અહમદ એક શ્વાસે બોલે છે, “કિતકિત [લંગડી], લાટ્ટુ [ભમરડો ફેરવવો] અને તાસ ખેલા [પત્તાંની રમત].” લગભગ તરત જ આ 10 વર્ષીય બાળક પોતાને સુધારે છે અને સ્પષ્ટતા આપે છે કે, “લંગડીની રમત હું નથી રમતો, અલ્લારખા રમે છે.”
તેઓ ઉંમરમાં એક વર્ષ મોટા હોવાને અને તેમની રમતગમતની સારી ક્ષમતાને બતાવવા આતુર એવા અહમદ ઉમેરે છે, “ મને આ છોકરીઓની રમતો નથી ગમતી. હું તો શાળાના મેદાનમાં બેટ-બોલ [ક્રિકેટ] રમું છું. શાળા હવે બંધ છે, પણ અમે દિવાલ પર ચઢીને તેના મેદાનમાં પ્રવેશીએ છીએ!”
આ પિતરાઈ ભાઈઓ આશ્રમપારા વિસ્તારની બાણીપીઠ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ છે - અલ્લારખા ત્રીજા ધોરણમાં છે અને અહમદ ચોથામાં.
આ ડિસેમ્બર 2021ની શરૂઆતનો સમય છે, અને અમે પશ્ચિમ બંગાળના બેલડાંગામાં છીએ – હું બીડી વણીને આજીવિકા રળતી મહિલાને મળવા માટે રોકાઉં છું.
અમે એકલા અટૂલા ઊભા એક આંબાના ઝાડ પાસે રોકાયાં છીએ. તે જૂના કબ્રસ્તાનમાંથી પસાર થતા સાંકડા રસ્તાના કિનારે ઊભું છે; તેનાથી થોડે દૂર પીળા સરસવના ખેતરો છે. તે મૌન અને શાંત જગ્યા છે જેમાં મૃત આત્માઓ તેમની શાશ્વત ઊંઘમાં આરામ કરી રહી છે; વિશાળ હાજરીવાળું એકાંત વૃક્ષ શાંત જાગૃત અવસ્થામાં ઊભું છે. વસંતઋતુમાં તેમાં ફરીથી ફળો ન ઉગે, ત્યાં સુધી પક્ષીઓએ પણ વૃક્ષને ત્યજી દીધું છે.
દોડવાના અવાજથી તે શાંત માહોલમાં ભંગ પડે છે - અહમદ અને અલ્લારખા, ત્યાં ધસી આવે છે. તેઓ લંગડી લેતા, કૂદતા, કૂદકા મારતા આવે છે - કેટલીકવાર એક જ સમયે તે બધુ કરે છે. તેઓ અમારી હાજરીની નોંધ લેતા હોય તેવું લાગતું નથી.
ઝાડ પર પહોંચ્યા પછી, તેઓ તેના થડની સામે ઉભા રહીને તેમની ઊંચાઈ માપે છે. આ તેમની દૈનિક ક્રિયા છે, જે ઝાડની છાલ પરના નિશાનો પરથી સ્પષ્ટ થાય છે.
હું તે પિતરાઈ ભાઈઓને પૂછું છું, “શું ગઈકાલ કરતાં તેની ઊંચાઈ જરાય વધી છે?” બન્નેમાં થોડા નાના અલ્લારખા દાંત વગરના મોઢાથી સ્મિત કરીને કહે છે, “તો શું થઈ ગયું? અમે મજબૂત છીએ!” પોતાનું કદ સાબિત કરવા તે તેમના પડી ગયેલા દાંત તરફ આંગળી ચીંધીને કહે છે, “જુઓ! ઉંદરે મારા દૂધિયા દાંત લઈ લીધા છે. મારે ટૂંક સમયમાં અહમદ જેવા મજબૂત દાંત આવી જશે.”
ઉંમરમાં માત્ર એક વર્ષ મોટો અહમદ તેના મોઢાના અકબંધ દાંત બતાવીને કહે છે, “મારા બધા દુધેર દાંત [દૂધિયા દાંત] ગાયબ થઈ ગયા છે. હું હવે મોટો છોકરો છું. આવતા વર્ષે હું એક મોટી શાળામાં જઈશ.”
તેમની શક્તિનું પ્રદર્શન કરવા માટે તેઓ ખિસકોલી જેવી ચપળતા સાથે ઝાડ ઉપર ચઢી જાય છે. આંખના એક પલકારામાં તો તેઓ ઝાડની ડાળીઓ પર પહોંચીને તેમના નાના પગ નીચે લટકતા રહે તે રીતે સ્થિર થાય છે.
