ચાની કાંટાવાળી ગીચ ઝાડીઓ વચ્ચેની એક સાંકડી જગ્યા તરફ ઈશારો કરતાં દિયા ટોપ્પો (નામ બદલેલ) કહે છે, “જ્યારે ન રહેવાય, ત્યારે હું અહીં જ મારી હાજત સંતોષી લઉં છું.” તેઓ ચિંતાતુર અવાજે ઉમેરે છે, “આજે સવારે જ મને મધમાખીએ ડંખ માર્યો હતો; અહીં સાપ પણ કરડી શકે છે.”
દૈનિક વેતન પર કામ કરતા મજૂરો માટે કામની પરિસ્થિતિ આમ પણ દયનીય જ હોય છે, પરંતુ જો તમે ચાના બગીચાઓમાં કામ કરતાં મહિલાઓ હો, તો તમારે કામ દરમિયાન શૌચાલયનો વિરામ લેવા માટે પણ અજાણ્યા જોખમોનો સામનો કરવો પડી શકે છે.
53 વર્ષીય કામદાર યાદ કરે છે, “જ્યારે હું યુવાન હતી, ત્યારે હું કટોકટીની સ્થિતિમાં શૌચાલયનો ઉપયોગ કરવા માટે ક્વાર્ટર્સમાં જવાનું વિચારતી.” પરંતુ તે મુસાફરીમાં વિતેલો સમય તેમના કામના કલાકોમાંથી કાપી લેવામાં આવશે: “મારે [પાંદડાં એકઠા કરવાનો] દૈનિક લક્ષ્યાંક પૂરો કરવાનો હોય છે. હું [વેતન ગુમાવવાનું] જોખમ ન લઈ શકું.”
તેમનાં સહ−કર્મચારી, સુનિતા કિસ્કુ (નામ બદલેલ) તેમનાથી સહમત થાય છે: “અહીં ફક્ત બે જ વિકલ્પો છે – કાં તો [પેશાબ કરવાની ઇચ્છાને] આખો દિવસ રોકી રાખો અથવા તે માટે અહીં [ખુલ્લામાં] જાઓ. પરંતુ અહીં જંતુઓ અને જળોની સંખ્યાને જોતાં તે ખૂબ જ જોખમી વિકલ્પ છે.”
કેટલીક ચાની કંપનીઓ છત્રી, ચપ્પલ (સેન્ડલ), ત્રિપોલ (તાડપત્રી) અને ઝુરી (થેલો) જરૂર આપે છે. દિયા કહે છે, “તાડપત્રી અમારા કપડાંને છોડમાં રહેલા પાણીથી ભીંજાતા અટકાવે છે. અન્ય વસ્તુઓ [બૂટ વગેરે] અમારે જાતે ખરીદવા પડશે.”
26 વર્ષીય સુનીતા કહે છે, “અમારી પાસેથી સતત 10 કલાક કામ કરવાની અપેક્ષા રાખવામાં આવે છે.” જો તેઓ જ્યાં કામ કરે છે ત્યાંથી શૌચાલયનો ઉપયોગ કરવા માટે બે કિલોમીટર દૂર તેમના ઘેર પાછાં જાય, તો તેમણે અમુક કલાકના વેતનથી હાથ ધોવા પડશે. અને આ બાબત તે બે બાળકોની માતાને પરવડે તેમ નથી.









