવતા. “જો હું કામ ન કરું તો શેઠ [ઘેટાંના માલિક] મને માર મારતા હતા. મેં તેને ઘણી વખત કહ્યું કે મને ઘેર પરત મોકલી દે. પરંતુ તે કહેતો હતો કે ‘હું તારા પપ્પાને બોલાવીશ’ પણ તેણે ક્યારેય ફોન કર્યો ન હતો.”
તેની બહેનની જેમ મોહન પણ ત્રણ વર્ષમાં ફક્ત એક જ વાર તેના પરિવારની મુલાકાતે આવતો હતો. તેનાં માતા સવિતાબાઈએ કહ્યું, “તેના શેઠ તેને એક દિવસ અમારા ઘેર લાવ્યા હતા અને બીજા દિવસે તેને પાછો લઈ ગયા હતા.” જ્યારે તેમણે તેને બીજી વાર જોયો, ત્યારે તેમનો દીકરો તેમની ભાષા પણ ભૂલી ગયો હતો, “તેણે અમને ઓળખ્યા પણ નહીં.”
એ જ કાતકરી નેસમાં રહેતાં રીમાબાઈ સમજાવે છે, “મારા પરિવારમાં કોઈની પાસે કામ નહોતું, અને ખાવા માટે કંઈ નહોતું. તેથી અમે બાળકોને મોકલી દીધાં હતાં.” રીમાબાઈના બે પુત્રોને પણ ઘેટાં ચરાવવામાં મદદ કરવા અર્થે લઈ જવામાં આવ્યા હતા. “અમે વિચાર્યું હતું કે તેઓ કામ કરશે અને પેટભરીને ખાશે.”
એક વચેટિયાએ બાળકોને રીમાબાઈના ઘેરથી ઉપાડીને તેમને અહમદનગર જિલ્લાના પારનેર તાલુકાના ભરવાડો પાસે મોકલ્યાં હતાં. આમાં પૈસાની લેવડદેવડ બે વાર થઈ – વચેટિયાએ બાળકોને લઈ જવા માટે તેમનાં માતાપિતાને ચૂકવણી કરી અને ભરવાડોએ આ કામદારોને લાવવા બદલ વચેટિયાને ચૂકવણી કરી. કેટલાક કિસ્સાઓમાં, ઘેટાં અથવા બકરીનું પણ વચન આપવામાં આવે છે.
રીમાબાઈના છોકરાઓ આગામી ત્રણ વર્ષ સુધી પારનેરમાં રહ્યા. ઘેટાંને ચરાવવા અને તેમને ખવડાવવા ઉપરાંત, તેઓ કૂવામાંથી પાણી લાવતા, કપડાં ધોતા અને ચોપાળ સાફ કરતા. તેમને ફક્ત એક જ વાર ઘેર જવાની મંજૂરી આપવામાં આવી હતી.
તેમના નાના પુત્ર, એકનાથે કહ્યું કે જો તે સવારે 5 વાગ્યા સુધી ઊઠી ન જાય અને કામે ન લાગી જાય તો તેને માર મારવામાં આવતો હતો. તે પારીને કહે છે, “તે અમને ભૂખ્યા રાખતો. અમે જે ઘેટાંને ચરાવતા હતા તે જો ખેતરમાં ઘૂસી જાય તો ખેડૂત અને [ઘેટાં] માલિક બંને અમને મારતા હતા. અમારે મોડી રાત સુધી કામ કરવું પડતું હતું.” જ્યારે તેને તેના ડાબા હાથ અને પગ પર એક કૂતરું કરડ્યું હતું ત્યારે પણ એકનાથે કહ્યું કે તેને કોઈ તબીબી સારવાર મળી નહોતી અને તેણે પ્રાણીઓ ચરાવવાનું કામ ચાલુ રાખવું પડ્યું હતું.
રીમાબાઈ અને સવિતાબાઈના બન્ને પરિવારો કાતકારી આદિવાસી સમુદાયના છે, જે મહારાષ્ટ્રમાં ખાસ કરીને સંવેદનશીલ આદિવાસી જૂથ છે. તેમની પાસે કોઈ જમીન નથી અને તેઓ આવક માટે મજૂરીકામ પર આધાર રાખે છે, અને કામની શોધમાં સ્થળાંતર કરે છે – જે તેમને સામાન્ય રીતે ઈંટોના ભઠ્ઠામાં અને બાંધકામ સ્થળોએ મળે છે. તેમના પરિવારને ખવડાવવા માટે પૂરતી કમાણી નથી, ઘણા પરિવારો તેમના બાળકોને અર્ધ–વિચરતી ધનગર સમુદાયના ભરવાડો પાસે, ઘેટાં ચરાવવાનું કામ કરવા માટે મોકલે છે.
