“જો અમે કામ કરવાનું બંધ કરી દઈશું, તો આખો દેશ દુ:ખી થશે.”
બાબુ લાલનું નિવેદન વધુ સારી રીતે ત્યારે સમજી શકાય છે, જ્યારે તેઓ આગળ ઉમેરે છે, “ક્રિકેટ ખેલને કો નહીં મિલેગા કિસીકો ભી [કોઈ ક્રિકેટ રમી શકશે નહીં].”
બેટ્સમેન અને બોલરો જેને પ્રેમ પણ કરે છે અને જેનાથી ડરે પણ છે, તથા લાખો દર્શકો જેના પર ઉત્સુકતાપૂર્વક મીટ માંડીને બેઠા હોય છે તેવા લાલ અને સફેદ ક્રિકેટ બોલ માટેનું ચામડું ઉત્તર પ્રદેશના મેરઠના શોભાપુર નામના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં સ્થિત ચામડાના કારખાનામાંથી આવે છે. શોભાપુર, આ શહેરમાં એકમાત્ર એવો વિસ્તાર છે કે જ્યાં ચામડાના કારીગરો ક્રિકેટ બોલ ઉદ્યોગ માટે આવશ્યક એવો કાચો માલ બનાવવા માટે એલમ-ટેનિંગ (ફટકડીથી ચામડું પકવવું) પદ્ધતિનો ઉપયોગ કરે છે. ‘ટેનિંગ’ એ કાચા ચામડામાંથી તૈયાર ચામડું બનાવવાની પ્રક્રિયા છે.
બાબુ લાલ કહે છે, “ફક્ત ફટકડીથી ચામડું પકવીએ તો જ ચામડાના તંતુ ખૂલે છે, અને રંગ તેમાંથી સરળતાથી પસાર થાય છે.” તેમના આ દાવાને સાઠના દાયકામાં સેન્ટ્રલ લેધર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરાયેલા સંશોધનનું સમર્થન મળે છે, જેમાં જણાવવામાં આવ્યું હતું કે ફટકડીથી ચામડું પકવવાથી બોલરના હાથના પરસેવા અથવા પરસેવા/થૂંકથી ક્રિકેટના બોલને ચમકાવવાના પ્રયાસોથી બોલને નુકસાન નહીં થાય, અને અંતે તે મેચ બગડવા માટે કારણભૂત નહીં થાય.
બાસઠ વર્ષીય બાબુ લાલ ચૂનાની સફેદીથી ચમકતી લાદીવાળી તેમની માલિકીના ચામડાના કારખાનાના એક ખૂણામાં પ્લાસ્ટિકની ખુરશી પર બેસીને કહે છે, “અમારા પૂર્વજો અહીં 200 વર્ષથી ચામડું બનાવતા આવ્યા છે.”
અમે વાતચીત કરી રહ્યાં છીએ તે દરમિયાન ચામડાના અન્ય કારીગર ભરત ભૂષણ ત્યાં આવે છે. 43 વર્ષીય ભૂષણ 13 વર્ષના હતા ત્યારથી આ ઉદ્યોગમાં કામ કરે છે. બન્ને જણ “જય ભીમ!” કહીને એકબીજાનું અભિવાદન કરે છે.
ભરત એક ખુરશી લઈને આવે છે અને અમારી સાથે જોડાય છે. બાબુ લાલે થોડા ખચકાટ સાથે મને પૂછ્યું, “ગંધ નહીં આ રહી [તમને દુર્ગંધ તો નથી આવી રહી ને]?” તેઓ અમારી આસપાસના ખાડાઓમાં રાખેલા પલાળેલા ચામડાની ખાલમાંથી આવતી તીવ્ર દુર્ગંધની વાત કરી રહ્યા છે. ચામડા ઉદ્યોગમાં કામ કરતા લોકો પર લાદવામાં આવતા સામાજિક કલંક અને આક્રમકતા વિષે વાત કરતાં ભરત ઉમેરે છે, “ખરેખર, કેટલાક લોકોના નાક અન્ય લોકો કરતાં લાંબા હોય છે, એટલે કે તેમને ખૂબ દૂરથી પણ ચામડાના કામની ગંધ આવી જાય છે.”
ભરતની ટિપ્પણી સાંભળીને બાબુ લાલે કહે છે, “છેલ્લા પાંચ-સાત વર્ષોમાં, અમે અમારા વ્યવસાયને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છીએ.”
