શીલા તારે કહે છે, “તેમનો આ ફોટો દિવાલ પર ન હોત. જો સમયસર તેમનું નિદાન થયું હોત, તો તેઓ આજે અમારી સાથે હોત."
વાદળી પૃષ્ઠભૂમિ પર તેમના પતિ અશોકના ફોટોગ્રાફની નીચે મરાઠીમાં લખેલું છે: ‘30/05/2020 ના રોજ અવસાન પામ્યા’.
પશ્ચિમ મુંબઈની બાંદ્રાની કેબી ભાભા હોસ્પિટલમાં અશોકનું મૃત્યુ થયું હતું. મૃત્યુનું કારણ હતું ‘શંકાસ્પદ’ કોવિડ -19 ચેપ. તેઓ 46 વર્ષના હતા અને બૃહદ મુંબઈ મહાનગર પાલિકા (બીએમસી) માં સફાઈ કામદાર હતા.
40 વર્ષના શીલા પોતાના આંસુ રોકી રાખે છે. પૂર્વ મુંબઈના ચેમ્બુરમાં સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી બિલ્ડિંગમાં પરિવારના 269 ચોરસ ફૂટના ભાડાના ફ્લેટમાં સ્તબ્ધતા પ્રસરેલી છે. તેમના દીકરાઓ નિકેશ અને સ્વપ્નિલ અને દીકરી મનીષા તેમની માતાના બોલવાની રાહ જુએ છે.
શીલા આગળ કહે છે, “8 થી 10 એપ્રિલની વચ્ચે, જ્યારે ભાંડુપમાં તેમની ચોકીનો મુકાદમ [કોવિડ -19] પોઝિટિવ હોવાની જાણ થઈ ત્યારે તેઓએ તે ચોકી બંધ કરી અને તમામ કામદારોને [તે જ વિસ્તારમાં, શહેરના એસ વોર્ડમાં] નહુર ચોકી પર હાજર થવા જણાવ્યું . એક અઠવાડિયા પછી તેમણે શ્વાસ લેવામાં મુશ્કેલીની ફરિયાદ કરી."
અશોક ભાંડુપમાં જુદા જુદા કલેક્શન પોઇન્ટ પરથી કચરો ઉપાડતી એક ટુકડી સાથે કચરો ભેગો કરતી ટ્રક પર કામ કરતા હતા. તેઓ કોઈ રક્ષણાત્મક સામગ્રી પહેરતા ન હતા. અને તેમને ડાયાબિટીસ હતો. તેમણે તેમના લક્ષણો તરફ મુખ્ય નિરીક્ષકનું ધ્યાન દોરવાનો પ્રયત્ન કર્યો. પરંતુ માંદગીની રજા અને તબીબી પરીક્ષણ માટેની તેમની વિનંતીઓને અવગણવામાં આવી. શીલાને તે દિવસ યાદ આવે છે જ્યારે તેઓ અશોક સાથે નહુર ચોકી ગયા હતા.
તેઓ કહે છે, 'હું તેમની સાથે પાંચ દિવસની રજા આપવા સાહેબને વિનંતી કરવા ગઈ હતી.' તેઓ ઉમેરે છે કે, અશોકે તેમની 21 દિવસની ચાલુ પગારે મળતી રજાઓમાંથી એક પણ રજા લીધી નહોતી. "ખુરશી પર બેઠેલા સાહેબે કહ્યું કે જો બધાય રજા પર જાય, તો આ પરિસ્થિતિમાં કામ કોણ કરશે?"
તેથી અશોક એપ્રિલ અને મે મહિનાઓમાં પણ કામ કરતા રહ્યા. તેમના સહકર્મચારી સચિન બેંકર (તેમની વિનંતીથી નામ બદલ્યું છે) કહે છે કે તેમણે અશોકને કામ કરવા ભારે મહેનત કરવાનો પ્રયત્ન કરતા જોયા હતા.
