રૂપેશ રોજ તેમની પાસેના સુષિર વાદ્યનો ઉલ્લેખ કરતા કહે છે કે, “અમે [2018માં] લોન્ગ માર્ચ માં તરાપો વગાડ્યો હતો અને અમે આજે પણ તરાપો વગાડી રહ્યા છીએ. અમે તમામ મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં તરાપો વગાડીએ છીએ." રૂપેશ આ સપ્તાહમાં મહારાષ્ટ્રથી - વાન, ટેમ્પો, જીપ અને ગાડીમાં સવાર થઈ - દિલ્હી તરફ જઈ રહેલા ખેડૂતોમાંના એક છે. મહારાષ્ટ્રના આ ખેડૂતો રાજધાનીની સીમા પર વિરોધ કરી રહેલા ખેડૂતો, જેમાંના ઘણા પંજાબ અને હરિયાણાના છે, તેમને ટેકો આપવા જઈ રહયા છે
સપ્ટેમ્બર 2020માં સંસદમાં નવા કૃષિ કાયદા પસાર થયા પછી દેશભરના લાખો ખેડુતો આ કાયદાઓ રદ કરવાની માંગને લઈને આંદોલન કરી રહ્યા છે.
21 મી ડિસેમ્બર 2020 ની બપોરે મહારાષ્ટ્રના 20 જેટલા જિલ્લાઓમાંથી - મુખ્યત્વે નાશિક, નાંદેડ અને પાલઘરથી - આશરે 2000 ખેડૂતો દિલ્હી જઈ રહેલા જાથામાં, એક વાહન મોરચામાં, જોડાવા નાશિકના મધ્ય ભાગમાં ગોલ્ફ ક્લબના મેદાનમાં એકઠા થયા હતા. ભારતની કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી) સાથે સંકળાયેલી અખિલ ભારતીય કિસાન સભાએ આ ખેડૂતોને એક કર્યા છે. તેમાંથી આશરે 1000 જેટલા ખેડૂતો મધ્યપ્રદેશની સરહદ પાર કરી, મુસાફરી ચાલુ રાખી, દેશની રાજધાની જવા રવાના થયા છે.
નાશિકમાં ભેગા થયેલા લોકોમાં પાલઘરના વાડા શહેરના 40 વર્ષના રૂપેશ પણ હતા. તેઓ વારલી સમુદાયના છે. તેઓ કહે છે, “અમને આદિવાસીઓને અમારા તરાપા પ્રત્યે ખૂબ શ્રદ્ધા [આદર] છે. "હવે અમે નાચતા-ગાતા દિલ્હી પહોંચીશું."
અનુવાદ : મૈત્રેયી યાજ્ઞિક