શિયાળાની બપોરે, જ્યારે ખેતરોમાં કામ પૂરું થઈ જાય અને ઘરના યુવાનો નોકરી પર ગયેલા હોય, ત્યારે હરિયાણાના સોનીપત જિલ્લાના હરસાના કલાન ગામના પુરૂષો ઘણીવાર ચોપાળ (ગામના ચોક) પર પત્તા રમતા હોય છે અથવા છાંયડામાં આરામ કરતા હોય છે.
મહિલાઓ ત્યાં ક્યારેય જોવામાં આવતી નથી.
સ્થાનિક નિવાસી વિજય મંડલ પૂછે છે, “અહિં મહિલાઓએ શા માટે આવવું જોઈએ? તેમને કામમાંથી ફુરસત નથી. વો ક્યાં કરેંગે ઇન બડે આદમીયો કે સાથ બૈઠ કર? [તેઓ આ બધા મોટા લોકો સાથે બેસીને શું કરશે]?”
દિલ્હીથી ભાગ્યેજ ૩૫ કિલોમીટર દૂર આવેલા રાષ્ટ્રીય રાજધાની વિસ્તારમાં આવનારા ૫,૦૦૦ની વસ્તીવાળા આ ગામમાં થોડાક વર્ષો પહેલાં સુધી ચુસ્તપણે સ્ત્રીઓ માટે પડદાનું પાલન કરવામાં આવતું હતું.
મંડલ કહે છે, “મહિલાઓ તો ચોપાળ તરફ જોતી પણ નહોતી.” ગામના લગભગ મધ્યમાં આવેલા આ ચોપાળમાં મીટીંગ થાય છે, અને વિવાદોની પતાવટ માટે પંચાયત પણ બેસે છે. હરસાના કલાન ગામના માજી સરપંચ સતીશ કુમાર કહે છે, “પહેલાંની સ્ત્રીઓ સંસ્કારી હતી.”
મંડલ ચહેરા પર સ્મિત સાથે કહે છે, “એમનામાં લાજ-શરમ હતી. જો તેમને ચોપાળ તરફ આવવાનું થાય તો તેઓ પડદો કરી લેતી.”
૩૬ વર્ષીય સાયરા માટે આ બધામાં કંઈ નવાઈની વાત નથી. તેઓ છેલ્લા ૧૬ વર્ષથી આવા જ માહોલમાં રહ્યા છે અને મોટાભાગે આવા જ વટહુકમોનું પાલન કર્યું છે. જ્યારે તેઓ અહિં ૨૦ વર્ષની ઉંમરે લગ્ન કરીને દિલ્હી પાસે આવેલા એમના ગામ ‘માજરા ડબાસ’થી અહિં આવ્યા હતા, ત્યારથી આ બધાનું પાલન કરી રહ્યા છે. પુરુષોથી વિપરીત એમને ફક્ત એમના પહેલાં નામથી જ સંબોધવામાં આવે છે.
સાયરા કહે છે, “જો હું લગ્ન પહેલાં મારા પતિને મળી હોત તો ક્યારેય તેની સાથે લગ્ન કરવા રાજી ન થઇ હોત. ઇસ ગાઉં મેં તો કતઈ નહીં આતી. [આ ગામમાં તો ક્યારેય ન આવત.]” સાયરા આ બધું કહી રહ્યા હતા ત્યારે તેઓ સાથે-સાથે કુશળતાપૂર્વક સીવણ મશીન પણ ચલાવી રહ્યા હતા, જેના પર તેઓ જાંબલી રંગના કાપડ પર કામ કરી રહ્યા હતા. (આ વાર્તામાં તેમનું અને તેમના પરિવારના બધા સભ્યોનું નામ બદલી દેવામાં આવ્યું છે.)
સાયરા કહે છે, “આ ગામમાં જો કોઈ સ્ત્રી હિંમત કરીને અવાજ ઉઠાવે, તો પુરુષો તેને આવું કરવા નહીં દે. તેઓ કહેશે, તમારે બોલવાની શી જરૂર છે જ્યારે કે તમારા પતિ તમારા વતી બોલી શકે છે? મારા પતિ પણ એવું જ માને છે કે સ્ત્રીઓએ ઘરમાં જ રહેવું જોઈએ. જો હું કપડાની સિલાઈ માટેનો સામાન લેવા માટે પણ બહાર જાઉં, તો તેઓ કહેશે કે ઘરમાં રહેવું જ વધારે યોગ્ય છે.”