તે 10 વર્ષીય પારુનું દુઃખદ અવસાન હતું જેણે આ વિસ્તારમાં બાળ મજૂરીના કિસ્સાઓ તરફ ધ્યાન દોર્યું અને સપ્ટેમ્બર 2022માં નાસિક જિલ્લાના ડિંડોરી તાલુકાના સંગમનેર ગામ અને અહમદનગર જિલ્લાના પારનેરમાંથી 42 બાળકોને બચાવ્યાં. શ્રમજીવી સંગઠન દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. બાળકો નાસિક જિલ્લાના ઇગતપુરી અને ત્ર્યંબકેશ્વર તાલુકા અને અહમદનગર જિલ્લાના અકોલા તાલુકાનાં રહેવાસી હતાં. સંજય શિંદેએ જણાવ્યું હતું કે, તેમને થોડાક પૈસાના બદલામાં ઘેટાં ચરાવવા લઈ જવામાં આવ્યાં હતાં. તેમની વચ્ચે પારુનો ભાઈ મોહન અને પાડોશી એકનાથ હતા – જેઓ તે નેસનાં 13 બાળકોમાંનાં છે.
ઘોટી નજીક આવેલા આ ગામમાં 26 કાતકારી પરિવારો છેલ્લા 30 વર્ષથી રહે છે. તેમની ઝૂંપડીઓ ખાનગી જમીન પર બાંધવામાં આવી છે. તેમની ઝુંપડીઓમાં ઘાસ અથવા પ્લાસ્ટિકની ચાદરની છત છે અને બે કે તેથી વધુ પરિવારો વચ્ચે એક જ ઝૂંપડું હોય છે. સવિતાબાઈની ઝૂંપડીમાં કોઈ દરવાજો કે વીજળી નથી.
મુંબઈ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના પ્રોફેસર ડૉ. નીરજ હાટેકર કહે છે, “લગભગ 98 ટકા કાતકારી પરિવારો જમીન વિહોણા છે. તેમાંથી મોટાભાગના લોકો પાસે તેમની જાતિના પુરાવા જેવા આવશ્યક દસ્તાવેજો પણ નથી. રોજગારની તકો દુર્લભ છે અને તેથી આખો પરિવાર મજૂરી કામની શોધમાં ઘર છોડી દે છે – જેઓ ઈંટોના ભઠ્ઠા, મત્સ્યોદ્યોગ, ભંગાર ભેગો કરવો અને આવા અન્ય કામો કરે છે.”
2021માં, ડૉ. હાટેકરે મહારાષ્ટ્રમાં કાતકારી વસ્તીની સામાજિક–આર્થિક પરિસ્થિતિઓનો અભ્યાસ કરવા માટે કેન્દ્રીય આદિજાતિ બાબતોના મંત્રાલય દ્વારા સમર્થિત સર્વેક્ષણનું નેતૃત્વ કર્યું હતું. તેમની ટીમે શોધ્યું કે સર્વેક્ષણ કરાયેલા લોકોમાંથી માત્ર 3 ટકા લોકો પાસે જ જાતિનું પ્રમાણપત્ર છે અને ઘણા લોકો પાસે આધાર કાર્ડ કે રેશન કાર્ડ પણ નથી. હાટેકર કહે છે, “કાતકારી લોકોને [સરકારી] આવાસ યોજનાઓનો લાભ મળવો જોઈએ. સરકારે તેઓ જ્યાં રહે છે તે વિસ્તારોમાં રોજગાર નિર્માણનું કામ શરૂ કરવું જોઈએ.”
*****
હવે જ્યારે તેના પુત્રો પાછા આવ્યા છે, તો રીમાબાઈ ઈચ્છે છે કે તેઓ શાળાએ જાય. બાળકોને બચાવનાર ટીમનો હિસ્સો રહેલા શ્રમજીવી સંગઠનના જિલ્લા સચિવ સુનીલ વાઘ તરફ ઈશારો કરીને તેઓ કહે છે, “અમારી પાસે અત્યાર સુધી ક્યારેય રેશન કાર્ડ નહોતું. અમને આ બધી ચીજવસ્તુઓમાં સમજણ નથી પડતી. પણ આ છોકરાઓ ભણેલા છે. તેઓએ અમને રેશન કાર્ડ કઢાવી આપ્યું છે.” સુનીલ, જેઓ કાતકારી સમુદાયના જ છે, તેઓ પોતાના લોકોની મદદ કરવા ઉત્સુક છે.
પારુના મૃત્યુના બીજા દિવસે જ્યારે હું તેમને મળી ત્યારે સવિતાબાઈએ કહ્યું કે, “મારે પારુની યાદમાં ભોજન બનાવવું પડશે…મારે રાંધવું પડશે.” તેઓ પથ્થરોથી બનેલા કામચલાઉ ચૂલામાં તેમની ઝૂંપડી પાસે આગ સળગાવી રહ્યાં હતાં. તેમણે એક વાસણમાં બે મુઠ્ઠી ચોખા નાખ્યા – એક ભાગ તેમની મૃત દીકરી માટે અને બાકીનો તેમના અન્ય ત્રણ બાળકો અને પતિ માટે. ઘરમાં ફક્ત ચોખા જ હતા. તેઓ આશા રાખતાં હતાં કે તેમના પતિ જેઓ દરરોજ બીજા લોકોના ખેતરમાં કામ કરીને 200 રૂપિયા કમાતા હતા તેમાંથી કંઇક લાવશે.
બાળકો અને તેમના માતાપિતાનાં નામ તેમની ગોપનીયતા જાળવવા માટે બદલવામાં આવ્યાં છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