ઘણા વખતથી બી. કિસ્તા ફળોની ખેતી કરીને પોતાનું નસીબ અજમાવવા ઈચ્છતા હતા. તેઓ કહે છે, "ખેતમજૂરીથી થતી કમાણી વડે મારાં દેવાં કોઈ હિસાબે ચૂકતે થઈ શકે તેમ ન હતું." આખરે ગયા વર્ષે, ઘણો વિચાર કર્યા પછી તેમણે નક્કી કર્યું - અને ચાર એકર જમીન ભાડે લીધી. બોડિગનિડોદ્ડી ગામમાં રહેતા કિસ્તા કહે છે, "મેં ચાર એકર જમીન માટે [વાર્ષિક] ભાડા પેટે એકર દીઠ 20,000 રુપિયા ચૂકવ્યા. છેલ્લા ત્રણ વર્ષમાં મારી દીકરી અને દીકરાના લગ્ન માટે લીધેલી લોન ચૂકવી શકાશે એ આશાએ મેં ખેતી શરૂ કરી."
પરંતુ માર્ચના અંતમાં લોકડાઉન શરૂ થયાના થોડા અઠવાડિયા પહેલા, અનંતપુર જિલ્લાના બુક્કારયસમુદ્રમ મંડળના તેમના ગામ અને અન્ય ગામોમાં ભારે પવન અને ખરાબ હવામાનને કારણે તેમની જમીનમાંના 50 ટન કેળાના પાકમાંથી લગભગ અડધા (તેમજ તરબૂચના) પાકને નુકસાન પહોંચ્યું. ફળોના વેચાણમાંથી તેમને માંડ 1 લાખ રુપિયા મળ્યા - અને લગભગ 4 લાખ રુપિયાની ખોટ ગઈ . તેમના પાછલા દેવા ચૂકતે કરવાની વાત તો દૂર રહી, તેમણે શાહુકાર પાસેથી વ્યાજે લીધેલી રકમ 3.5 લાખ રુપિયાથી વધીને 7.5 લાખ રુપિયા થઈ ગઈ.
અનંતપુરના ખેડુતોને 2019 માં સારા ચોમાસાથી ફાયદો થયો હતો. કિસ્તાની જેમ તેઓ પણ આ વર્ષે મબલખ રવિ પાક બાદ સારા વળતરની આશામાં હતા. કેળાના ખેડુતો ટન દીઠ 8,000 રુપિયા મળશે એવી આશા રાખતા હતા.
પણ ત્યાં 25 માર્ચે - રવિ મોસમના અંતમાં - લોકડાઉન થયું. બજારમાં અનિશ્ચિતતાને પગલે વેપારીઓ ઉપજ ખરીદતા ખચકાતા હતા. ખેડૂતોને માઠી અસર પહોંચી છે - રવિ મોસમ દરમિયાન એપ્રિલ સુધી લગભગ દર બે અઠવાડિયે કેળાની ખેતી કરવામાં આવે છે, અને દરેક તબક્કે ફટકો પડ્યો હતો.
જી. સુબ્રમણ્યમ, બુક્કારયસમુદ્રમ ગામના નુકસાન વેઠનારા ખેડૂતોમાંના એક છે. તેમણે 3.5 એકર જમીનમાં આશરે 3.5 લાખ રુપિયા ખર્ચીને કેળાની ખેતી કરી હતી. જે 70 ટન કેળાનું ઉત્પાદન થયું તેમાંથી મોટા ભાગના કેળા તેમણે ગામમાં આવતા વેપારીઓને એપ્રિલ મહિનામાં માત્ર 1500 રુપિયે ટનના ભાવે વેચ્યા હતા. તે મહિનામાં 8-9 ટન કેળાના ટ્રકલોડ ફક્ત 5000 રુપિયે વેચાયા - આ ભાવ ખેડુતોએ અંદાજેલા ટન દીઠ ભાવ કરતા ય 3000 રુપિયા ઓછો હતો.