સચિને મને ફોન પર કહ્યું, “તેઓ જલ્દીથી થાકી જતા અને શ્વાસ લેવા તરફડતા. પરંતુ સાહેબ અમારી વાત ન સાંભળે તો અમે શું કરી શકીએ? અમારી ચોકીના કાયમી અથવા કરાર પરના કોઈ પણ કામદારનું કોવિડ -19 માટે પરીક્ષણ કરાયું ન હતું. મુકાદમનું પરીક્ષણ પોઝિટિવ આવ્યા પછી પણ કામદારોને કોઈ લક્ષણો છે કે કેમ તેની કોઈએ પૂછપરછ પણ કરી નહિ. અમને બીજા ચોકીએ હાજર થવાનું કહેવામાં આવ્યું. ” (સચિન અને અન્ય કામદારોની મદદથી મુકાદમનો સંપર્ક કરવાનો, તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવાનો આ પત્રકારનો પ્રયાસ નિષ્ફળ ગયો.)
સચિન અને તેના સહકાર્યકરોનું તેમના કામના વિસ્તારમાં બીએમસી સંચાલિત કેમ્પમાં છેક જુલાઈના છેલ્લા અઠવાડિયામાં કોવિડ -19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું. સચિન કહે છે, “મને કોઈ લક્ષણો કે બીમારી નથી. પરંતુ પરિસ્થિતિ ચિંતાજનક હતી ત્યારે માર્ચ-એપ્રિલમાં પણ અમારું પરીક્ષણ થવું જોઈતું હતું."
બીએમસીના આરોગ્ય અધિકારીએ આ પત્રકારને જણાવ્યું હતું કે 5 મી એપ્રિલ સુધીમાં એસ વોર્ડમાં 12 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા હતા. 22 મી એપ્રિલ સુધીમાં, આ સંખ્યા વધીને 103 થઈ ગઈ હતી. અશોકના મૃત્યુ પછીના દિવસે, 1 લી જૂને, વોર્ડમાં 1705 કેસ હતા અને 16 મી જૂન સુધીમાં તો આ સંખ્યા વધીને 3166 થઈ ગઈ હતી.
વધતા જતા કેસો એટલે મુંબઈના તમામ વોર્ડમાં વધતો જતો કોવિડ સંબંધિત કચરો. બીએમસીના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના આંકડા દર્શાવે છે કે 19 મી માર્ચથી 31 મી માર્ચ વચ્ચે મુંબઈમાં કોવિડ -19 સંબંધિત 6414 કિલો કચરો પેદા થયો હતો. એપ્રિલમાં (સંસર્ગનિષેધવાળા/ક્વોરન્ટાઈન્ડ વિસ્તારો સહિતનો ) શહેરનો કોવિડ -19 સંબંધિત કચરો 120 ટનથી પણ વધુ - 112525 કિલો જેટલો હતો. મેના અંત સુધીમાં, જ્યારે અશોકનું મૃત્યુ થયું, ત્યારે આ સંખ્યા વધીને મહિને આશરે 250 ટન થઈ ગઈ હતી.
આ કચરો - જરૂરી નથી કે તે અલગ રાખેલો હોય, મોટેભાગે તો મુંબઈમાં ઘણા મોટા પ્રમાણમાં પેદા થતા બીજા ટનબંધ કચરામાં ભળી ગયેલો હોય તે - ઊઠાવવાની જવાબદારી શહેરના સફાઈ કામદારોની છે. સચિન કહે છે, “દરરોજ ગાર્બેજ કલેક્શન પોઈન્ટ પરથી અમને ઘણાં માસ્ક, ગ્લવ્ઝ, ફેંકી દીધેલા ટીશ્યુ પેપર મળે છે.
