34 વર્ષીય જુનાલી રિસોંગ, અપોંગ ગાળવામાં નિષ્ણાંત છે. તેઓ કહે છે, “કેટલાક દિવસોમાં હું 30 લિટરથી વધુ અપોંગ બનાવી શકું છું.” મોટાભાગના અપોંગ ગાળનારા એક અઠવાડિયામાં ફક્ત અમુક લિટર અપોંગ જ બનાવી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે જાતમહેનતથી જ થાય છે.
આસામમાં બ્રહ્મપુત્રા નદી પર આવેલા માજુલી ટાપુના ગરામુર નગર પાસે આવેલી જુનાલીની શરાબની ભઠ્ઠી એ તેમનું ત્રણ ઓરડાનું મકાન અને વાડો છે. એક મોટી નદી જેમાં અવારનવાર પૂર આવે છે એના છલકાવાથી બનેલા એક નાના તળાવ પાસે તેમનું ઘર છે.
અમે એમને મળીએ છીએ ત્યારે ભારતના આ પૂર્વ ભાગમાં આકાશમાં સૂર્ય બહાર આવી ગયો છે, સવારના છ થયા છે પણ એમનું કામ શરુ થઇ ચૂક્યું છે. જુનાલી ઉકાળવાની પ્રક્રિયા શરૂ કરવા માટે તેમના વાડામાં લાકડા સળગાવી રહ્યાં છે. તેમનો સાધન સરંજામ તેમના ઘરની અંદર મૂકેલો છે.
અપોંગ તરીકે ઓળખાતું આ આથવેલું પીણું, આસામમાં અનુસૂચિત જનજાતિ તરીકે સૂચિબદ્ધ મિસિંગ સમુદાયના લોકો દ્વારા બનાવવામાં આવે છે. તેને ભોજન સાથે લેવામાં આવે છે, અને મિસિંગ ભરત ચંડી કહે છે તેમ, “અમે મિસિંગ લોકો, અપોંગ વગર કોઈપણ પૂજા કે તહેવાર કરતા નથી.” ચંડી ગરમુર બજારમાં એક ઘર જેવા ભોજનાલય માજુલી કિચનના માલિક છે.
ચોખા અને જડીબુટ્ટીઓથી બનેલું આછા સફેદ રંગનું આ પીણું મોટેભાગે જુનાલી જેવી મિસિંગ સ્ત્રીઓ દ્વારા જ બનાવવામાં આવે છે, જેને તેઓ ગરમુરની દુકાનો અને હોટલોમાં વેચે છે. જુનાલી હસતાં હસતાં કહે છે, “પુરુષોને આ કામ કરવું ગમતું નથી. તેમને આ કામમાં ખૂબ મહેનત પડે છે, અને જડીબુટ્ટીઓ અને પાંદડા ભેગા કરવાથી થાક લાગે છે.”






