એમના પતિ ૪૪ વર્ષીય સમીર ખાન દિલ્હી નજીક નરેલા સ્થિત એક ફેક્ટરીમાં કામ કરે છે, જ્યાં તેઓ પ્લાસ્ટિકના બીબા બનાવે છે. તેઓ ઘણીવાર સાયરાને કહે છે કે તે સમજતી નથી કે પુરુષો સ્ત્રીઓને કઈ નજરે જુએ છે. સાયરા કહે છે, “તેઓ કહે છે કે તું ઘરે રહીશ તો સલામત રહીશ; બાહર તો ભેડીયે બૈઠે હૈ [બહાર તો વરુઓ બેઠાં છે]”
આથી સાયરા ઘરે જ રહે છે, કહેવતના વરુઓથી સલામત. હરિયાણાની ૬૪.૫ ટકા ગ્રામીણ મહિલાઓની જેમ ( રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ-૪ , ૨૦૧૫-૧૬ મુજબ), કે જેમને એકલા બજાર, હોસ્પિટલ, કે ગામમાં પણ ક્યાંય બહાર જવાની રજા નથી. તેઓ દરરોજ બપોરે બારી પાસે રાખેલા સીવણ મશીન પર કપડા સીવે છે. અહિં પુરતો સૂર્યપ્રકાશ છે, જે દિવસે લાઈટ જાય તો જરૂરી થઇ પડે છે. બપોરે આ કામ કરીને તેઓ મહીને ૨,૦૦૦ રૂપિયા કમાય છે, આનાથી એમને થોડીક મદદ મળી રહે છે અને એમના બે દીકરાઓ - ૧૬ વર્ષીય સોહેલ ખાન, અને ૧૪ વર્ષીય સની અલી માટે થોડીક ખરીદી પણ કરી શકે છે. સાયરા પોતાના માટે તો ભાગ્યેજ કંઈ ખરીદે છે.
સનીના જન્મના થોડાક મહિનાઓ પછી સાયરાએ ટ્યુબલ લીગેશન - વંધ્યીકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે એમના પતિ સમીરને આ વિષે કોઈ ખબર નહોતી.
સોનીપત જિલ્લામાં ૧૫થી ૪૯ વર્ષના વયવર્ગમાં નવવધુઓમાં ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કરવાનો દર (સીપીઆર) ૭૮ ટકા છે (એનએફએચએસ-૪) - જે હરિયાણાના સરેરાશ ૬૪ ટકા કરતાં વધારે છે.
એમના દીકરાનો જન્મ થયો એ પછીના મહિનાઓમાં જ સાયરાએ બે વાર વંધ્યીકરણ કરવાનો પ્રયાસ કર્યો હતો. પહેલી વાર, મજરા ડબાસ ખાતે એમના પિયરમાં એમના ઘરની નજીકના ડોકટરે તેમને કહ્યું હતું કે તેઓ પરણેલા નથી લાગતાં. સાયરા કહે છે, “ડોકટરે મને કહ્યું કે હું આ પ્રકારનો નિર્ણય જાતે લેવા માટે અક્ષમ છું.”
જ્યારે તેઓ તેમના પિયરમાં હતા ત્યારે એમને દિલ્હીમાં રોહિણી ખાતે નસબંધી કરાવવામાં ત્રીજા પ્રયત્ને સફળતા મળી.
સાયરા કહે છે, “એકવાર હું મારા પતિ વિશે જુઠ્ઠું બોલી હતી. હું મારા દીકરાને લઈને ડોક્ટર પાસે ગઈ અને એમને કીધું કે મારો પતિ દારૂડિયો છે.” આ બનાવને યાદ કરીને તેઓ હસે છે, પણ એમને સારી રીતે યાદ છે કે તેઓ શા માટે એટલા ઉતાવળિયા હતા. તેઓ કહે છે, “ઘરનો માહોલ ખરાબ હતો, ત્યાં જુલમ અને દમન થતું હતું. પણ હું એક વાતમાં મક્કમ હતી - કે મારે હવે વધુ બાળકો નથી જોઈતા.”