ઘણા સફાઈ કામદારો તેમના આરોગ્યની નિયમિત તપાસની અને તેમના આરોગ્યની સતત દેખરેખ માટે સમર્પિત હોસ્પિટલોની માંગ કરી રહ્યા છે. (વાંચો આવશ્યક સેવાઓ, અનાવશ્યક જિંદગીનો બલિ ). પરંતુ બીએમસીના - કાયમી ધોરણે કાર્યરત 29000 અને કરાર પરના 6500 - સફાઈ કામદારો જેમની ગણના "કોવિડ યોદ્ધાઓ" તરીકે કરવામાં આવે છે - તેમને સલામતી ઉપકરણો અને તબીબી સુવિધાઓ મેળવવા યોગ્ય ગણવામાં આવ્યા નથી.
એમ વેસ્ટ વોર્ડમાં બીએમસીની કચરો ઊપાડતી ટ્રક પર કામ કરતા 45 વર્ષના દાદરાવ પાટેકર કહે છે, “અમારી માંગણીઓ ક્યારેય પૂરી કરાતી નથી. બધી સાવચેતી અને સંભાળ તો અમિતાભ બચ્ચન જેવા પરિવારો માટે જ છે. પ્રસાર માધ્યમો અને સરકારે પણ તેમના પ્રત્યે કેટલું ધ્યાન આપ્યું. અમને તો કોઈ ગણે છે જ ક્યાં?
સચિન ઉમેરે છે કે, "અમને માર્ચ-એપ્રિલમાં માસ્ક, ગ્લવ્ઝ (હાથમોજા) કે સેનેટાઇઝર કંઈ જ મળ્યું નહોતું." તેઓ કહે છે કે છેક મેના છેલ્લા અઠવાડિયામાં તેમની ચોકીના સફાઈ કામદારોને એન95 માસ્ક આપવામાં આવ્યા હતા. "તે પણ દરેકને નહીં. [એસ વોર્ડની નહુર ચોકી પરના] 55 કામદારોમાંથી ફક્ત 20-25ને જ માસ્ક, ગ્લવ્ઝ અને સેનેટાઇઝરની 4-5 દિવસમાં જ ખલાસ થઈ જાય એવી 50 મિલીલીટરની બોટલ મળી હતી. મારા સહિતના બાકી રહેલા કામદારોને જૂનમાં માસ્ક મળ્યા હતા. અમે માસ્ક ધોઈને ફરીથી વાપરીએ છીએ. જ્યારે માસ્ક અને ગ્લવ્ઝ ફાટી જાય છે, ત્યારે અમારો નિરીક્ષક અમને નવા પુરવઠા માટે 2-3 અઠવાડિયા રાહ જોવાનું કહે છે. "
અત્યંત વેદનાથી શીલા પૂછે છે, “ ‘સફાઈ કામદારો કોવિડ યોદ્ધાઓ છે’ એવા ઠાલા રટણથી કંઈ વળતું નથી. [તેમના માટે] સલામતી અને સંભાળ ક્યાં છે? તેઓ (અશોક) ગ્લવ્ઝ અને એન95 માસ્ક વિના કામ કરતા હતા. અને સફાઈ કામદારના મોત પછી તેના પરિવારના શા હાલ છે તેની કોને પડી જ છે? ” તારે પરિવાર નવ બૌદ્ધ (નિયો બુદ્ધિસ્ટ) સમુદાયનો છે.
મે મહિનાના છેલ્લા અઠવાડિયા સુધીમાં તો અશોકની હાલત વધુ ખરાબ થઈ ગઈ. ઘાટકોપર પૂર્વની એક કોલેજમાં બીકોમ (BCom) ના બીજા વર્ષમાં અભ્યાસ કરતી 20 વર્ષની મનીષા કહે છે, “ત્યાં સુધીમાં પપ્પાને તાવ આવ્યો હતો. 2-3- 2-3 દિવસના અંતરે અમને બધાને તાવ આવ્યો. સ્થાનિક [ખાનગી] ડોક્ટરે કહ્યું કે તે સામાન્ય તાવ છે. અમે દવાથી સ્વસ્થ થઈ ગયા, પણ પપ્પા હજી અસ્વસ્થ હતા.” પરિવારે વિચાર્યું કે તે કોવિડ હોઈ શકે, પરંતુ ડોક્ટરનો નિર્દેશ તે સમયે ફરજિયાત હતો, તેના વિના સરકારી હોસ્પિટલમાં અશોકનું પરીક્ષણ કરાવી ન શકાયું.
