જલિયાંવાલા બાગ એ ઉભરતા રાષ્ટ્રની ચેતનામાં આવેલો એક નવો વળાંક હતો. આપણામાંના ઘણાં એ સાંભળીને મોટા થયા કે ભગતસિંહની વારતા અહીથીજ શરુ થઇ હતી -- જયારે એ દસ વર્ષના હતા અને અહીં મુલાકાતે આવેલાં ત્યારે એક નાની બાટલીમાં ભરીને અહીંથી લોહી ખરડાયેલી માટી પોતાના ગામ લઇ ગયેલા. ત્યાં દાદાના ઘેર એમની બહેનની સાથે મળીને બગીચામાં એક જગ્યાએ એ માટી ઠાલવી. પછી એ જગ્યાએ દર વર્ષે તેઓ ફૂલ ઉગાડતાં.
13 એપ્રિલ, 1919 ના રોજ પંજાબના અમૃતસરમાં હજારો નિશસ્ત્ર નાગરિકો (અંગ્રેજોના કહેવા મુજબ 379) ઉપર થયેલો હત્યાકાંડ,આજ સુધી ગુનેગારો કે તેમની અનુગામી સરકારોના અંતરાત્માને સ્પર્શ્યો હોય તેવું લાગતું નથી. બ્રિટિશ વડા પ્રધાન ટેરેસા મે એ આ અઠવાડિયે સંસદમાં અફસોસ વ્યક્ત કર્યો - પરંતુ એ ભયાનક અત્યાચાર માટે એમણે માફી ન માગી.
તમારે જલિયાંવાલા બાગની મુલાકાત લેવી હોય અને છતાંય લાગણીવશ ના થવું હોય તો એ માટે તમારે એક અજબની સંવેદનહીનતા દાખવવી પડે. 100 વર્ષ પછી, તે ગણતરીપૂર્વકના કત્લેઆમની ચીસો આજે પણ એ બાગમાં પડઘાય છે. લગભગ 35 વર્ષ પહેલા જયારે મેં મુલાકાત લીધી ત્યારે હું બાજુની દીવાલ પર કોતર્યા વગર ના રહી શક્યો:
કર્યો હુમલો એમણે
અમ નિહથ્થાઓ ઉપર
વિખરાયાં ટોળેટોળાં
ઝીલ્યાં ફટકાઓ લાકડીઓના
તૂટયાં સજડ સૌ હાડ
થયાં ગોળીબાર ધડધડ
ફૂટ્યાં કોઈના માથાં
અહીં કોઈના ધડ
વણ ફૂટ્યો વણ તૂટ્યો માંહ્યલો
જોતો ધૂળ ભેગાં થતાં સામ્રાજ્ય
અનુવાદ: પ્રતિષ્ઠા પંડ્યા