મફત ભોજન જેવી કોઈ વસ્તુ નથી.
સિવાય કે, તમે કમલાબારી ઘાટ ખાતેના ફૂડ સ્ટોલ આગળ ટહેલતી નસીબદાર ગાય હો. કમલાબારી ઘાટ માજુલીમાં આવેલ એક વ્યસ્ત ફેરી સ્ટેશન છે, જે આસામમાં શકિતશાળી બ્રહ્મપુત્રા નદીની વચ્ચે આવેલ એક ટાપુ છે.
મુક્તા હઝારિકા આ બધું સારી રીતે જાણે છે. અમારી સાથે વાત કરતી વખતે, તેઓ અધવચ્ચે અટકી જાય છે, જ્યારે તેઓ અચાનક તેમના ભોજનાલયના આગળના ભાગ તરફ ધક્કો વાગતો જુએ છે અને તે તરફ દોડી જાય છે. ત્યાં એક ગાય ઘૂસણખોર બનીને તેમના કાઉન્ટર પરથી ખાવાની તૈયારી કરી રહી હતી.
તેઓ ગાયને પરિસરની બહાર કાઢી મૂકે છે, પછી અમારી તરફ ફરીને હસીને કહે છે, “હું મારી હોટલ [ફૂડ સ્ટોલ] ને એક મિનિટ કરતા વધુ સમય માટે છોડીને ક્યાંય જઈ શકતો નથી. નજીકમાં ચરતી ગાયો ત્યાં ખાવા માટે આવે છે અને આખા ભોજનાલયને બગાડી દે છે.”
મુકતા આ દસ લોકોને બેસવાની સુવિધા વાળા ભોજનાલયમાં ત્રેવડી ભૂમિકા નિભાવે છે: રસોઈયાની, પીરસનારની અને માલિકની. આથી, હોટલનું નામ તેમના પોતાના નામ પરથી રાખવામાં આવ્યું છે એ વાત યોગ્ય લાગે છે - હોટલ હઝારિકા.
પરંતુ હોટલ હઝારિકા, જે છેલ્લાં છ વર્ષથી સફળતાપૂર્વક ચાલી રહી છે, તે ૨૭ વર્ષીય મુક્તાને શિરે જતું એકમાત્ર પરાક્રમ નથી. તેઓ મનોરંજનની દુનિયામાં પણ ત્રેવડી ભૂમિકા ભજવે છે - અભિનેતા, નૃત્યકાર અને ગાયક - તેમજ એક કુશળ મેકઅપ કલાકાર જે માજુલીના લોકો પ્રસંગને અનુરૂપ શ્રેષ્ઠ દેખાય તેવું સુનિશ્ચિત કરે છે.
આ, અમારે જોવું હતું. પરંતુ, તે દરમિયાન ભોજનાલયમાં કેટલાક લોકોની માગણીને પૂરી કરવાની છે.

















