૨૦૨૦માં કોરોના ને લીધે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. ગામડેથી સમાચાર આવ્યા કે મારા દાદા પડી ગયા છે અને એમનો પગ તૂટી ગયો છે. સામુદાયિક સ્વાસ્થ્ય કેન્દ્ર પર ડોક્ટર હાજર નહોતા, આજુબાજુમાં જેટલા પણ ખાનગી ક્લિનિક હતા એ બધા કોરોનાને લીધે બંધ હતા. દાદાના તૂટેલા પગ પર ઘરવાળાઓ એ ગમેતેમ કરીને પ્લાસ્ટર લગાવી દીધું હતું અને ઘેર જ તેમની દેખભાળ કરવાનું શરુ કર્યું. પણ ક્યારેક તાવ, તો ક્યારેક પગમાં થતી અસહ્ય પીડાથી તેઓ ચીસ પાડી ઉઠતા હતા. તેમનું શરીર કમજોર થઇ ગયું હતું અને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં તેમનું અવસાન થઇ ગયું.
આ બનાવ બન્યો ત્યારે હું મુંબઈમાં હતો. અચાનક બધું બંધ થઇ જવાથી લોકોના જીવનમાં જાણે કે તોફાન આવી ગયું હતું. એક બાજુ મહામારીનો ભય ફેલાયેલો હતો, તો બીજી બાજુ પોલીસ રસ્તાઓ પર ડંડા વરસાવી રહી હતી. કામકાજ બંધ હતું અને પ્રવાસી મજૂરો પોતાના ગામે પાછા ફરી રહ્યા હતા. હું મુંબઈમાં જ રોકાયો હતો કારણ કે હું શાકભાજી વેચતો હતો અને આ ધંધો ચાલુ રાખવાની પરવાનગી આપવામાં હતી. પણ, ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લામાં આવેલા મારા ગામડેથી જ્યારે મારા દાદાના અવસાનના સમાચાર આવ્યા ત્યારે મને ઘેર જવાની તરત જ ઈચ્છા થઇ ગઈ. મારા દાદા પ્રત્યે મને ખૂબ જ લાગણી હતી. તદુપરાંત, આ પ્રસંગે મમ્મી સિવાય ગામમાં કોઈ જવાબદાર વ્યક્તિ પણ હાજર નહોતું.
આ એ જ સમય હતો, જ્યારે ખૂબ દુઃખ પહોંચે એવા સમાચાર બહાર આવી રહ્યા હતા. કેટલાક મજૂરો પગપાળા પોતાના ઘેર પાછા જઈ રહ્યા હતા, અને રાત્રે થાકીને ટ્રેનના પાટા પર સૂઈ રહ્યા હતા, ત્યારે એક ટ્રેન આવી અને તેમની ઉપરથી પસાર થઇ ગઈ. કોઈ મા એવી પણ હતી જે ખોરાક-પાણી વગર ખોળામાં બાળકને લઈને જઈ રહી હતી. મેં દાદાના અવસાન પછી સામાન પેક કર્યો અને ટ્રેનનો સમય જાણવા માટે મુંબઈમાં અંધેરી (વેસ્ટ) પાસેના પોલીસ સ્ટેશનમાં ગયો. પણ ત્યાં જઈને ખબર પડી કે અલાહાબાદ જવા માટે અત્યારે એકપણ ટ્રેન નથી. આવામાં વારાણસીથી ટ્રેનમાંથી બે લાશો મળવાના સમાચાર બહાર આવ્યા. એક ટ્રેન ઉત્તર પ્રદેશ જવાની હતી, પણ તે ભૂલથી ઓડીશા જતી રહી. અને મારે તો ગામડે જવા માટે અલાહાબાદ (પ્રયાગરાજ) થી પણ ૭૦ કિલોમીટર આગળ જવાનું હતું, આથી મારું મનોબળ વધારે તૂટી ગયું. જો કોઈ ટેક્સી બુક કરીને જવા ઈચ્છે, તો જઈ શકતો હતો પણ આ માટે તેમણે ૪૦,૦૦૦-૫૦,૦૦૦ રૂપિયા ચૂકવવા પડે એમ હતા. પણ મારા માટે એ શક્ય નહોતું, એટલે મેં ગામડે જવાનો વિચાર માંડી વાળ્યો. આ સિવાય, બીજો કોઈ વિકલ્પ નહોતો.