સાયરાએ જે દિવસે ઓપરેશન પ્રક્રિયા કરાવી હતી એ દિવસ એમને સારી રીતે યાદ છે. તેઓ કહે છે, “એ દિવસે વરસાદ પડી રહ્યો હતો. મારા વાર્ડના કાચના દરવાજા બહાર મારી મમ્મીના ખોળામાં મારા દીકરાને હું રડતો જોઈ શકતી હતી. જે અન્ય સ્ત્રીઓની સર્જરી થઇ હતી એ બધી ઘાઢ નિદ્રામાં સૂઈ રહી હતી [એનેસ્થેસિયાના લીધે]. મારા ઉપરથી આની અસર ઝડપથી ઉતરી થઇ ગઈ. મને મારા બાળકને ખવડાવવાની ચિંતા હતી. હું ખૂબ જ ગભરાયેલી હતી.”
જ્યારે સમિરને આ વાતની ખબર પડી ત્યારે તેણે સાયરા સાથે મહિનાઓ સુધી વાત ન કરી. તે એટલા માટે નારાજ હતા કે સાયરાએ એમને પૂછ્યા વગર કેમ નિર્ણય લઇ લીધો. તેમની ઈચ્છા હતી કે સાયરા કોપર-ટી જેવું ગર્ભનિરોધક ઉપકરણ (આઈયુડી) લગાવી દે, જેને કાઢી પણ શકાય છે. પણ સાયરા બાળક ન થવા દેવા વિશે કટિબદ્ધ હતી.
સાયરા ફક્ત ૨૪ વર્ષની ઉંમરે અને માંડ ૧૦મું ધોરણ પાસ કરીને જ્યારે ગર્ભનિરોધકો વિશે કંઈ નહોતાં જાણતા એ વખતની વાત કરતાં કહે છે, “અમારી પાસે ખેતર અને ભેંસો છે. મારે એકલીએ એ બધાનું ધ્યાન રાખવું પડતું હતું, અને ઘરકામ પણ કરવું પડતું હતું. જો આઈયુડીનો ઉપયોગ કરવાથી મને કંઈ થઇ જતું તો?”
સાયરાના માતા નિરક્ષર હતા. એમના પિતા ભણેલા-ગણેલા હતા, પરંતુ એમણે પણ સાયરાના ભણતર પર એટલું ધ્યાન ન આપ્યું. સોય પરથી ધ્યાન હટાવીને ઉપર જોતા તેઓ કહે છે, “સ્ત્રીઓ વાછરડાથી વધીને કંઈ નથી, અમારી ભેંસોની જેમ અમારા પણ મગજ બંધ પડી ગયા છે.”
તેઓ આગળ કહે છે, “ હરિયાણા કે આદમી કે સામને કીસી કી નહી ચલતી. [હરિયાણામાં પુરુષની સામે કોઈ બોલી શકે નહીં.] તેઓ જે કંઈ પણ કહે, એ કરવું જ પડે. જો તે કહે કે ખાવામાં આ વસ્તુ બનાવો, તો એ જ વસ્તુ ખાવામાં બને - ખાવાનું, કપડા, બહાર જવાનું, બધું એ કહે એમ જ કરવું પડે.” સાયરાએ એમના પતિની વાત પરથી એમના પિતાની વાત કરવાનું ક્યારે ચાલુ કર્યું એ ખબર જ ના પડી.
તમે માનતા હશો કે ૩૩ વર્ષીય સના ખાન, જેઓ સાયરાના ઘરની બાજુમાં રહે છે (આ વાર્તામાં, એમનું અને એમના પરિવારના બધાં સભ્યોનું નામ બદલેલ છે) તેમની હાલત થોડી અલગ હશે. ભણતરમાં સ્નાતક સુધી અભ્યાસ કર્યા પછી તેઓ શિક્ષિકા બનીને પ્રાથમિક શાળામાં ભણાવવા માગતા હતા, પણ જ્યારે ઘરની બહાર જવાની વાત આવતી, તો એમના ૩૬ વર્ષીય પતિ રુસ્તમ અલી, જેઓ એક અકાઉન્ટ ફર્મમાં ઓફિસ એટેન્ડન્ટ તરીકે ફરજ બજાવે છે, ટોણા મારવાનું શરુ કરી દેતા: “તમે ચોક્કસપણે બહાર જઈને કામ કરો. હું જ ઘરે બેસી જાઉં છું. તમે કમાઓ અને આ ઘર ચલાવો.”
સનાએ ઘણાં સમયથી આ મુદ્દા પર વાત કરવાનું જ છોડી દીધું છે. પોતાના રસોડાની બહાર ઉભા રહીને તેઓ કહે છે, “આનાથી શું ફાયદો થશે? આનાથી દલીલો જ થવાની. આ એક એવો દેશ છે જ્યાં પુરુષો સર્વોપરી છે. આથી સ્ત્રીઓ પાસે સમાધાન સિવાય બીજો કોઈ વિકલ્પ નથી, કેમ કે જો તેઓ આવું નહીં કરે તો આવા ઝઘડા ચાલુ જ રહેશે.”
