“તમારે એને 3000 વખત ટીપવું પડે છે”, મીનાક્ષી કહે છે; અને વળી પાછી એ જ કામમાં એ પરોવાઈ જાય છે. ‘એને’ એટલે કાચી માટીનો ઘડો કે જે રાંધવાના કોઈ પણ વાસણ જેવો જ લાગે છે. જો કે, એ ઘડાને ટીપીને એક વાદ્યનું રૂપ આપશે. એ ઘડાને એના ખોળામાં મૂકે છે અને પછી તે એને લાકડાના તાવેતાથી ચારે બાજુ થાપટો મારે છે. જ્યારે એ સંપૂર્ણ પણે તૈયાર થઇ જાય ત્યારે એ ઘડો બની જશે ‘ઘટમ’ – દક્ષિણ ભારતીય કર્નાટકી સંગીતમાં વપરાતું ઉચ્ચ ગુણવત્તાવાળું વાદ્ય . મીનાક્ષી કેશવન આ ઘટમ બનાવવામાં નિષ્ણાત છે. 63 વર્ષનાં મીનાક્ષી અને તેમનો પરિવાર કદાચ માનામદુરાઈમાં એક જ આવી બેજોડ ચીજ બનાવવામાં પાવરધા છે છે.
તામિલનાડુમાં મદુરાઈથી એક કલાકના જ અંતરે આવેલું માનામદુરાઈ ઘટમ માટે પ્રખ્યાત છે. તેઓ કહે છે કે, “પંદર વર્ષની વયે મારું લગ્ન એક એવા પરિવારમાં થયું કે જે ઓછામાં ઓછી ચાર પેઢીઓથી આ સાધન બનાવે છે.” તેઓ તેમના પતિ અને સસરા પાસેથી ઘટમ બનાવવાની કળા શીખ્યાં હતાં. તેમનો દીકરો રમેશ કહે છે કે, “એમાં નિષ્ણાત બનતાં એમને છ વર્ષ થયાં હતાં.” અને એ ખૂબ ઝડપી કહેવાય . ”જો તમે પરમ્પરાગત રીતે કુંભાર ના હો તો તમને એ શીખતાં થોડો વધારે સમય લાગે છે.”
“કારીગરી તો ધ્વનિ બરાબર થાય તે માટે ઘટમને બરાબર ટીપવામાં છે” એમ મીનાક્ષી તેના જમણા હાથે ઘટમને ટીપતાં ટીપતાં કહે છે. ડાબા હાથે તે ઘટમની અંદર રાખેલા ગોળ પથ્થરને ફેરવે છે. સહેજ પોરો ખાઈને તે કહે છે કે, “એનું કારણ એ છે કે ઘટમની માટી પડી ના જાય અને તેની સપાટી લીસ્સી થાય.” ચાર દાયકા સુધી માટીને આકાર આપતાં રહેલા એમના હાથ હવે થાકી જાય છે. તે કહે છે કે કેવી રીતે એમના થાકેલા ખભા પર થઈને દુખાવો છેક આંગળીનાં ટેરવાં સુધી પહોંચે છે . પણ થોડીક મિનિટો પછી વળી પાછાં તે લાકડું અને પથ્થર હાથમાં પકડે છે અને પોતાના ખોળામાં ઘડાને ગોઠવે છે અને ઘડાને થપાટ મારવાનું ફરી શરૂ થાય છે.







