“હું જયારે નાનો હતો ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે અમારો ટાપુ એક મોટા પરવાળા પર ટકેલો છે. પરવાળા બધા નીચે છે, જે ટાપુને પકડી રાખે છે. અને અમારી આસપાસ એક ખાડી છે જે અમને સમુદ્રની સામે રક્ષણ આપે છે,” બિત્રા ટાપુ પર રહેતા 60 વર્ષીય માછીમાર બી. હૈદર કહે છે.
બિત્રાના 60 વર્ષીય માછીમાર અબ્દુલ ખાદર કહે છે "જ્યારે હું નાનો હતો, ત્યારે અમે ઓટના સમયે પરવાળા જોઈ શકતા હતા. તે ખૂબ જ સુંદર હતા. હવે તેઓની સંખ્યા ખૂબ રહી નથી. પણ અમને આજે પણ મોટા મોજાઓને દૂર રાખવા પરવાળાની ખૂબ જ જરૂરત છે."
તે પરવાળા – જે કથાઓ, કલ્પનાઓ, જીવન, આજીવિકા અને લક્ષદ્વીપ દ્વીપસમૂહના ટાપુઓની જૈવિકવ્યવસ્થા ના કેન્દ્ર છે – તે ધીમે ધીમે સમાપ્ત થઇ રહ્યા છે. આની સાથે સાથે અન્ય ઘણા ફેરફારો થઇ રહ્યાં છે જે અહીંના માછીમારો દાયકાઓથી નોંધી રહ્યા છે.
"વાત ખૂબ જ સરળ છે. કુદરતમાં ઘણા ફેરફારો થયા છે,” અગાટી ટાપુના 61 વર્ષીય મુનિયામિન કેકે સમજાવે છે. તેઓ 22 વર્ષના હતા ત્યારથી માછીમારીનું કામ કરે છે. "પેહલાના સમયમાં, ચોમાસુ બરાબર સમય પર શરુ થઇ જતું (જૂન માં) પણ હવે અમે અનુમાન લગાવી શકતા નથી કે તે ક્યારે શરુ થશે. આજ કાલ માછલીઓનું પ્રમાણ પણ ઓછું થઇ ગયું છે. પેહલા માછલીઓ પકડવા ખૂબ દૂર જવાની જરૂરત નહતી, નજીકમાં જ માછલીઓના ટોળાઓ મળી જતા. પણ હવે લોકો કેટલાક દિવસો અને અઠવાડિયાંઓ સુધી બહાર રહે છે માછલીઓ શોધવા માટે.
અગાટી અને બિત્રા, એકબીજાથી બોટ દ્વારા લગભગ સાત કલાકના અંતરે સ્થિત આ ટાપુઓ, લક્ષદ્વીપ, જે કેરળના કિનારે અરબી સમુદ્રમાં સ્થિત ભારતનો સૌથી નાનો કેન્દ્રશાસિત પ્રદેશ છે, તેના કેટલાક સૌથી કુશળ માછીમારોનું ઘર છે. મલયાલમ અને સંસ્કૃત બંને ભાષાઓમાં ‘લક્ષદ્વીપ’ શબ્દનો અર્થ એક લાખ ટાપુઓ થાય છે. વાસ્તવમાં, આજે માત્ર 36 ટાપુઓ છે જે માત્ર 32 સ્કવેર કિલોમીટરમાં સિમિત છે. પણ આ દ્વીપસમૂહના પાણી, 400,000 સ્કવેર કિલોમીટર સુધી ફેલાયેલ છે અને દરિયાઈ જીવન અને સંસાધનોથી ખૂબ સમૃદ્ધ છે.
એક-જિલ્લાના આ કેન્દ્રશાસિત પ્રદેશમાં દરેક સાતમી વ્યક્તિ એક માછીમાર છે - 64,500 ની આ ટાપુઓની કુલ વસ્તીમાં (જનગણના 2011) 9,000 થી વધુ લોકો માછીમાર હોવાનો દાવો કરે છે.