જેમ સાયરા બપોરે કપડા સીવે છે, તેમ સના પણ દિવસે શાળાના બાળકોને પોતાના ઘરે ટ્યુશન આપે છે, અને મહીને ૫,૦૦૦ રૂપિયા કમાય છે, જે એમના પતિની કમાણી કરતાં અડધી છે. તેઓ આમાંથી મોટાભાગની આવક એમના બાળકો પર ખર્ચ કરી દે છે. પણ હરિયાણાની ૫૪ ટકા સ્ત્રીઓની જેમ તેમની પાસે એકે બેંક ખાતું નથી જેને તેઓ જાતે વાપરી શકે.
સનાને પહેલેથી જ બે બાળકો જોઈતા હતા અને તેઓ જાણતા હતા કે આઈયુડી જેવી ગર્ભનિરોધકોનો ઉપયોગ કરીને તેઓ બે બાળકોના જન્મ વચ્ચે નિયત ગાળો રાખી શકશે. એમના અને રુસ્તમ અલીના ત્રણ બાળકો છે - બે દીકરીઓ અને એક દીકરો.
૨૦૧૦માં એમની પહેલી દીકરી આસિયાના જન્મ પછી સનાએ સોનીપતની એક ખાનગી હોસ્પિટલમાં આઈયુડી લગાવી દીધી. વર્ષો સુધી તેમને એમ હતું કે એ મલ્ટી-લોડ આઈયુડી હશે, જે તેમને જોઈએ છે. ગામની બીજી સ્ત્રીઓની જેમ તેમને પણ કોપર-ટી વિશે થોડોક ખચકાટ છે.
હરસાના કલાન ગામના ઉપ-ચિકિત્સા કેન્દ્રના સહાયક નર્સ અને દાયણ નિશા ફોગટ કહે છે, “કોપર-ટી વધારે દિવસો સુધી કામ કરે છે, અને લગભગ ૧૦ વર્ષો સુધી ગર્ભધારણ સામે રક્ષણ આપે છે. જ્યારે કે મલ્ટી-લોડ આઈયુડી ત્રણથી પાંચ વર્ષો સુધી જ કામ કરે છે. ગામની ઘણી સ્ત્રીઓ મલ્ટી-લોડ આઈયુડીનો ઉપયોગ કરે છે, આથી આ તેમની પહેલી પસંદ બની ગઈ છે. કોપર-ટી સામે સ્ત્રીઓને જે સમસ્યાઓ છે એ જોઇને એમ લાગે છે કે આ બધું તેમણે એકબીજા પાસેથી જે સાંભળ્યું છે એના લીધે થયું છે. જો ગર્ભનિરોધકનો ઉપયોગ કરવાથી કોઈ એક સ્ત્રીને પણ તકલીફ પડે તો બીજી સ્ત્રીઓ પણ તેનો ઉપયોગ કરવાથી ખચકાશે.”
હરસાના કલાન ગામમાં ૨૦૦૬થી આશા વર્કર તરીકે કામ કરી રહેલા સુનીતા દેવી કહે છે, “સ્ત્રીઓએ એ સમજવું જરૂરી છે કે કોપર-ટી લગાવ્યા પછી તેમણે ભારે વજન ઊંચકવો જોઈએ નહીં અને એક અઠવાડિયા સુધી આરામ કરવો જોઈએ કેમ કે આ ઉપકરણને બરાબર ફીટ થતા સમય લાગે છે. પરંતુ, તેઓ આવું કરતી નથી, અથવા તો તેમના માટે આવું કરવું શક્ય નથી. આનાથી તેમને અસુવિધા થઇ શકે છે અને આ વિશે તેઓ ફરિયાદ પણ કરે છે, મેરે કલેજે તક ચડ ગયા હૈ [મારા કલેજા સુધિ ચઢી ગયું છે]”
સના કોપર-ટીનો ઉપયોગ કરી રહ્યા છે એ વાત જ્યારે તેઓ આઈયુડી કઢાવવા ગયા ત્યારે જ તેમને ખબર પડી. તેઓ કહે છે, “મારા પતિ અને ખાનગી હોસ્પિટલના ડોક્ટર બંને મારી સાથે જુઠ્ઠું બોલ્યા. તે [રૂસ્તમ અલી] જાણતા હતા કે હું મલ્ટી-લોડ આઈયુડી નહીં પણ કોપર-ટી વાપરી રહી છું, પણ તેમણે મને સચ્ચાઈ કહેવાની દરકાર પણ ન કરી. જ્યારે મને ખબર પડી તો મારો એમની સાથે ઝઘડો પણ થયો.”
