રેશમ અને બિઅંત કૌર કહે છે, "આ સંઘર્ષ માત્ર ખેડૂતોનો જ નહિ પરંતુ ખેતમજૂરોનો પણ છે. જો આ કૃષિ કાયદાઓ લાગુ કરવામાં આવશે તો માત્ર ખેડૂતોને જ નહીં, પરંતુ આજીવિકા માટે તેમના પર નિર્ભર ખેતમજૂરોને પણ પ્રતિકૂળ અસર પહોંચાડશે."
તેથી 7 મી જાન્યુઆરીની બપોરે બંને બહેનો રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની સરહદે ચાલી રહેલા ખેડૂત વિરોધ પ્રદર્શનમાં જોડાવા પંજાબના મુકતસર જિલ્લાથી નીકળી હતી.
પંજાબ ખેત મઝદૂર યુનિયન દ્વારા ઓછામાં ઓછી 20 બસોની સગવડ કરવામાં આવી હતી. આ બસો તે રાત્રે આશરે 1500 લોકોને લઈને નવા કૃષિ કાયદાઓ સામેના વિરોધ પ્રદર્શનોના સ્થળોમાંના એક પશ્ચિમ દિલ્હીના ટિકરી ખાતે આવી હતી. તેઓ બઠીંડા, ફરીદકોટ, જલંધર, મોગા, મુકતસર, પતિયાલા અને સંગરુર જિલ્લામાંથી આવ્યા હતા. મુક્તસર જિલ્લાના તેમના ગામ ચાન્નુ નજીકના એક સ્થળેથી રેશમ અને બિઅંત આમાંની એક બસમાં ચઢ્યા હતા.
26 મી નવેમ્બરથી ઘણા ખેડુતો ટિકરી અને દિલ્હીની આસપાસના અન્ય વિરોધ સ્થળોએ રોકાયા છે, જ્યારે કેટલાક લોકો થોડા દિવસો માટે જોડાય છે, પછી તેમના ગામોમાં પાછા ફરે છે અને અહીં ચાલતા આંદોલન વિશે ત્યાં લોકોને માહિતગાર કરે છે. 24 વર્ષના રેશમ કહે છે, "અમારા ગામના ઘણાને આ નવા કૃષિ કાયદાઓ ખેતમજૂરોને શું અસર પહોંચાડશે તે અંગે કંઈ ખબર નથી. હકીકતમાં અમારા ગામોમાં પ્રસારિત થતી ન્યૂઝ ચેનલો કહે છે કે આ કાયદાઓ ખેડૂતો અને ખેતમજૂરોના હિત માટે છે. તેઓ કહે છે કે એકવાર આ કાયદા લાગુ થયા પછી ખેતમજૂરોને જમીન આપવામાં આવશે અને વધુ સારી સુવિધા આપવામાં આવશે.”
આ કાયદાઓ પહેલા 5 મી જૂન, 2020 ના રોજ વટહુકમો તરીકે બહાર પાડવામાં આવ્યા હતા, ત્યારબાદ 14 મી સપ્ટેમ્બરે સંસદમાં કૃષિ ખરડા તરીકે રજૂ કરવામાં આવ્યા હતા અને એ જ મહિનાની 20 મી તારીખ સુધીમાં ઉતાવળે કાયદામાં પરિવર્તિત કરવામાં આવ્યા હતા. આ ત્રણ કાયદાઓ છે: કૃષિક (સશક્તિકરણ અને સંરક્ષણ) કિંમત આશ્વાસન અને કૃષિ સેવા પર કરાર અધિનિયમ, 2020 ; કૃષિક ઉપજ વેપાર અને વાણિજ્ય (સંવર્ધન અને સરળીકરણ) અધિનિયમ, 2020; અને આવશ્યક ચીજવસ્તુઓ (સંશોધન) અધિનિયમ, 2020 . આ કાયદાઓ ભારતીય બંધારણની કલમ 32 ને નબળી પાડીને તમામ નાગરિકોને તેમના કાયદાકીય કાર્યવાહીના અધિકારથી વંચિત કરીને દરેક ભારતીયને અસર કરે છે એ કારણસર પણ તેમની ટીકા કરવામાં આવી રહી છે.મોટા નિગમોને ખેડૂતો પર અને ખેતી પર વધારે વર્ચસ્વ જમાવવા માટેનો વ્યાપ વિસ્તારી આપતા આ ત્રણે ય કાયદાઓને ખેડૂતો તેમની આજીવિકા માટે ઘાતક ગણે છે. આ કાયદાઓ ખેડૂતને ટેકાના મુખ્ય સ્વરૂપોને પણ નબળા પાડે છે, જેમાં ન્યુનતમ ટેકાના ભાવ (એમએસપી), ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓ (એપીએમસી), રાજ્ય ખરીદી અને અન્યનો સમાવેશ થાય છે.
