એકવાર ત્રણ જણાં - કેથરિન કૌર, બોધિ મુરમુ અને મોહમ્મદ તુલસીરામ - એકબીજાના પાડોશમાં રહેતાં હતાં . કેથી એક ખેડૂત હતી; બોધી શણની મિલમાં કામ કરતો; અને મોહમ્મદ ગોવાળિયો હતો. ત્રણેમાંથી એકેને ખબર ન હતી કે પેલી ભારેખમ ચોપડી જેને ભારતીય બંધારણ કહેવાય છે અને જેના નામે શહેરના બુદ્ધિજીવીઓ હોહા કરી રહ્યા રહ્યા છે એની જરૂર શી છે. કેથીએ કહ્યું કે તો સાવ નકામી વસ્તુ છે. તો બોધીએ વિચાર્યું કે હોઈ શકે કે એ કોઈ દૈવી ચીજ હોય. અને મોહમ્મદ પૂછતો રહ્યો કે, "શું એ ચોપડી આમારા ભૂખ્યાં બચ્ચાનું પેટ ભરશે કે?"
કોઈ દાઢીવાળો રાજા દેશમાં ચૂંટાઈ આવ્યો છે એ વાત જાણીને એ ત્રણેય માંથી એકેયને કોઈ ફેર નહોતો પડતો. "અલા અહીં ટેમ કોની પાસે છ?" અને પછી સરખો વરસાદ ના થયો, કેથરિનનું દેવું વધી ગયું, અને એના ખેરતના ખૂણે પડી જંતુનાશક દવાની બાટલી એને નામ દઈને બોલાવવા લાગી. એ પછી શણની મિલ નાદાર થઈ ગઈ. પોલીસે વિરોધ કરી રહેલા કામદારો પર અશ્રુવાયુના ટેટા છોડ્યા અને બોધિ મુર્મુને આ બધામાં તેમની આગેવાની માટે આતંકવાદના આરોપો સાથે જેલ ભેગા કરાયા. અંતે વારો આવ્યો મોહમ્મદ તુલસીરામનો. એક સરસ સનાતની, પવિત્ર સાંજે તેની ગાયો જ એને ખદેડવા આવી પહોંચી. પાછળ પાછળ આવ્યા "ગૌ-માતા કી જય! ગૌ-માતા કી જય!" કરતા, તલવારો ચલાવતા બે પગા વાછરડા.
શૈતાની મંત્રોચ્ચાર વચ્ચે, ક્યાંક થોડાં પાનાં ફફડ્યાં, ઉગ્યો એક વાદળી સૂરજ, ને સંભળાયો એક ઝીણો અવાજ:
"અમે, ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક, પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો..."
બંધારણનું મરશિયું
1.
સાર્વભોમ
ને
તરસી અમ ધરા
કુસુંબરંગી
2.
સમાજવાદી
સપનાં મજૂરનાં
વેઠે સીંચ્યાં
3.
ધર્મકટારી
બિનસાંપ્રદાયિક
કૂખને
ચીરે
4.
આ
લોકશાહી
મત,
મોતના
સોદા
જે
સદીઓથી
5.
ગયાં બુદ્ધ ત્યાં
પ્રજાસત્તાક
રાજા
બંદૂક-વાજાં
6.
ન્યાય
ની આંખે
બાંધ્યાં
પાટા,
પાછળ
પોલમપોલ
7.
લો,
સ્વતંત્રતા
મોલમાં
વેચી
તાજી
મીઠી
ઝેર
શી
8.
સમાનતા
તો
રહી
દાંતવિહોણી
ગાય
ધર્મની
9.
ભાઈચારો
તે
ભંગી
પીઠે
ભાર
ને
બ્રાહ્મણરાજ
કવિ સ્મિતા ખતોરનો વિશેષ આભાર માનવા ઈચ્છે છે, જેમની સાથેના પ્રેરક સંવાદોથી આ કવિતા લખવાનું એમને બળ મળ્યું છે.
અનુવાદ : પ્રતિષ્ઠા પંડ્યા