અબ્દુલ મજીદ ભટ કહે છે કે, “આ લોકડાઉને અમને બરબાદ કરી દીધા. મારી દુકાને છેલ્લો પર્યટક માર્ચ મહિનામાં આવ્યો હતો.”
શ્રીનગરના દાલ સરોવર ખાતે ભટની ત્રણ દુકાનો છે. તેમાં તેઓ ચામડાની વસ્તુઓ અને સ્થાનિક હસ્તકળાની વસ્તુઓ વેચે છે. પરંતુ જૂન મહિનાથી લોકડાઉન હળવું થવા છતાં પણ કોઈ ગ્રાહકો તેમની દુકાન પર આવ્યા નથી. અને હવે 5 મી ઓગસ્ટ 2019 ના રોજ કાશ્મીરમાં આર્ટિકલ 370 રદ કરાતા શરૂ થયેલ આ સતત કપરો સમય છેલ્લા એક વર્ષથી વધુ સમયથી ચાલી રહ્યો છે.
આ બંનેની પર્યટન પર ઘાતક અસર પડી છે. ભટ જેવા ઘણા લોકોની આવકનો આધાર પર્યટન પર છે.
દાલ સરોવરમાં બતપોરા કલાં વિસ્તારના રહેવાસી અને સન્માનનીય વડીલ ૬૨ વર્ષના ભટ કહે છે કે, “૬-૭ મહિનાના એ શટડાઉન પછી જયારે પર્યટનની મોસમ શરૂ થવાની હતી ત્યારે જ આ કોરોના લોકડાઉન શરૂ થઈ ગયું.” તેઓ લેકસાઈડ ટુરિસ્ટ ટ્રેડર્સ એસોસિએશનના અધ્યક્ષ પણ છે. તેમના અંદાજ મુજબ આ સંસ્થાના આશરે ૭૦ સભ્યો છે.
શ્રીનગરમાં સરોવરની પર્યટન અર્થવ્યવસ્થા પર આધાર રાખતા અનેક લોકો – પીળી ટેક્સી બોટ ચલાવતા શિકારાવાળાઓ, ફેરિયાઓ, દુકાનદારો – તેમના શબ્દો દોહરાવે છે. તેમના માટે છેલ્લા ૧૨ મહિના પર્યટન માહિતી-પત્રિકામાં બતાવવામાં આવતા દાલ સરોવરની સુંદર તસવીરો જેવા જરાય નથી રહ્યા. (જુઓ Srinagar's shikaras: still waters run deep losses)
આ બધામાં નેહરુ પાર્કના ૨૭ વર્ષના હફસા ભટ છે. તેમણે કોરોનાવાયરસ લોકડાઉન શરૂ થયું એ પહેલા ઘેરથી નાનો ધંધો શરૂ કર્યો હતો. હફસા શ્રીનગરની એક શાળામાં શિક્ષિકા પણ છે. જમ્મુ અને કાશ્મીર ઓન્તરપ્રિનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ૨૪ દિવસના તાલીમ અભ્યાસક્રમ બાદ તેમને સંસ્થામાંથી ઓછા વ્યાજ દરે ૪ લાખ રૂપિયાની લોન મળી હતી. તેઓ કહે છે કે, “મેં ડ્રેસ અને કપડાનો જથ્થો ખરીદ્યો. લોકડાઉનની જાહેરાત થઈ ત્યારે મેં ફક્ત ૧૦-૨૦ ટકા જથ્થો જ વેચ્યો હતો. હવે મને હપ્તા ભરવામાં મુશ્કેલી પડી રહી છે.”











