મેં ક્યાંક લખ્યું છે કે તમે અમને ઉખેડી નાખો અને અમને પાણીમાં ડુબાડો, પરંતુ જાણજો કે ટૂંક સમયમાં તમારા માટે પણ પાણી બાકી રહેશે નહીં. તમે અમારી જમીન, અમારું પાણી છીનવી લો છતાં પણ અમે તમારી ભાવિ પેઢીઓ માટે લડીશું અને મરીશું. પાણી, જંગલ અને જમીન માટેનો આપણો સંઘર્ષ અમારા એકલાનો નથી, એટલી હદે કે આપણામાંથી કોઈ પ્રકૃતિથી અલગ નથી. આદિવાસીઓનું જીવન પ્રકૃતિ સાથે સુમેળમાં રહે છે. અમે અમારી જાતને પ્રકૃતિથી અલગ નથી જોતા. દેહવાલી ભીલીમાં મેં લખેલી ઘણી કવિતાઓ માં મેં મારા લોકોના મૂલ્યોને જાળવવાનો પ્રયાસ કર્યો છે.
અમારા આદિવાસી સમુદાયોનો વૈશ્વિક દૃષ્ટિકોણ આવનારી પેઢીઓ માટે પાયો બની શકે છે. તમારી પાસે તે જીવન, તે વિશ્વ દૃશ્ય તરફ પાછા ફરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. સિવાય કે તમે તૈયાર હો સામૂહિક આત્મહત્યા માટે.
પગ મૂકવા પૂરતી જગ્યા
અરે ભાઈ,
તમે કેમના સમજી શકશો
પથ્થરને પીસવાનો
અને માટી બાળવાનો અર્થ?
તમે તો આટલા ખુશ છો
એક માત્ર તમારા ઘરને અજ્વાળીને
આ બ્રહ્માંડની ઊર્જા પર કાબૂ કરીને
તમે નહીં સમજો
પાણીના બુંદનું મરવું શું છે.
છેવટે તમે આ પૃથ્વીનું શ્રેષ્ઠ સર્જન છો -
તમારી મહાનતાનું સૌથી મોટું પ્રમાણ હોય તો
આ ‘લેબોરેટરી’
તમારે ને આ જીવજંતુઓને કે પછી
આ વૃક્ષો કે વનસ્પતિને શું લેવા દેવા?
તમે તો સપનાં જુઓ છો આકાશમાં ઘર બનાવવાનાં .
તમે હવે ધરતીમાતાના લાડલા રહ્યા નથી.
ભાઈ, હવે જો હું તમને 'ચંદ્ર માનવ' કહું તો
તમે નારાજ નહીં થાઓ એવી આશા રાખું.
ના, તમે પક્ષી તો નથી
પણ તમે સપનાં તો ઊંચા ઉડવાના જુઓ છો, ખરું ને?
અને કેમ ના જુઓ, આટલા ભણેલા-ગણેલા જે છો!
તમે કોઈનું સાંભળો ક્યાં છો
પણ ભાઈ, થઇ શકે તો બસ આ એક વાત
માનજો
અમારા જેવા અભણ લોકો માટે
બસ થોડી જમીન છોડી દેજો ,
મહેરબાની કરીને
અમારા પગ મૂકવા પૂરતી.
અરે ભાઈ,
તમે કેમના સમજી શકશો
પથ્થરને પીસવાનો
અને માટી બાળવાનો અર્થ?
તમે તો આટલા ખુશ છો
એક માત્ર તમારા ઘરને અજ્વાળીને
આ બ્રહ્માંડની ઊર્જા પર કાબૂ કરીને
તમે નહીં સમજો
પાણીના બુંદનું મરવું શું છે.
છેવટે તમે આ પૃથ્વીનું શ્રેષ્ઠ સર્જન છો
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા