ચિતેમપલ્લી પરમેશ્વરીને ઘણીવાર ભાગી જવાનું મન થાય છે, પણ આ 30 વર્ષીય માતા કહે છે, “પણ, હું મારા બાળકોને છોડી શકતી નથી. મારા સિવાય તેમનું કોઈ નથી.”
પરમેશ્વરીના પતિ, ચિતેમપલ્લી કમલ ચંદ્રે જ્યારે નવેમ્બર 2010માં તેમના જીવનનો અંત આણ્યો ત્યારે તેઓ વીસેક વર્ષના હતા. હળવા સ્મિત સાથે તેઓ કહે છે, “તેઓ તેમના પાછળ એક પત્ર પણ છોડીને નહોતા ગયા. આવું કદાચ એટલા માટે હતું કારણ કે તેમને બરાબર લખતા નહોતું આવડતું.”
અને આ રીતે તેઓ તેમના બે બાળકો, શેષાદ્રી અને અન્નપૂર્ણાનાં એકમાત્ર વાલી બની ગયાં, જેઓ હવે સરકારી શાળામાં ભણે છે અને 30 કિલોમીટર દૂર હોસ્ટેલમાં રહે છે. તેમનાં મા કહે છે, “મને તેઓ બહુ જ યાદ આવે છે.” પરંતુ પછી પોતાની જાતને સાંત્વના આપતાં કહે છે, “મને ખબર છે કે ત્યાં તેમને સમયસર ખાવાનું મળી રહ્યું છે.”
તેઓ દર મહિને એકવાર તેમની મુલાકાત લેવા આતુર હોય છે. તેઓ કહે છે, “જો મારી પાસે પૈસા હોય, તો હું [બાળકોને] 500 [રૂપિયા] આપું છું, અને જો મારી પાસે ઓછા હોય, તો હું તેમને 200 [રૂપિયા] આપું છું.”
આ પરિવાર મદિગા સમુદાયનો છે, જે તેલંગાણામાં અનુસૂચિત જાતિ તરીકે સૂચિબદ્ધ છે અને પરમેશ્વરી ચિલ્તમપલ્લે ગામમાં તેમના એક ઓરડાના મકાનમાં રહે છે. તેમના ઘરની છત વજનથી નીચે નમી ગઈ છે અને બહાર એક ખુલ્લો શેડ છે. તેલંગાણાના વિકરાબાદ જિલ્લામાં આવેલું આ ઘર તેમના સ્વર્ગસ્થ પતિ કમલ ચંદ્રના પરિવારની માલિકીનું છે અને તેમની સાથે લગ્ન કર્યા પછી તેઓ અહીં રહેવા આવ્યાં હતાં.