ખુશખુશાલ અહમદ કહે છે, “આ અમારી મનપસંદ રમત છે.” અલ્લારખા ઉમેરે છે, “જ્યારે શાળા ચાલુ હોય, ત્યારે અમે શાળા પત્યા પછી આ રમીએ છીએ.” છોકરાઓ પ્રાથમિક વિભાગમાં છે અને હજુ શાળાએ પરત ફર્યા નથી. 25 માર્ચ, 2020થી કોવિડ-19 મહામારીના પગલે શૈક્ષણિક સંસ્થાઓ લાંબા સમય સુધી બંધ હતી. શાળાઓ ફરી ખુલી હોવા છતાં, ડિસેમ્બર 2021માં ફક્ત ઉપલા વર્ગના વિદ્યાર્થીઓ જ વર્ગખંડમાં હાજરી આપી રહ્યા હતા.
અહમદ કહે છે, “મને મારા મિત્રો યાદ આવે છે.” અલ્લારખા કહે છે, “અમે આ ઝાડ પર ચઢતા અને ઉનાળામાં કાચી કેરીઓ ચોરી લેતા.” જ્યારે શાળા શરૂ હતી ત્યારે તેમને મળતો સોયાનો નાસ્તાને અને ઈંડાને બાળકો યાદ કરે છે. હવે તેમની માતાઓ મહિને એક વાર શાળાએ જઈને મધ્યાહન ભોજન [કીટ] લઈ લે છે. કીટમાં ચોખા, મસૂર દાળ, બટાકા અને એક સાબુ હોય છે.
અહમદ કહે છે, “અમે ઘેર ભણીએ છીએ અને અમારી માતાઓ અમને શીખવે છે. હું દિવસમાં બે વાર વાંચું અને લખું છું.”
હું કહું છું, “પણ તારી મમ્મી તો મને કહેતી હતી કે તું બહુ તોફાની છે અને તેની વાત બિલકુલ સાંભળતો નથી.”
અલ્લારખા કહે છે, “અમે ઘણા નાના છીએ…અમ્મી [મમ્મી] સમજતાં નથી.” તેમની માતાઓ સવારથી મધ્યરાત્રિ સુધી ઘરના કામકાજમાં, તેમના પરિવારને ખવડાવવામાં અને બીડીઓ વણવામાં વ્યસ્ત રહે છે; તેમના પિતા દૂરના રાજ્યોમાં બાંધકામ પ્રોજેક્ટ પર સ્થળાંતર કામદારો તરીકે કામ કરે છે. અલ્લારખા કહે છે, “જ્યારે અબ્બા [પિતા] ઘેર આવે છે, ત્યારે અમે તેમનો મોબાઈલ લઈએ છીએ અને ગેમ રમીએ છીએ, તેનાથી અમ્મી ગુસ્સે થાય છે.”
તેઓ ફોન પર જે ગેમ રમે છે તે ઊંચા અવાજ અને ઘોંઘાટવાળી હોય છે: “ફ્રી-ફાયર. એક્શન અને બંદૂકોની લડાઈથી ભરપૂર.” જ્યારે તેમની માતાઓ આનો વિરોધ કરે છે, ત્યારે તેઓ ફોન લઈને ધાબા પર અથવા બહાર જતા રહે છે.
અમે વાત કરી રહ્યા છીએ ત્યારે, તે બે છોકરાઓ પાંદડા એકઠા કરવા માટે શાખાઓ વચ્ચે ફરે છે અને એક પણ પાંદડું ન બગડે તેની કાળજી લે છે. આ પાછળનું કારણ અમને થોડી વારમાં જાણવા મળે છે જ્યારે અહમદ અમને કહે છે: “આ અમારી બકરીઓ માટે છે. અમારી પાસે 10 બકરીઓ છે. તેમને આ પાંદડાં ખાવાનું પસંદ છે. અમારી અમ્મીઓ તેમને ચરાવવા લઈ જાય છે.”
થોડી જ વારમાં તેઓ ઝાડ પરથી વીજળી વેગે નીચે આવી જાય છે અને પહોળા થડ પર પહોંચતા જ તેઓ કૂદીને કેરીના પાન અકબંધ રહે તે રીતે જમીન પર ઉતરે છે. અહમદ અમને ધારી ધારીને જોઈને કહે છે, “તમે મોટા લોકો બહુ પ્રશ્નો પૂછો છો. અમારે મોડું થઈ રહ્યું છે.” પછી બન્ને છોકરાઓ જે ધૂળિયા રસ્તે અહીં આવ્યા હતા તે રસ્તે ચાલવા માંડે છે, અને લંગડી લેતા અને કૂદકા મારતા પાછા ફરે છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