ચામડા ઉદ્યોગ એ ભારતના સૌથી જૂના ઉત્પાદન ઉદ્યોગોમાંનો એક છે. કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય હેઠળ આવતા ધ કાઉન્સિલ ફોર લેધર એક્સપોર્ટ્સ અનુસાર , આ ઉદ્યોગ 40 લાખથી વધુ લોકોને રોજગારી આપે છે અને 2021-2022માં વિશ્વના લગભગ 13 ટકા ચામડાનું ઉત્પાદન કરતો હતો.
શોભાપુરમાં આવેલા લગભગ તમામ કારખાનાન માલિકો તેમજ કામદારો ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ જાટવ સમુદાયના છે. ભરતનો અંદાજ છે કે આ વિસ્તારમાં 3,000 જાટવ પરિવારો રહે છે અને લગભગ “100 પરિવારો આ જ કામમાં લાગેલા છે.” 16,931 લોકોની વસ્તી ધરાવતું શોભાપુર, વોર્ડ નં. 12માં આવે છે, જ્યાં 2011ની વસ્તી ગણતરી મુજબ વોર્ડના લગભગ અડધા રહેવાસીઓ અનુસૂચિત જાતિથી સંબંધ ધરાવે છે.
મેરઠ શહેરની પશ્ચિમ બાજુએ આવેલા શોભાપુર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આઠ ચામડાના કારખાના છે, જેમાંની એકની માલિકી બાબુ લાલ પાસે છે. ભરત કહે છે, “અમે જે અંતિમ ઉત્પાદન બનાવીએ છીએ તેને સફેદનો પુઠ્ઠો [ખાલનો પાછળનો સફેદ ભાગ] કહેવાય છે. આનો ઉપયોગ ચામડાના ક્રિકેટ બોલનું બાહ્ય આવરણ બનાવવા માટે થાય છે.” ચામડાની ખાલ પર પ્રક્રિયા કરવા માટે પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ, કે જેને સ્થાનિક રીતે ફટકડી તરીકે ઓળખાય છે, તેનો ઉપયોગ થાય છે.
ભાગલા પછી જ રમતગમતના સામાનનું ઉત્પાદન પાકિસ્તાનના સિયાલકોટથી મેરઠમાં સ્થળાંતર થયું હતું. બાબુ લાલ હાઇવેની આજુબાજુ તરફ નિર્દેશ કરે છે, જ્યાં રમતગમતના સામાન ઉદ્યોગને મદદ કરવા માટે જિલ્લાના ઉદ્યોગ વિભાગ દ્વારા 1950ના દાયકામાં ચામડાની ટેનિંગ માટેનું તાલીમ કેન્દ્ર ખોલવામાં આવ્યું હતું.
ભરત કહે છે કે ચામડાના કેટલાક કારીગરો ભેગા થયા અને “21 સભ્યોની શોભાપુર ટેનર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડની રચના કરી. અમે ભેગા મળીને કેન્દ્રનો ઉપયોગ કરીએ છીએ અને તેને ચલાવવાનો ખર્ચ વહેંચીએ છીએ, કારણ કે ખાનગી એકમો ચલાવવા અમને પરવડે તેમ નથી.”
*****
ભરત તેમના વેપાર માટે જરૂરી કાચો માલ ખરીદવા માટે પરોઢિયે જાગી જાય છે. તેઓ એક શેર કરેલ ઓટોમાં પાંચ કિલોમીટરની મુસાફરી કરીને મેરઠ સ્ટેશને પહોંચે છે, ત્યાંથી તેઓ હાપુર જવા માટે સવારે 5:30 વાગ્યે ખુર્જા જંકશન એક્સપ્રેસ ટ્રેન પકડે છે. તેઓ કહે છે, “અમે રવિવારે હાપુર ચમડા પેઈન્ટ [ચામડાની ખાલનું બજાર] માંથી ચામડાની ખાલ ખરીદીએ છીએ. હાપુરમાં દેશભરમાંથી ચામડું આવે છે.”
હાપુર જિલ્લાનું આ સાપ્તાહિક બજાર શોભાપુરથી લગભગ 40 કિલોમીટરના અંતરે આવેલું છે, અને માર્ચ 2023માં ગાયની ચામડાની ખાલની કિંમત તેની ગુણવત્તાના આધારે 500 રૂપિયાથી લઈને 1,200 રૂપિયા જેટલી હતી.
બાબુ લાલ કહે છે કે ચામડાની ગુણવત્તા પર પશુધનના આહાર, સ્વાસ્થ્ય અને અન્ય પરિબળોની અસર થાય છે. “રાજસ્થાનના ચામડા પર સામાન્ય રીતે કીકરના ઝાડ [બાવળ]ના કાંટાના નિશાન હોય છે અને હરિયાણાના ચામડા પર ટપકાંના નિશાન હોય છે. આ ઉતરતા ગ્રેડનું ચામડું હોય છે.”
