અમે 5 મી એપ્રિલે હૃદય પરભુને મળ્યા ત્યારે તેણે કહ્યું, “ઈંટના ભઠ્ઠામાં કોઈ લોકડાઉન નથી. અમે હંમેશની જેમ જ રોજ કામ કરીએ છીએ. કોઈ એક ફેર હોય તો માત્ર એ જ કે ગામડાનું અઠવાડિક બજાર બંધ છે, તેથી અમારા માલિક તરફથી અમને મળતા અઠવાડિક ભથ્થામાંથી અનાજ અને આવશ્યક ચીજો ખરીદવામાં મુશ્કેલી પડે છે."
હૃદય ત્રણ વર્ષથી તેલંગાણામાં એક ભઠ્ઠામાં કામ કરે છે - દેવું ચૂકતે કરવાની ચિંતાએ નાછૂટકે તે આ ધંધામાં ધકેલાયો છે. દર વર્ષે, તે તેની પત્નીને ઓડિશાના બાલનગીર જિલ્લાના તુરેકેલા તાલુકાના ગામ ખુટુલુમુંડામાં છોડીને અહીં આવે છે. તે તૂટ્યાફૂટ્યા હિન્દીમાં બોલતા કહે છે, “હું મારા ગામમાં લોહકાર [લુહાર] તરીકે સારી કમાણી કરતો હતો, પરંતુ મેં મારું મકાન બનાવ્યું એ પછી હું દેવામાં ડૂબ્યો. ત્યારબાદ નોટબંધી [વિમુદ્રીકરણ] આવી. મારા ગામમાં કામ બહુ ઓછું હતું, મારે માથે દેવું વધતું ગયું અને મને ઈંટો બનાવવા અહીં આવવાની ફરજ પડી. અહીં ભઠ્ઠામાં કામ કરતા દરેકને માથે દેવું છે."
હૃદય સંગરેડ્ડી જિલ્લાના જિન્નારામ મંડળના ગડ્ડીપોતારમ ગામમાં ઈંટના ભઠ્ઠામાં કામ કરે છે. 25 માર્ચના રોજ જાહેર થયેલા અણધાર્યા લોકડાઉનને કારણે અહીં કામ કરતા મજૂરોના મનમાં મૂંઝવણ અને અનિશ્ચિતતા પેદા થઈ હતી. તે જ ભઠ્ઠામાં કામ કરતા હૃદયના દૂરના સબંધી જયંતિ પરભુએ કહે છે, "દર શુક્રવારે, અમે અમારું અઠવાડિક ભથ્થું લઈ અહીંથી ત્રણ કિલોમીટર દૂર ગામના બજારમાં શાકભાજી અને અનાજની ખરીદી કરવા જતા. કેટલાક મજૂરો દારૂ પણ ખરીદતા. હવે એ બધું બંધ થઈ ગયું છે કારણ લોકડાઉનને કારણે બજાર બંધ છે. "
જોકે લોકડાઉન શરૂ થયાના બે દિવસ પછી મજૂરો શુક્રવારી બજારમાંથી કેટલીક ખાદ્ય ચીજો ખરીદી શક્યા હતા, પરંતુ તે પછીના શુક્રવારે તેઓ અટવાઇ ગયા હતા કારણ કે ત્યાં સુધીમાં બજાર બંધ થઈ ગયું હતું. હૃદયે કહ્યું, “અનાજ મેળવવાનું મુશ્કેલ થઈ ગયું છે. અમને તેમની ભાષા [તેલુગુ] આવડતી નથી એટલે દુકાન શોધતા શોધતા અમે ગામમાં થોડું આગળ નીકળી ગયા ત્યારે પોલીસે અમને ભગાડી મૂક્યા."








