જનુ વાઘે અને 15 બીજાં કાટકારી આદિવાસીઓ – જે મહારાષ્ટ્રમાં એક વિશેષ રૂપે વિલુપ્ત થતા આદિવાસી સમૂહ તરીકે નોંધાયેલ છે – સમૃદ્ધિ દ્વારા કચડાઈ જવામાં છે. માત્ર એ તેમની પોતાની નહીં હોય. થાણે જિલ્લાનું તેમનું નાનકડું ગામ થોડાજ વખતમાં સરકારના સમૃદ્ધિ મહામાર્ગ હેઠળ દબાઈ જશે.
“આ મારું ઘર છે. મેં આખી જિંદગી અહીંજ કાઢી છે. મારા બાપ-દાદા અહીં જ રહ્યા છે. હવે તેઓ [મહારાષ્ટ્રની સરકાર] અમને અહીંથી જવાનું કહે છે. અમને કોઈ [લેખિત] નોટિસ પણ આપવામાં નથી આવી,” 42-વર્ષના જનુ કહે છે. “અમે અહીંથી ક્યાં જઈશું? અમે અમારું ઘર ક્યાં બનાવીશું?”
તેમની ઝૂંપડી ભિવંડી તાલુકાના ચિરાડપાડા ગામથી આશરે અડધો કિલોમીટર દૂર આવેલી છે. એ વાંસની દિવાલથી વિભાજિત કરેલ એક નાનકડો ઓરડો છે, જેની બીજી બાજુ રસોઈ કરવા માટે માટીના ચૂલાવાળો એક ભાગ છે. ફરસ પર છાણ લીપેલું છે, અને ઘાસથી ઢાંકેલ છત લાકડાના વાંસ પર ટેકવાયેલી છે.
જનુ દર બીજા દિવસે સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્ય સુધી માછલાં પકડે છે. તેની પત્ની વાસંતી એક સાંકડી અસમતલ કેડી પર છ કિલોમીટર ચાલીને પાડાઘા ગામના બજારમાં પોતાના માથે 5-6 કિલો વજન ભરેલ ટોપલી લઈને જાય છે. તેઓ મહિનાના 15 દિવસ તેમના ચાર લોકોના પરિવાર માટે દિવસના આશરે 400 રૂપિયા કમાય છે. વચ્ચે, જ્યારે કામ મળે ત્યારે જનુ અને વાસંતી બંને ચિરાડપાડાની આજુ-બાજુના ગામોમાં દાડી કરે છે, અને કાકડી, રિંગણ, મરચાં અને બીજાં શાકભાજી વિણવા માટે દિવસના 250 રૂપિયા કમાય છે.