અમે એમને પૂછ્યું કે એમને કંઈ તકલીફ નહોતી થઇ તો આ વાત જાણવી એટલી જરૂરી હતી? તો તેઓ કહે છે, “તેઓ જુઠ્ઠું બોલ્યા. આ રીતે તો ભવિષ્યમાં તેઓ મારા શરીરમાં કંઈ પણ નાખી દેશે અને એના વિશે પણ જુઠ્ઠું બોલશે. તેમણે [રૂસ્તમે] મને કહ્યું કે ડોકટરે આ વિશે મને ગેરમાર્ગે દોરવાની સલાહ આપી હતી, કારણ કે સ્ત્રીઓ કોપર-ટીનો આકાર જોઇને ડરે છે.”
આઈયુડી નીકાળ્યા પછી સનાએ ૨૦૧૪માં પોતાની બીજી દીકરી અક્ષીને જન્મ આપ્યો. ત્યારે એમને આશા હતી કે આનાથી તેમનો પરિવાર સંપૂર્ણ થઇ જશે. પરંતુ જ્યાં સુધી ૨૦૧૭માં તેમને દીકરો ન થયો ત્યાં સુધી પરિવારનું દબાણ ચાલુ રહ્યું. તેઓ કહે છે, “તેઓ દીકરાને સંપત્તિ સમજે છે; પણ દીકરીઓ વિશે એમના વિચારો અલગ જ છે.”
આખા દેશમાં હરિયાણામાં લિંગ ગુણોત્તર (૦-૬ વર્ષના વયવર્ગમાં) સૌથી ઓછો છે, જ્યાં દર ૧,૦૦૦ છોકરાઓમાં ફક્ત ૮૩૪ છોકરીઓ જ છે (૨૦૧૧ની વસ્તીગણતરી). સોનીપત જિલ્લામાં આ આંકડો હજુ વધારે ખરાબ છે, જ્યાં દર ૧,૦૦૦ છોકરાઓએ ફક્ત ૭૯૮ છોકરીઓ જ છે . અને છોકરાઓ તરફના લગાવની સાથે અહિં છોકરીઓ પ્રત્યે અણગમો પણ જોવા મળે છે. અને આ હકીકત પણ મોટા પાયે નોંધાઈ છે કે પુરુષ પ્રધાન પરિવારોમાં કુટુંબ નિયોજન મોટેભાગે પતિ કે પછી કુટુંબના બીજા સભ્યો દ્વારા કરવામાં આવે છે. એનએફએચએસ-૪ આંકડાઓથી જાણવા મળે છે કે હરિયાણામાં ફક્ત ૭૦ ટકા સ્ત્રીઓ જ પોતાના આરોગ્યને લાગતાં નિર્ણયોમાં ભાગ લઇ શકે છે, જ્યારે બીજી બાજુ ૯૩ ટકા પુરુષો પોતાના આરોગ્યને લગતા મુદ્દાઓમાં ભાગ લે છે.
કાંતા શર્મા (જેમનું નામ, અને એમના પરિવારના બધા સભ્યોના નામ આ વાર્તામાં બદલેલ છે) સાયરા અને સનાની જેમ એજ વિસ્તારમાં રહે છે, અને એમના પરિવારના પાંચ સભ્યો છે - એમના ૪૪ વર્ષીય પતિ સુરેશ શર્મા અને ચાર બાળકો. બે દીકરીઓ આશુ અને ગુંજનનો જન્મ લગ્નના પહેલા બે વર્ષોમાં થયો હતો. આ દંપતીએ નક્કી કર્યું હતું કે તેમની બીજી દીકરીના જન્મ પછી કાંતા નસબંધી કરાવી લેશે, પરંતુ તેમના સાસરીવાળા આ વાતથી રાજી નહોતા.
૩૯ વર્ષીય કાંતા એમની દીકરીઓએ અભ્યાસમાં સારું પ્રદર્શન કરીને જીતેલી ટ્રોફીઓ તરફ નજર કરીને કહે છે, “દાદીને પૌત્ર જોઈતો હતો. એ પૌત્રની ઈચ્છામાં અમારે ચાર બાળકો થઇ ગયા. જો વડીલોની એવી ઈચ્છા હોય એવું જ થાય. મારા પતિ પરિવારમાં સૌથી મોટા છે, અમે પરિવારના નિર્ણયોનો અનાદર કરી શકતા નથી.”
