રીટા અક્કાની આખી જિંદગી જાણે આપણને એક જ બાબતની પ્રતીતિ કરાવે છે કે દરેકના જીવનનો એક હેતુ છે. તેઓ સાંભળી શકતા નથી અને બોલી શકતા નથી. તેઓ એક વિધવા છે, અને તેની 17 વર્ષની દીકરીએ તેની દાદી સાથે રહેવા માનું ઘર છોડી દીધું છે. 42 વર્ષીય વૃદ્ધાના જીવનમાં નરી એકલતા લખાયેલી છે, પરંતુ તે તેની સામે હારશે નહીં.
રીટા અક્કા (મોટી બહેન) - તે તેના પડોશમાં આ નામે જાણીતી છે (જોકે કેટલાક લોકો તેને બોબડી, બોલી ન શકનાર માટેનો અપમાનજનક શબ્દ, પણ કહે છે) - દરરોજ સવારે ઊઠીને ખંતપૂર્વક ચેન્નાઇ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કચરો એકઠો કરવાનું તેનું કામ કરે છે. જો કે ક્યારેક તે આકરા દિવસના અંતે શરીર દુખવાની ફરિયાદ કરે છે. તે કચરો લઈ જવા જે ખાસ સાયકલ-રિક્ષા ટ્રોલી ખેંચે છે તેની બહારની બાજુએ તમે તેની નોકરી પ્રત્યેની પ્રતિબદ્ધતા જોઈ શકો છો. રીટાએ તેના પર પોતાનું નામ ત્રણ વખત જુદા જુદા રંગથી લખ્યું છે. દિવસના અંતે, તે શહેરના કોટ્ટુરપુરમ વિસ્તારના હાઉસિંગ બોર્ડ ક્વાર્ટર્સમાં તેના નાના, એકલવાયા ઘેર પાછી ફરે છે.




























