ઘોર અંધારું હતું, પરંતુ તે સૂર્યોદયની રાહ જોઈ શકે તેમ ન હતો. રાતના 2 વાગ્યા હતા અને બીજા ત્રણ કલાકમાં તો પોલીસ તેમને અટકાવવા ત્યાં હાજર થઈ જવાના હતા. કાસારુપુ ધનરાજુ અને તેના બે સાથીઓ જ્યાં થોડી જ વારમાં પોલીસ-નાકાબંધી સક્રિય થઈ જવાની હતી ત્યાંથી છટકી ગયા. થોડી વાર પછી, તેઓ મુક્ત હતા - અને દરિયાના પાણી પર .
તે તેના 10 મી એપ્રિલના દુઃસાહસ વિષે કહે છે, "શરૂઆતમાં તો આ રીતે જવામાં મને ખૂબ બીક લાગતી હતી, મારે હિંમત એકઠી કરવી પડી. મારે પૈસાની જરૂર હતી. મારે ભાડુ ચૂકવવાનું હતું." 44 વર્ષનો ધનરાજુ અને તેના સાથી - બધા આશા ખોઈ બેઠેલા માછીમારોએ - તેમની નાની નાની મોટર બોટમાં સવાર થઈ દરિયામાં ઝૂકાવ્યું . લોકડાઉનને કારણે જેટી પર માછીમારી અને અન્ય પ્રવૃત્તિઓ પર રોક લગાવવામાં આવી છે. અને દરરોજ સવારે 5 વાગ્યા સુધીમાં વિશાખાપટ્ટનમ ફિશિંગ હાર્બરના બંને દરવાજે પોલીસ પહોંચી જાય છે. અહીંનું બજાર જાહેર જનતા અને માછીમારો બંને માટે બંધ છે.
ધનરાજુ 6-7 કિલોગ્રામ બંગારુ તીગા (મીઠા પાણીની ખાદ્ય માછલી) લઈને સૂર્યોદય પહેલાં પાછા ફર્યા. તે કહે છે, "તે દિવસે અમે માંડ માંડ બચ્યા. હું પાછો ફર્યો ત્યારબાદ થોડીવારમાં જ પોલીસ આવી. જો એ લોકોએ મને પકડ્યો હોત તો તેમણે મને માર માર્યો હોત. પરંતુ સંકટ સમયમાં ટકી રહેવા માટે આપણે જે કંઈ કરી શકીએ તે આપણે કરવું જ રહ્યું. આજે હું મારું ભાડુ ચુકવીશ, પણ આવતી કાલે કંઈક બીજું આવે. મને કોવિડ -19 નું નિદાન થયું નથી, પણ છતાં તે મને આર્થિક રીતે અસર કરી રહ્યું છે.”
તેણે ચેંગલ રાવ પેટાના ડૉ.એન.ટી.આર. બીચ રોડ પાછળ સાંકડી ગલીમાં પોતાની જૂની કટાયેલી રોમા સાયકલ ઉપર એક સફેદ પાટિયું મૂકીને ઊભી કરેલી કામચલાઉ દુકાનમાંથી છાનેમાને પોલીસની નજર ન પડે તેમ માછલી વેચી દીધી. સામાન્ય સંજોગોમાં 250 રુપિયે કિલોના ભાવે વેચાતી માછલી ધનરાજુએ 100 રુપિયે કિલોના ભાવે વેચી હતી. તે કહે છે, “કાશ... હું આ સાયકલને મુખ્ય માર્ગ પર લઈ જઈ શક્યો હોત, પણ મને પોલીસનો ડર હતો.”
સામાન્ય સંજોગોમાં જો ધનરાજુએ 6-7 કિલો મીઠા પાણીની ખાદ્ય માછલી વેચી હોત, તો તેઓ 1500 થી 1750 રુપિયા કમાયા હોત. પણ તેમની સાયકલ ઉપર ઊભી કરેલી માછલીની દુકાને લોકોનું ખાસ ધ્યાન ન ખેંચ્યું.અને તેમણે પકડેલી માછલીઓ બે દિવસમાં વેચી તેઓ આશરે 750 રુપિયા જ કમાયા. તેમના પ્રયત્નોમાં ગ્રાહકો માટે માછલી કાપવામાં અને સાફ કરવામાં મદદ કરતા 46 વર્ષના પપ્પુ દેવી પણ તેમની સાથે જોડાયા હતા. માછલી કાપીને સાફ કરવા માટે તેમને દરેક કામ દીઠ ગ્રાહક પાસેથી 10-20 રુપિયા મળે છે. તેઓ પણ પૈસા ખાતર જ આ જોખમ વહોરતા હતા.