વર્ષ 2022-23માં, લમ્પી ચામડીના રોગના કારણે 1.84 લાખથી વધુ પશુઓના મોત થતાં હતાં; જેનાથી બજારમાં ચામડું અચાનક પુષ્કળ પ્રમાણમાં ઉપલબ્ધ થયું હતું. પરંતુ ભરત કહે છે, “અમે તેમને ખરીદી શક્યા ન હતા કારણ કે તેમના પર મોટા ડાઘા હતા અને ક્રિકેટ બોલ બનાવનારાઓએ તેનો ઉપયોગ કરવાની મનાઈ કરી હતી.”
ચામડા ઉદ્યોગના કામદારોનું કહેવું છે કે ગેરકાયદેસર કતલખાનાઓને બંધ કરવા માટે માર્ચ 2017માં બહાર પાડવામાં આવેલા રાજ્ય સરકારના આદેશથી તેઓને મોટો ફટકો પડ્યો હતો. આ આદેશ પછી ટૂંક સમયમાં કેન્દ્ર સરકાર દ્વારા એક સૂચના બહાર પાડીને તેનું અમલીકરણ કરાયું હતું અને પશુ બજારોમાં કતલ માટે પશુઓના વેચાણ અને ખરીદી પર રોક લગાવવામાં આવી હતી. જેના પરિણામે, ભરત કહે છે કે, “આજે બજાર તેના [અગાઉના] કદ કરતાં અડધા કરતાં પણ ઓછું થઈ ગયું છે. કેટલીકવાર, તે રવિવારે પણ ખુલતું નથી.”
ગૌરક્ષકોના લીધે લોકોમાં ઢોર અને ચામડાની હેરફેર કરવામાં ભય વ્યાપી ગયો છે. બાબુ લાલ કહે છે, “એટલે સુધી કે નોંધણી કરેલા આંતરરાજ્ય ટ્રાન્સપોર્ટરો પણ આજકાલ કાચા માલનું વહન કરવામાં ડરતા હોય છે. હાલ આવી પરિસ્થિતિ છે.” મેરઠ અને જલંધરમાં 50 વર્ષથી મોટી ક્રિકેટ કંપનીઓના મુખ્ય સપ્લાયર હોવા છતાં, તેમનો જીવ જોખમમાં છે અને તેમની આજીવિકામાં ધરખમ ઘટાડો થયો છે. તેઓ ઉમેરે છે, “મુશ્કેલીના સમયે કોઈ અમારી પડખે ઊભું રહ્યું નથી. હમેં અકેલે હી સંભલના પડતા હૈ [અમારે એકલા જ લડાઈ લડવી પડે છે].”
2019માં, ગૌરક્ષકો દ્વારા કરવામાં આવતા હુમલાઓ અંગે હ્યુમન રાઈટ્સ વોચના વાયોલન્ટ કાઉ પ્રોટેક્શન ઈન ઈન્ડિયા નામના અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે, “મે 2015 અને ડિસેમ્બર 2018ની વચ્ચે, ભારતના 12 રાજ્યોમાં મળીને ઓછામાં ઓછા 44 લોકો — તેમાંથી 36 મુસ્લિમો હતા — ની હત્યા કરવામાં આવી હતી. તે જ સમયગાળા દરમિયાન, 20 રાજ્યોમાં 100થી વધુ અલગ અલગ બનાવોમાં લગભગ 280 લોકો ઘાયલ થયા હતા.”
બાબુ લાલ કહે છે, “મારો વ્યવસાય સંપૂર્ણપણે કાનૂની છે અને રસીદ આધારિત છે. તેમ છતાં તેઓને આ નડે છે.”
જાન્યુઆરી 2020માં, શોભાપુરના ચામડું બનાવનારા કારીગરો સામે એક બીજી સમસ્યા આવી પડી હતી — તેમના સામે પ્રદૂષણ ફેલાવવા બદલ જાહેર હીતની અરજી [પીઆઈએલ] દાખલ કરવામાં આવી હતી. ચામડાના તમામ કારખાનાઓને પીઆઈએલમાં જણાવ્યા મુજબ સરકારે સ્થાનાંતરણની સુવિધા આપવાને બદલે સીધી જ સ્થાનિક પોલીસ દ્વારા શટડાઉન નોટિસ પાઠવવામાં આવી હતી. ભરત કહે છે, “તેઓએ બીજી એવી પણ શરત મૂકી હતી કે હાઇવે પરથી ચામડાનું કોઈ કામકાજ નજરે ન પડવું જોઈએ.”