રેશમ અને બિઅંત દલિત જૂથના બૌરિયા સમુદાયના છે - ચાન્નુ ગામની 6529 ની વસ્તીમાં આશરે 58 ટકા લોકો અનુસૂચિત જાતિના છે. ખેતમજૂરી દ્વારા જ તેમના કુટુંબની સ્થિતિ કંઈક ઠીક થઈ છે; તેમની માતા 45 વર્ષના પરમજીત કૌર આજે પણ ખેતરોમાં કામ કરે છે, જ્યારે તેમના પિતા 50 વર્ષના બલવીરસિંઘ હાલ ગામમાં એક વર્કશોપ ચલાવે છે. ત્યાં તેઓ ટ્રોલીઓ અને ધાતુના દરવાજા બનાવે છે. તેમના 20 વર્ષના ભાઈ હરદીપે 10 મા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તેઓ પરિણીત છે. તેઓ પણ તેમના પિતા સાથે કામ કરે છે.
રેશેમ ઈતિહાસમાં એમએની ડિગ્રી ધરાવે છે અને લોકડાઉન પહેલા મહિને 3000 રુપિયાના પગારે એક ખાનગી શાળામાં ભણાવતા હતા. ત્યારબાદ તેઓ ટ્યુશન ક્લાસમાં ભણાવી રહ્યા છે અને મહિને 2000 રુપિયા કમાય છે. 22 વર્ષના બિઅંત બીએની ડિગ્રી ધરાવે છે, તેઓ ઇન્વેન્ટરી કારકુનની નોકરી માટે અરજી કરવા માગે છે. બંને બહેનો ઘેર દરજીકામ પણ કરે છે, તેઓ 300 રુપિયામાં સલવાર-કમીઝની જોડી સીવે છે. કેટલીક વખત દરજીકામની આવકમાંથી તેમણે તેમની કોલેજની ફી પણ ચૂકવી હતી.
રેશમ કહે છે, "અમારો જન્મ ખેતમજૂરોના પરિવારમાં થયો હતો.ખેતમજૂરના પરિવારનું દરેક બાળક મજૂરી કેવી રીતે કરવી તે જાણે છે. હું પણ મારી શાળાની રજાઓ દરમિયાન મારા માબાપ સાથે દિવસના 250 થી 300 રૂપિયામાં ખેતરોમાં કામ કરતી હતી."
તમામ ખેતમજૂરોના બાળકોનો ઉલ્લેખ કરતા તેઓ ઉમેરે છે, “અમે ક્યારેય શાળાની રજાઓ દરમ્યાન નવરા નથી બેસી રહેતા. બીજા બાળકોની જેમ અમે શાળાની રજાઓમાં મનોરંજન માટે ફરવા નથી જતા. અમે ખેતરોમાં મજૂરી કરીએ છીએ."
તેઓ ઉમેરે છે કે આ નવા કાયદાઓથી ખેતમજૂરો માટે તેમના બાળકોને ભણાવવાનું પણ વધુ મુશ્કેલ બનશે. “જો કે મજૂરનું બાળક તો મજૂર જ હોય એવું મનાય છે. આ કાયદાઓથી ખેડૂતોની જમીન જ છીનવાઈ જશે તો અમારા માબાપને કામ શી રીતે મળશે અને તેઓ પોતાના બાળકોને ભણાવશે શી રીતે? સરકાર ગરીબોનું નામોનિશાન મિટાવી દેવાનો પ્રયાસ કરી રહી છે - તેમને માટે કોઈ કામ નહિ, અન્ન નહિ અને શિક્ષણ નહિ”9 મી જાન્યુઆરીએ બપોરે બંને બહેનો સંગઠનના અન્ય સભ્યો સાથે ટિકરીથી હરિયાણા-દિલ્હી સરહદ પર સિંઘુ વિરોધ સ્થળે જવા રવાના થઈ. તેમની બસો લગભગ ત્રણ કિલોમીટર દૂર રોકાઈ, અને તેઓ બધા હાથમાં પ્લેકાર્ડ્સ અને તેમના સંગઠનના ધ્વજ લઈને મુખ્ય મંચની સામેની બેઠક વ્યવસ્થા તરફ ગયા. રેશમે પકડેલા પ્લેકાર્ડ પર લખ્યું હતું: 'લોહી ચૂસનારા કોર્પોરેટ્સ માટે નહીં, લોકો માટે તિજોરીઓ ખોલો'.
