એ. શિવકુમાર કહે છે, ''સામાન્ય દિવસોમાં હું મારી સાઈકલ પર 40-50 કિલોમીટરની સવારી કરી પ્લાસ્ટિકની ડોલ અને વાસણો જેવી ચીજવસ્તુઓ વેચવા જઉં. નાગાપટ્ટિનમ જિલ્લાની એક આદિવાસી વસાહત - અરસુરમાં રહેતા 33 વરસના શિવકુમાર માટે, દિવસની શરૂઆત પરોઢિયે 5 વાગે, તેની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવેલી એક ખાસ સાઈકલ ઉપર થાય. આ સાઈકલની ચારે ય બાજુ પ્લાસ્ટિકની રંગબેરંગી ચીજવસ્તુઓ બાંધેલી હોય. શિવકુમાર આ ચીજવસ્તુઓ વેચી ગુજરાન ચલાવે. તે કહે છે, સામાન્ય દિવસોમાં તે તેના છ સભ્યોના પરિવારને ખવડાવવા પૂરતા 300-400 રુપિયા રળી લે.
આ સામાન્ય દિવસો નથી.
લોકડાઉન હેઠળના જીવનમાં એ પ્રવૃત્તિ બંધ કરી દેવી પડી છે - અને તેની સાથે તેના પરિવારની આવકનો સ્રોત પણ બંધ થઈ ગયો છે. પરંતુ શિવકુમાર કોવિડ -19 ના સંકટના ઘેરા વાદળોમાં આશાનું કિરણ જુએ છે. તે કહે છે, “જો વનવીલ ન હોત તો અમે ભૂખે મરત.”
વનવીલ એ ‘મેઘધનુષ્ય’ માટેનો તમિલ શબ્દ છે. તે આ જિલ્લાના નાગપટ્ટિનમ બ્લોકના સિક્કલ ગામની એક પ્રાથમિક શાળાનું નામ પણ છે. 21 એપ્રિલ સુધી 44 લોકોના કોરોના વાયરસ માટેના પોઝિટિવ પરીક્ષણ સાથે, નાગપટ્ટિનમ તમિલનાડુના કોવિડ -19 હોટસ્પોટ્સમાંનું એક છે.
આ શાળામાં મુખ્યત્વે વિચરતી જનજાતિના વિદ્યાર્થીઓ ભણે છે અને હાલ આ શાળા - શૈક્ષણિક કાર્ય માટે બંધ હોવા છતાં - અરસુર અને અન્ય ગામોના પરિવારો માટે કરિયાણાની વ્યવસ્થા કરે છે. લોકડાઉનની અસર વધુ ને વધુ ઘેરી થતાં શાળા તરફથી મદદ મેળવતા પરિવારોની સંખ્યા વધીને 1,228 સુધી પહોંચી છે - તેમાં લગભગ 1000 પરિવારો અત્યંત છેવાડાના સમુદાયોના છે. અહીંના હજારો ગરીબ લોકો માટે, આ શાળા હવે તેમની અન્ન સલામતીનો મુખ્ય આધાર છે.










