ઉસ્માનાબાદ જીલ્લાના નીળેગાંવ ગામના આશા કાર્યકર - માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકર – તનુજા વાઘોલે કહે છે કે, “લોકડાઉન દરમિયાન અમે ખૂબ તણાવમાંથી પસાર થયા છીએ. કોવિડ-૧૯ સર્વેક્ષણો ઉપરાંત એપ્રિલથી જુલાઈ સુધીમાં મેં ૨૭ પ્રસૂતિઓ સાંભળી છે. માતાની તપાસથી લઈને એમને પ્રસુતિ માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર લઇ જવા સુધી, બધા માટે હું એમની સાથે હતી.”
માર્ચના અંતમાં લોકડાઉન લાગુ થયા પછી તનુજાએ દરરોજ બહાર નીકળતા પહેલાં ઘરના બધા કામ પુરા કરવા અને એમના પતિ અને બે દીકરાઓ માટે ખાવાનું બનાવવા (સામાન્ય રીતે તેઓ સવારે ૭:૩૦ વાગે ઊઠતા હતા તેને બદલે) સવારે ૪ વાગે ઊઠવાનું શરૂ કરી દીધું. તેઓ કહે છે કે, “જો હું સવારે ૭:૩૦ વાગે ઘેરથી ન નીકળું, તો બધાને મળી ન શકું. ક્યારેક-ક્યારેક લોકો અમને અને અમારી સૂચનાઓને ટાળવા માટે જ તેમના ઘેરથી વહેલા નીકળી જાય છે.”
આશા કાર્યકર તરીકે મહિનામાં લગભગ ૧૫-૨૦ દિવસ રોજના માત્ર ૩-૪ કલાક કામ કરવાને બદલે ૪૦ વર્ષની તનુજા, જેઓ ૨૦૧૦થી આશા કાર્યકર છે, તે હવે લગભગ દરરોજ આશરે છ કલાક કામ કરે છે.
તુળજાપુર તાલુકાના નીળેગાંવ ગામમાં કોવિડ-૧૯ નું સર્વેક્ષણ ૭ મી એપ્રિલે શરૂ થયું હતું. તનુજા અને એમના એક આશા સહકાર્યકર, અલકા મુલે, એમના ગામમાં દરરોજ ૩૦-૩૫ ઘરોની મુલાકાત લે છે. તેઓ કહે છે કે, “અમે ઘેર-ઘેર જઈએ છીએ અને તપાસ કરીએ છીએ કે કોઈને તાવ કે કોરોના વાઈરસના બીજા કોઈ લક્ષણ છે કે કેમ.” જો કોઈને તાવની ફરિયાદ હોય તો એમને પેરાસિટેમોલની ગોળીઓ આપવામાં આવે છે. જો એમને કોરોના વાઈરસના લક્ષણ હોય તો ૨૫ કિલોમીટર દૂર અંદુર ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (પીએચસી) ને આની જાણ કરી દેવામાં આવે છે. (ત્યારબાદ પીએચસી કોઈને ગામમાં કોવિડ પરીક્ષણ માટે નમૂના લેવા મોકલે છે; જો પરીક્ષણનું પરિણામ પોઝિટિવ આવે તો એ વ્યક્તિને કવોરન્ટાઈન કરવા માટે અને સારવાર માટે તુળજાપુરની ગ્રામીણ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે.)
આશા કાર્યકરોને ગામના બધા ઘરોની તપાસ કરવામાં લગભગ ૧૫ દિવસ લાગે છે, જે પછી તેઓ ફરીથી દરેક ઘરની તપાસ કરે છે. નીળેગાંવની સીમામાં બે ટાંડા – એક સમયે વિચરતા લામણ સમુદાય, અનુસુચિત જનજાતિની વસાહતો છે. તનુજાના અંદાજ પ્રમાણે મૂળ ગામ અને ટાંડાની કુલ વસ્તી લગભગ ૩૦૦૦ છે. (૨૦૧૧ની વસ્તીગણતરીમાં નીળેગાંવમાં ૪૫૨ મકાનો હોવાનું નોંધાયું છે.)