ગામમાં કોઈ નવવધુ આવે તો સુનીતા દેવી જેવા આશા કાર્યકર્તા એમની નોંધ રાખે છે, પણ તેમની સાથે મુલાકાત મોટાભાગે વર્ષના અંતે જ થાય છે. સુનીતા કહે છે, “અહિંની મોટાભાગની યુવતીઓ લગ્નના પહેલાં જ વર્ષે ગર્ભવતી થઇ જાય છે. બાળકના જન્મ પછી અમે એમના ઘરે જઈએ છીએ અને એમના સાસુની હાજરીમાં એમના કુટુંબ નિયોજન વિશે ચર્ચા કરીએ છીએ. ત્યારબાદ, જ્યારે પરિવાર ચર્ચા કરીને કોઈ નિર્ણય લે તો તેઓ અમને એ વિશે જાણ કરી દે છે.”
સુનીતા કહે છે, “નહીંતર એમના સાસુ અમારાથી રિસાઈ જશે, અને અમને કહેશે, ‘ હમારી બહુ કો ક્યાં પટ્ટી પઢા કે ચલી ગયી હો? ’ [મારી વહુને શું શીખવાડીને ગયા છો?]!”
જ્યારે ત્રીજું બાળક પણ છોકરી થઇ, તો કાંતાને ગર્ભનિરોધક દવાઓ લેવાની શરુ કરી દીધી, જે એમના પતિ એમના માટે લઈને આવતા હતા. આ વિશે એમના સાસુ-સસરાને કંઈ ખબર નહોતી. દવાઓ લેવાનું બંધ કાર્યના મહિનાઓ પછી કાંતા ફરીથી ગર્ભવતી થયા અને આ વખતે એમને દીકરો થયો. પણ વિડંબના એ થઇ કે દાદી એમના પૌત્રને જોઈ શક્યા નહીં. કાંતાના સાસુનો ૨૦૦૬માં જ સ્વર્ગવાસ થઇ ગયો હતો. એના એક વર્ષ પછી કાંતાએ એમના દીકરા રાહુલને જન્મ આપ્યો.
ત્યારથી કાંતા પરિવારમાં સૌથી વડીલ છે. તેમણે આઈયુડીનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું. એમની દીકરીઓ ભણી રહી છે; સૌથી મોટી દીકરી નર્સિંગમાં બી.એસ.સી. કરી રહી છે. કાંતા હજુ તેના લગ્ન વિશે વિચારી રહ્યા નથી.
કાંતા કહે છે, “તેમણે ભણી-ગણીને સફળ બનવાનું છે. મારી દીકરીઓને જે જોઈએ છે, એ મેળવવામાં જો અમે મદદ નહીં કરીએ, તો અમે કઈ રીતે આશા રાખી શકીએ કે તેમના પતિ અને સાસુ-સસરા ભણવામાં તેમની મદદ કરશે? અમારો જમાનો અલગ હતો. એ હવે બદલાઈ ગયો છે.”
પોતાની આવનારી વહુ વિશે તમારો શું મત છે, એનો જવાબ આપતા કાંતા કહે છે, “એ જ. એણે શું કરવું છે, એ એણે જોવાનું. [ગર્ભનિરોધક] નો ઉપયોગ કઈ રીતે કરવો એ પણ. અમારો જમાનો અલગ હતો. એ હવે બદલાઈ ગયો છે.”
ગ્રામીણ ભારતના કિશોરો અને કિશોરીઓ અંગેનો રાષ્ટ્રવ્યાપી અહેવાલ આપતી PARI અને કાઉન્ટરમિડિયા ટ્રસ્ટની યોજના જનસામાન્યના અભિપ્રાય અને જીવંત અનુભવ દ્વારા આ અગત્યના છતાં છેવાડાના જૂથોની પરિસ્થિતિના અભ્યાસ અંગે પોપ્યુલેશન ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા દ્વારા સમર્થિત પહેલનો ભાગ છે.
આ લેખ ફરીથી પ્રકાશિત કરવા માંગો છો? કૃપા કરી [email protected] ને cc સાથે [email protected] પર લખો
અનુવાદક: ફૈઝ મોહંમદ