૧૪ વર્ષીય સંધ્યા સિંહ કહે છે કે, “ભણવાનું પતી જાય પછી હું એક અધિકારી બનવા માંગુ છું – એક હોમગાર્ડ. એમનો ૧૬ વર્ષીય ભાઈ, શિવમ, સેનામાં નોકરી મેળવવાની આશા સેવી રહ્યો છે, અને જ્યારે તે તેની ઉંમરનો હતો ત્યારથી તે આ માટે ‘પ્રશિક્ષણ’ મેળવી રહ્યો છે. એમણે કહ્યું કે, “હું સવારે ૪ વાગે ઉઠું છું અને રોજ મારી કસરત કરું છું, હું સેનાના પ્રશિક્ષણ માટે ગમે તે પૂછું એનો મને યુટ્યુબ જવાબ આપી દે છે – જેમ કે [બાર ઉપર] કઈ રીતે લટકવું, પુશ-અપ કઈ રીતે કરવાનું, આ પ્રકારની વસ્તુઓ – અને હું એ કરું છું.”
તેઓ ઉત્તરપ્રદેશના ઝાલૌન જીલ્લાના બિનૌરા ગામમાં તેતાના ઘરના ધાબા પરથી મારી સાથે વાત કરી રહ્યા હતા. ભાઈ-બહેન ૨૧ માર્ચના રોજ આંધ્રપ્રદેશના કલીકીરી ગામમાં એમના માતા-પિતા કામ કરતા હતા, ત્યાં પરત આવી ગયાં હતાં. ૩૨ વર્ષીય રામદેકલી કહે છે કે, “જ્યારે અમે ઘેર પહોંચ્યા ત્યારે અહીંયાં કશું જ નહોતું, અને અમે કશું ય લઈને નહોતા આવ્યા. એ રાત્રે અમારે ભૂખ્યા પેટ સુવું પડ્યું હતું.”
૮ જુલાઈ ના રોજ, રામદેકલીએ મને ગર્વથી કહ્યું કે શિવમ તેની ધોરણ ૧૦ની પરીક્ષામાં ૭૧ ટકા ગુણથી પાસ થયો છે. જ્યારે મેં ૧૧ અને ૧૨માં ધોરણની પ્રવેશ પ્રક્રિયા વિષે પૂછ્યું તો એમનો સ્વર બદલાઈ ગયો. તેમણે સવાલ કર્યો કે, “અમારા બાળકો એ વાતને લઈને ચિંતિત છે કે તેઓ ઓનલાઈન શાળાઓમાં કઈ રીતે ભાગ લેશે. જો આપણે [આંધ્રપ્રદેશ] પરત ફરીશું, તો આપણો ફોન પણ સાથે રહેશે. યુપીમાં શિવમ ઓનલાઈન કઈ રીતે ભણશે? અને જો આપણે અહીંયાં રહીશું તો એમની ફી કઈ રીતે ભેગી કરીશું?”. ખાનગી શાળાઓમાં ભણવાવાળા બંને બાળકોમાં પ્રત્યેકની વાર્ષિક ફી ૧૫,૦૦૦ રૂપિયા છે.
થોડાક મહિનાઓ પહેલા, રામદેકલી અને એમના ૩૭ વર્ષીય પતિ બિરેન્દ્ર સિંહ, આંધ્રના ચિત્તોર જીલ્લાના કલીકીરી ગામમાં પાણીપુરીની ત્રણ લારીઓ ચલાવતા હતા. સંધ્યા તેમની સાથે રહેતાં હતાં, જ્યારે શિવમ જાલૌન જીલ્લાના બરદાર ગામમાં એના નાના સાથે રહેતો હતો. આ પરિવાર પાલ સમુદાયનો છે, જે વિચરતી જનજાતિમાં શામેલ છે.