28 મી મેએ તાવ ઓછો થયો અને થાકેલા અશોક સવારે 6 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધીની કામની પાળી કરી ઘેર આવ્યા, જમીને સૂઈ ગયા. સવારે 9 વાગ્યે જાગ્યા ત્યારે તેમને ઉલટી થવા લાગી. શીલા કહે છે, “તેમને તાવ આવ્યો હતો અને ચક્કર આવતા હતા. તેમણે ડોક્ટર પાસે જવાની ના પાડી અને ઊંઘી ગયા.”
બીજા દિવસે સવારે, 29 મી મેએ શીલા, નિકેશ, મનીષા અને સ્વપ્નિલે તેમને હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી તેઓ તેમના ઘર પાસેની અલગ અલગ હોસ્પિટલોમાં ગયા. ચેમ્બુરની એક કોલેજમાં બીએસસી (BSc) નો અભ્યાસ કરતા 18 વર્ષના સ્વપ્નિલ કહે છે, “અમે બે રિક્ષા લીધી. એકમાં પપ્પા અને આઈ હતા, અને અમે ત્રણેય બીજી રિક્ષામાં હતા, ”.
બે વર્ષ પહેલાં બીએસસી પૂરૂં કરી હાલ કામ શોધી રહેલા 21 વર્ષના નિકેશે કહ્યું, "દરેક હોસ્પિટલ કહેતી હતી કે એક પણ પથારી ઉપલબ્ધ નથી. અમે રાજાવાડી હોસ્પિટલ, જોય હોસ્પિટલ અને કે જે સોમૈયા હોસ્પિટલ ગયા. કે. જે. સોમૈયા હોસ્પિટલમાં તો મારા પપ્પાએ ડોક્ટરને એટલે સુધી કહ્યું હતું કે જરૂર પડે તો તે જમીન પર સૂઈ જશે, અને તેમને સારવાર અપાવવા વિનંતી કરી." અશોકે દરેક હોસ્પિટલમાં પોતાનું બીએમસી કર્મચારીનું ઓળખપત્ર પણ બતાવ્યું - પણ તેમ છતાં પણ કંઈ મદદ મળી નહીં./ તેનાથી પણ કંઈ વળ્યું નહિ
આખરે, બાંદ્રાની ભાભા હોસ્પિટલમાં, ડોકટરોએ અશોકને તપાસ્યા અને તેમનો સ્વોબ લીધો. સ્વપ્નિલ કહે છે, "ત્યારબાદ તેઓ તેમને કોવિડ -19 આઈસોલેશન રૂમમાં લઈ ગયા."
મનીષા તે રૂમમાં અશોકના કપડાં, ટૂથબ્રશ, ટૂથપેસ્ટ અને સાબુની થેલી સોંપવા ગયા હતા તે યાદ કરી કહે છે, “પેસેજમાં પેશાબની તીવ્ર ગંધ આવતી હતી, ખાધેલા ખોરાકની પ્લેટો જમીન પર પડેલી હતી. રૂમની બહાર કોઈ કર્મચારી નહોતો. મેં અંદર ડોકિયું કર્યું, મારા પિતાને તેમની થેલી લેવા માટે બોલાવ્યા. તેમણે પોતાનું ઓક્સિજન માસ્ક કાઢ્યું, દરવાજા પર આવીને મારી પાસેથી થેલી લઈ લીધી. ”
અશોકના પરીક્ષણના પરિણામોની રાહ જોવાઈ રહી છે અને ત્યાં સુધી તેઓ નિરીક્ષણ હેઠળ છે એમ જણાવી ડોક્ટરોએ તારે પરિવારને ત્યાંથી જતા રહેવાનું કહ્યું. તે રાત્રે 10 વાગ્યે શીલાએ તેમના પતિ સાથે ફોન પર વાત કરી. તેઓ કહે છે, “મને ખબર નહોતી કે હું છેલ્લી વખત તેમનો અવાજ સાંભળી રહી છું. તેમણે કહ્યું હતું કે તેમને હવે સારું લાગે છે."