બાબુ લાલ કહે છે, “સરકાર હમે વ્યવસ્થા બના કે દે, અગર દિક્કત હૈ તો. જૈસે ડુંગર મેં બનાઈ હૈ 2003-4 મેં. [જો સરકારને આનાથી કોઈ સમસ્યા હોય, તો તેમણે અમારા માટે યોગ્ય વ્યવસ્થા કરવી જોઈએ. જેમ કે તેઓએ 2003-4માં ડુંગર ગામમાં કરી હતી].”
ભરત કહે છે, “અમને ચિંતા એ વાતની છે કે મ્યુનિસિપલ કોર્પોરેશને ગટર બનાવવાનું કામ હજું પૂર્ણ કર્યું નથી.” આ વિસ્તારને મહાનગરપાલિકા હેઠળ આવ્યાને 30 વર્ષ થયા છે. “ચોમાસા દરમિયાન પાણી કુદરતી રીતે રહેણાંક પ્લોટમાં ભેગું થાય છે, જેને સમતળ કરવામાં આવ્યું નથી.”
*****
શોભાપુરના ચામડાના આઠ કારખાનાં ક્રિકેટના દડા બનાવવામાં વપરાતા સેંકડો સફેદ ચામડાઓ બનાવે છે. ચામડાના કારખાનાંના કામદારો ચામડાને પહેલા ધોઈને ગંદકી, ધૂળ અને માટી દૂર કરે છે, અને તેઓ ખાલ ઉપર પ્રક્રિયા કરીને દરેક ખાલ દીઠ લગભગ 300 રૂપિયા કમાય છે.
બાબુ લાલ કહે છે કે, “ચામડાઓને સાફ કર્યા પછી અને તેને પાણીમાં રાખ્યા પછી, અમે તેમની ગુણવત્તા, ખાસ કરીને તેમની જાડાઈના આધારે તેમને અલગ પાડીએ છીએ.” જાડા ચામડાઓ પર ફટકડીથી પ્રક્રિયા કરવામાં 15 દિવસ લાગે છે. પાતળા ચામડા પર બાવળથી પ્રક્રિયા કરવામાં આવે છે, જે 24 દિવસમાં તૈયાર થાય છે. “તેમના પર એક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે, તેથી દરરોજ ચામડાની બેચ તૈયાર થાય છે.”
પછી ચામડાઓને ચૂના અને સોડિયમ સલ્ફાઈડ સાથે ભેળવીને પાણીના ખાડાઓમાં ત્રણ દિવસ સુધી પલાળી રાખવામાં આવે છે, અને પછી દરેક ટુકડાને સપાટ જમીન પર ફેલાવવામાં આવે છે અને લોખંડના બૂઠા ઓજાર વડે બધા વાળ દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને સુતાઈ કહેવામાં આવે છે. ભરત કહે છે, “તંતુઓ જેમ જેમ વધારે ફૂલ્યા હોય, તેમ તેમ વાળ સરળતાથી ઊતરી જાય છે. ચામડાંને ભરાવદાર બનાવવા માટે તેને ફરીથી પલાળી રાખવામાં આવે છે.”
બાબુ લાલના મુખ્ય કારીગર 44 વર્ષીય તારાચંદ છે, જેઓ રાફા કે છરીની મદદથી અંદરના ભાગના માંસને ખૂબ જ મહેનતથી અને નાજુક રીતે છીલે છે. પછી તેમાં રહેલા ચૂનાના નિશાન હટાવવા માટે, ચામડાંને સાદા પાણીમાં ત્રણ દિવસ સુધી પલાળી રાખવામાં આવે છે, અને પછી પાણી અને હાઇડ્રોજન પેરોક્સાઇડમાં રાતોરાત પલાળી રાખવામાં આવે છે. બાબુ લાલ કહે છે કે આવું જંતુઓ દૂર કરવા અને રંગ હટાવવા માટે કરવામાં આવે છે. તેઓ ઉમેરે છે, “એક એક કરકે સારી ગંદ-ગંદગી નિકાલી જાતી હૈ [વારાફરતી, બધી ગંધ અને ગંદકીને દૂર કરવામાં આવે છે].”
ભરત કહે છે, “બોલ બનાવનારાઓ સુધી જે વસ્તુ પહોંચે છે, તે ખૂબ જ સ્વચ્છ હોય છે.”