બિઅંતે તેમની મોટી બહેન કરતાં સંગઠનની વધુ બેઠકોમાં ભાગ લીધો છે. તેઓ સાત વર્ષથી પંજાબ ખેત મઝદૂર યુનિયન સાથે સંકળાયેલા છે, જ્યારે રેશમ ત્રણ વર્ષ પહેલાં જોડાયા હતા. બિઅંત કહે છે કે (ચાન્નુથી લગભગ 50 કિલોમીટર દૂરના) ખુન્ડે હલાલ ગામમાં રહેતા તેમના કાકી અને કાકા સંગઠનના સભ્યો છે એમની અસરનું આ પરિણામ છે. એક દીકરીની ઈચ્છા હોવાથી કાકી અને કાકાએ બિઅંત નાની બાળકી હતા ત્યારે જ તેમને દત્તક લીધા હતા. તેઓ કહે છે, "તેથી હું પણ નાની ઉંમરે સંગઠનમાં જોડાઈ." (ત્રણ વર્ષ પહેલાં બિઅંત સ્નાતક કક્ષાનો અભ્યાસ કરવા બદલ ચાન્નુમાં તેમના માબાપને ઘેર પાછા ફર્યા હતા).
5000 સભ્યો ધરાવતું પંજાબ ખેત મઝદૂર યુનિયન દલિતોની આજીવિકા, તેમના જમીનના અધિકાર અને જાતિભેદ સંબંધિત મુદ્દાઓ પર કામ કરે છે. સંગઠનના જનરલ સેક્રેટરી લછમન સિંહ સેવેવાલા કહે છે, “ઘણા માને છે કે ખેડૂતોનું કૃષિ કાયદા વિરુદ્ધનું આ આંદોલન તેમની જમીન અને ન્યુનતમ ટેકાના ભાવ સંબંધિત મુદ્દાઓ માટેનું છે. પરંતુ ખેતમજૂરો માટે તો તે તેમની ખાદ્ય સુરક્ષા માટેનું - જાહેર વિતરણ પ્રણાલી માટેનું છે.”
રેશમ કહે છે, “અમારા ગામમાં ખેતમજૂરોનું કોઈ સંગઠન નથી, ફક્ત ખેડૂત સંગઠનો જ છે. તેથી જ ત્યાંના કેટલાક ખેતમજૂરો જાણતા પણ નથી કે [આ કાયદાઓથી] તેમને પણ અન્યાય થઈ રહ્યો છે.” બિઅંત ઉમેરે છે, “પણ અમે જાણીએ છીએ. અમે દિલ્હી આવ્યા છે જેથી અમે તેમની આગળ વિરોધનું ખરું ચિત્ર રજૂ કરી શકીએ અને તેમને કહી શકીએ કે આ કાયદાઓ શા માટે ફક્ત ખેડુતો જ નહીં પણ દરેકને અસર કરશે."
બંને બહેનો 10 મી જાન્યુઆરીએ ઘેર પાછા ફરવા રવાના થયા હતા. બિઅંત કહે છે કે વિરોધ સ્થળો પર આ બે દિવસ ગાળ્યા પછી તેમની પાસે તેમના ગામના લોકોને કહેવા માટે ઘણું છે. પંજાબ રાજ્ય કૃષિ માર્કેટિંગ બોર્ડ નો ઉલ્લેખ કરીને તેઓ પૂછે છે, “જો બહારના લોકો ખેડૂતોની જમીન કબજે કરી લેશે, તો ખેતમજૂરો ક્યાં જશે? જો મંડી બોર્ડને ખતમ કરી દેવામાં આવશે અને સરકાર સંચાલિત એજન્સીઓને નિષ્ફળ બનાવવામાં આવશે તો ગરીબોને તેમનું રેશન ક્યાંથી મળશે? ગરીબને મરવા માટે છોડી દેવામાં આવશે. આ સરકાર માને છે કે અમે મૂરખ છીએ. પરંતુ અમે મૂરખ નથી. ન્યાય માટે શી રીતે લડવું એ અમે જાણીએ છીએ અને અમે રોજેરોજ શીખીએ છીએ.”
અનુવાદ: મૈત્રેયી યાજ્ઞિક