તેઓ બોલવાનું શરૂ કરે છે, પરંતુ અધવચ્ચે જ અટકી જાય છે. ઊંડો શ્વાસ લઈને, તેઓ ફરી પ્રયાસ કરે છે. પણ તેમનો અવાજ કંપી ઉઠે છે. તેઓ નીચે જુએ છે, અને તેમની હડપચી કંપી જાય છે. અનિતા સિંહ લગભગ એક વર્ષથી બહાદુરી સાથે લડી રહ્યા છે. પરંતુ, તેમના પતિની યાદ ભૂલાવી શકાય તેમ નથી. ૩૩ વર્ષીય અનિતા કહે છે, “અમારું નાનું અને સુખી કુટુંબ હતું. મારા પતિ અમારા મોભ હતા.”
અનિતાના પતિ, ૪૨ વર્ષીય જયકર્ણ સિંહ, ઉત્તર પ્રદેશના બુલંદશહેરથી ૨૦ કિલોમીટર દૂર લાખોટી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા. તેમને એપ્રિલ ૨૦૨૧માં કોવિડ-૧૯ ના લક્ષણો દેખાવા લાગ્યા. જ્યારે અમે અનિતાને તેમના ઘેર મળ્યા ત્યારે તેઓ કહે છે, “તેમને શરદી, ખાંસી અને તાવ હતો. જ્યારે કોરોનાની બીજી લહેર ચાલુ હતી ત્યારે પણ શિક્ષકોને શાળાએ જવાની ફરજ પાડવામાં આવી હતી. એ દિવસો દરમિયાન તેમને ચેપ લાગ્યો હશે.”
૨૦ એપ્રિલ, ૨૦૨૧ના રોજ જયકર્ણનું કોરોના વાયરસનું પરીક્ષણ પોઝીટીવ આવ્યું. જ્યારે તેઓ શ્વાસ લેવા માટે હાંફતા હતા, ત્યારે શહેરની કોઈપણ હોસ્પિટલમાં ઓક્સિજન બેડ ઉપલબ્ધ નહોતા. અનિતા યાદ કરે છે, “મેં ઘણી હોસ્પિટલોમાં આજીજી કરી, પરંતુ તે બધાએ ના [પાડી દીધી. અમે ઘણા ફોન કોલ્સ કર્યા કારણ કે તેમની તબિયત ઝડપથી બગડી રહી હતી. પરંતુ કંઈ થયું નહીં. અમારે તેમની સારવાર ઘેર જ કરવી પડી હતી.”
સ્થાનિક ડોકટરે જયકર્ણને તાવ અને ઉધરસની સારવાર કરી હતી. અનિતાના સંબંધીઓએ કોઈક રીતે ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરી. અનિતા કહે છે, “અમે તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ જાણતા નહોતા. અમારે તે જાતે જ શીખવું પડ્યું હતું. પરંતુ અમે હોસ્પિટલની પથારી શોધતા રહ્યા હતા.”
મહામારીના લીધે ભારતની સાર્વજનિક સ્વાસ્થ્યની માળખાકીય સુવિધાઓની કફોડી હાલતનો પર્દાફાશ થયો, ખાસ કરીને ગામડાઓ અને નાના શહેરોમાં. દેશના કુલ સ્થાનિક ઉત્પાદનમાંથી માત્ર ૧.૦૨% જ આરોગ્ય પાછળ ખર્ચવામાં આવે છે, આથી લોકો માટે તેના પર નિર્ભર રહેવા માટે વધારે કંઈ નથી. નેશનલ હેલ્થ પ્રોફાઈલ ૨૦૧૭ અનુસાર, દેશમાં ૧૦,૧૮૯ વ્યક્તિઓ દીઠ ફક્ત એક જ સરકારી એલોપેથિક ડોક્ટર છે, અને દર ૯૦,૩૪૩ લોકો દીઠ માત્ર એક જ સાર્વજનિક હોસ્પિટલ છે.