બીજા દિવસે, 30 મી મેએ સવારે શીલા અને મનીષા પાછા હોસ્પિટલમાં ગયા. શીલા કહે છે, "ડોક્ટરે અમને કહ્યું કે તમારા દર્દીનું ગઈકાલે રાત્રે 1: 15 વાગ્યે મોત થયું છે. પણ મેં આગલી રાતે જ તેમની સાથે વાત કરી હતી…”
હતપ્રભ અને દુઃખી તારે પરિવાર તે વખતે અશોકના મૃત્યુનાં કારણ વિશે કંઈ તપાસ કરી શક્યા નહિ. નિકેશ કહે છે, અમે અસ્વસ્થ હતા. મૃત શરીરનો કબજો મેળવવાને લગતા કાગળો કરવા,એમ્બ્યુલન્સ અને પૈસાની વ્યવસ્થા કરવી, માને આશ્વાસન આપવું - આ બધામાં અમે પપ્પાના મૃત્યુ વિશે ડોક્ટરને કોઈ સવાલ કરી શક્યા નહિ."
અશોકના અંતિમ સંસ્કારના બે દિવસ પછી, તારે પરિવારના સભ્યો મૃત્યુનું કારણ લેખિતમાં આપવાની માગણી સાથે ફરીથી ભાભા હોસ્પિટલમાં ગયા. અશોકના ભત્રીજા 22 વર્ષના વસંત મગરે કહે છે “જૂનના 15 દિવસ સુધી, અમે હોસ્પિટલના ધક્કા ખાતા રહ્યા. ડોક્ટર કહે કે રિપોર્ટમાં કોઈ સ્પષ્ટ તારણ મળ્યું નથી, તમે જાતે જ અશોકનું મૃત્યુ પ્રમાણપત્ર વાંચી લો.”
24મી જૂને જ્યારે મુલુંડના ટી વોર્ડ (જ્યાં અશોક કર્મચારી તરીકે નોંધાયેલા હતા) ના બીએમસી અધિકારીઓએ હોસ્પિટલને મૃત્યુનું કારણ પૂછતો પત્ર લખ્યો તે પછી જ હોસ્પિટલના વહીવટીતંત્રે આ લેખિતમાં આપ્યું હતું: મૃત્યુનું કારણ હતું 'શંકાસ્પદ કોવિડ-19'. પત્રમાં જણાવાયું છે કે અશોકને હોસ્પિટલમાં દાખલ કરાયા પછી તેની તબિયત લથડી હતી. “30 મી મેએ સાંજે 8:11 વાગ્યે, મેટ્રોપોલીસ લેબોરેટરીએ અમને ઈમેઇલ કર્યો કે ગળાનો સ્વોબ અપૂરતો છે. અને દર્દીનો સ્વોબ ફરીથી પરીક્ષણ માટે મોકલવા કહ્યું. પરંતુ દર્દીનું મૃત્યુ થઈ ચૂક્યું હોવાથી ફરીથી સ્વોબ મોકલવાનું શક્ય નહોતું. તેથી મૃત્યુનું કારણ જાહેર કરતી વખતે અમે ‘શંકાસ્પદ કોવિડ -19’ હોવાનું જણાવ્યું છે. "
આ પત્રકારે ભાભા હોસ્પિટલમાં અશોકની સારવાર કરનાર ડોક્ટરનો સંપર્ક સાધવાનો અનેક વાર પ્રયાસ કર્યો, પરંતુ તેમણે ફોન અને સંદેશાઓનો જવાબ આપ્યો નહીં.