પ્રક્રિયા કરાયેલું ચામડું ક્રિકેટ બોલ ઉત્પાદકોને 1,700 રૂપિયામાં વેચવામાં આવે છે. ચામડાની ખાલના નીચેના ભાગ તરફ ઈશારો કરતાં ભરત સમજાવે છે, “સૌથી સારી ગુણવત્તાવાળા 18-24 ક્રિકેટ બોલ અહીં જ બનાવવામાં આવે છે, કારણ કે તે સૌથી મજબૂત ભાગ હોય છે. આ બોલને બિલાયતી ગેન્દ [વિદેશી બોલ્સ] કહેવામાં આવે છે અને દરેક છૂટક બજારમાં તે 2,500 રૂપિયામાં વેચાય છે.”
બાબુ લાલ કહે છે, “ખાલના અન્ય ભાગો પાતળા હોય છે અને એટલા મજબૂત નથી હોતા, તેથી આ ભાગોમાંથી બનાવેલા બોલ સસ્તા હોય છે, અને તેમનાથી ઓછી ઓવરો રમાય છે, કારણ કે તે ઝડપથી આકાર ગુમાવી દે છે. એક આખા પુઠ્ઠામાંથી વિવિધ ગુણવત્તાના કુલ 100 જેટલા બોલ બને છે. દરેક બોલ 150 રૂપિયામાં વેચાય તો પણ બોલ બનાવનારને એક પુઠ્ઠા દીઠ ઓછામાં ઓછા 15,000 રૂપિયાની કમાણી થાય છે.”
ભરત બાબુ લાલ તરફ જોઈને કહે છે, “પણ એમાંથી આપણને શું મળે છે?” તેમને એક ચામડું વેચીને 150 રૂપિયા મળે છે. ભરત કહે છે, “મારે એક અઠવાડિયામાં કારીગરોના વેતન અને કાચા માલ પાછળ લગભગ 700 રૂપિયા ખર્ચ થાય છે. આ ક્રિકેટ બોલ માટેનું ચામડું અમારા હાથો અને પગોની મજૂરીમાંથી બને છે. પણ તમે જાણો જ છો કે બોલ પર મોટી કંપનીઓના નામ સિવાય બીજું કંઈ હોય છે ખરું?” ‘ફટકડીથી બનાવેલું ચામડું’. મને નથી લાગતું કે ખેલાડીઓ જાણતા પણ હશે કે તેનો શું અર્થ થાય.
*****
“શું તમને ખરેખર લાગે છે કે પ્રદૂષણ, ગંધ, અને હાઇવે પરથી દેખાવું એ આ ઉદ્યોગની વાસ્તવિક સમસ્યાઓ છે?”
પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં શેરડીના ખેતરોની પાછળ ક્ષિતિજમાં સૂર્ય હવે આથમી રહ્યો છે. ચામડાના કારખાનાંના કામદારો હવે તેમના કાર્યસ્થળે ઝડપથી સ્નાન કરી રહ્યા છે, અને ઘરે જતા પહેલા તેમના કામના કપડાં બદલી રહ્યા છે.
ભરત કહે છે, “હું મારા પુત્રના નામ પરથી મારા ચામડા પર ‘AB’ ચિહ્ન કોતરાવું છું.” પછી ઉમેરે છે, “હું તેને ચામડાનું કામ નહીં કરવા દઉં. આવનારી ભણી ગણી રહી છે. તેઓ આગળ વધશે અને ચામડાના આ કામમાંથી છૂટકારો મળશે.”
જ્યારે અમે હાઇવે તરફ ચાલીએ છીએ, ત્યારે ભરત કહે છે, “જેમ બધાંને ક્રિકેટ રમવાનો શોખ હોય છે, તેમ અમને ચામડાનું કામ કરવાનો કંઈ શોખ નથી. આ કામ અમારી આજીવિકાને ટકાવી રાખે છે; અમારી પાસે કોઈ વિકલ્પ નથી, એટલે જ અમે આ કામ કરીએ છીએ.”
આ પત્રકાર તેમનો અમૂલ્ય સમય ફાળવવા અને આ વાર્તામાં તમામ તબક્કે મદદ કરવા બદલ પ્રવીણ કુમાર અને ભરત ભૂષણનો આભાર માંગે છે. આ વાર્તા મૃણાલિની મુખર્જી ફાઉન્ડેશન (MMF)ની ફેલોશિપ દ્વારા સમર્થિત છે.
અનુવાદક: ફૈઝ મોહંમદ