અશોક જેવા 'કોવિડ -19 લડવૈયાઓ' ના પરિવારોને આર્થિક સહાય આપવા માટે, મહારાષ્ટ્ર સરકારે 29 મી મે, 2020 ના રોજ આરોગ્ય અને કુટુંબ કલ્યાણ મંત્રાલયના આદેશને પગલે એક ઠરાવ પસાર કર્યો હતો. તેમાં COVID-19 મહામારીને લગતા સર્વેક્ષણ, ટ્રેસીંગ, ટ્રેકિંગ, પરીક્ષણ, નિવારણ, સારવાર અને રોગચાળો માટે રાહત પ્રવૃત્તિઓ માટેની ફરજ પર સક્રિય તમામ કર્મચારીઓને 50 લાખ રુપિયાના સમાવેશક વ્યક્તિગત અકસ્માત વીમા હેઠળ આવરી લેવામાં આવ્યા.
8 મી જૂન, 2020 ના રોજ બીએમસીએ આ ઠરાવ લાગુ કરવા એક પરિપત્ર બહાર પાડ્યો. પરિપત્રમાં જાહેર કરાયું છે કે "કરાર હેઠળ કામ કરનાર શ્રમિક માનદ કામદાર કોઈપણ કોવિડ -19 ને લગતી ફરજો અદા કરતી વખતે, કોવિડ -19 ને કારણે મૃત્યુ પામે છે" તો તેમના પરિવારો ચોક્કસ શરતો હેઠળ 50 લાખ રુપિયા મેળવવા હકદાર છે .
શરતોમાં હોસ્પિટલમાં દાખલ થયાના અથવા મૃત્યુ થયાના 14 દિવસ પહેલા કામદાર ફરજ પર હોવાનો સમાવેશ છે - અશોકની બાબતે આ શરત સંતોષાતી હતી. પરિપત્રમાં ઉમેરવામાં આવ્યું છે કે જો કોવિડ -19 નું પરીક્ષણ પૂરતી રીતે ન થયું હોય અથવા અનિર્ણિત રહ્યું હોય તો કોવિડ -19 ને કારણે મૃત્યુની સંભાવના ચકાસવા કેસના ઈતિહાસ અને તબીબી કાગળોની તપાસ માટે બીએમસીના અધિકારીઓની એક સમિતિ બનાવવામાં આવશે.
31 મી ઓગસ્ટ સુધીમાં બીએમસીના ઘન કચરા વ્યવસ્થા વિભાગના શ્રમિક અધિકારી દ્વારા પૂરી પાડવામાં આવેલ માહિતી દર્શાવે છે કે કુલ 29000 કાયમી કામદારોમાંથી 210 પોઝિટિવ મળ્યા હતા અને 37 મૃત્યુ પામ્યા હતા, જ્યારે 166 સજા થઈ અને ફરીથી ફરજ પર હાજર થયા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે, વાયરસથી સંક્રમિત થયેલા કરાર હેઠળ કામ કરતા સફાઈ કામદારો અંગેની કોઈ માહિતી નોંધાયેલ નથી.
પોતાનો જીવ ગુમાવનારા 37 સફાઈ કામદારોમાંથી 14 ના પરિવારોએ રૂ. 50 લાખનું વળતર મેળવવા દાવો કર્યો છે. 31 મી ઓગસ્ટ સુધી 2 પરિવારોને વીમાની રકમ મળી હતી.
અશોકના મૃત્યુના કારણ વિશે લેખિત દસ્તાવેજ મેળવ્યા પછી, તારે પરિવારે 50 લાખ રુપિયાના વીમાનું વળતર મેળવવાનો તેમનો દાવો નોંધાવવા બીએમસીની ટી વોર્ડ ઓફિસના ધક્કા ખાવાનું શરુ કર્યું. નોટરીની ફી, ફોટોકોપી, ઓટોરિક્ષા ખર્ચ અને અન્ય ખર્ચ મળીને અત્યાર સુધીમાં 8000 રુપિયા થયા છે.
શીલા કહે છે કે બેંકમાં અશોકના પગાર ખાતામાંથી પૈસા ન ઉપાડી શકાતા તેણે તે તેની સોનાની અડધા તોલાની બુટ્ટી આશરે 9000 માટે ગીરો મૂકી. તેઓ મને બધી ફાઈલો અને કાગળો બતાવીને કહે છે, “કાગળો પર નોટરીની સહી કરાવ્યા પછી દર વખતે અધિકારીઓ કોઈ ને કોઈ ફેરફારો કરવાનું કહેતા હતા. 50 લાખ રુપિયા ન આપે તો કંઈ નહીં તો બીએમસીએ મારા મોટા દીકરાને ધારાધોરણ મુજબ તેના પિતાની જગ્યાએ નોકરી તો આપવી જોઈએ .
જ્યારે આ પત્રકારે 27 મી ઓગસ્ટે ટી વોર્ડમાં સહાયક કમિશનરની ઓફિસ સાથે વાત કરી ત્યારે આ જવાબ મળ્યો: “હા, તે અમારો કર્મચારી હતો અને અમે દાવાની માગણી માટે તેની ફાઈલ પર પ્રક્રિયા શરુ કરી છે. બીએમસીના અધિકારીઓની તપાસ સમિતિ બનાવવાના નિર્ણયની રાહ જોવાઈ રહી છે, બીએમસી હજી તેના પર કામ કરી રહ્યું છે. "
અશોકની આવક ઉપર તેનો પરિવાર નભતો હતો. જૂનથી શીલાએ નજીકના મકાનોમાં બે ઘરમાં રસોઈનું કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓ માંડ 4000 રુપિયા કમાય છે. તેઓ કહે છે, “હવે પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. મેં ક્યારેય કામ કર્યું નથી પરંતુ હવે મારે કામ કર્યા વગર છૂટકો નથી. મારા બે બાળકો હજી ભણે છે.”. તેમના મોટા ભાઈ 48 વર્ષના ભગવાન મગરે નવી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરાર હેઠળ સફાઈ કામદાર તરીકે કામ કરે છે. રૂમનું 12000 રુપિયાનું માસિક ભાડું ભરવાનું બાકી હતું તે માટે તેમણે મદદ કરી.
છેક 2016 માં જ અશોક એક ‘કાયમી’ સફાઈ કામદાર બની શક્ય હતા અને મહિને 34000 રુપિયાનો પગાર મળતો થયો હતો. તે પહેલા તો કરાર હેઠળ કામ કરનાર કામદાર તરીકે તેમને મહિને માત્ર 10000 રુપિયા જ કમાતા હતા. શીલા કહે છે, “જ્યારે તેમણે સરખું કમાવવાનું શરૂ કર્યું, ત્યારે અમે મુલુંડની ઝૂંપડપટ્ટીથી આ એસઆરએ બિલ્ડિંગમાં રહેવા આવ્યા.
અશોકના મૃત્યુની સાથે તારે પરિવારની પ્રગતિ અટકી ગઈ છે. શીલા કહે છે, “અમે ઈચ્છીએ છીએ કે સરકાર અમારી વાત સાંભળે." તેઓ પૂછે છે, "તેમની રજા કેમ નકારી કાઢી? તેમનું અને બીજા કામદારોની તુરંત પરીક્ષણ પણ શા માટે ન કરાયું? હોસ્પિટલમાં દાખલ કરાવવા માટે તેમને કેમ ભીખ માંગવી પડી? તેમના મૃત્યુ માટે ખરેખર કોણ જવાબદાર છે? ”
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક