“છેલ્લા ચાર−પાંચ મહિનાથી ઝારિયા ગામમાં મારા ઘેર વીજળી જોડાણ કાપી નાખવામાં આવ્યું છે. હું અને મારા બે ભાઈ−બહેનો ટોર્ચના અજવાળે થોડું ઘણું ભણીએ છીએ, પરંતુ ટોર્ચ ફક્ત અડધો−પોણો કલાક ચાલે છે ને તેને ફરીથી ચાર્જ કરવી પડે છે.”
સોમવારી બાસ્કે સંતાલ આદિવાસી સમુદાયની 13 વર્ષની છોકરી છે, અને તે ભાટીન મિડલ સ્કૂલમાં 8મા ધોરણમાં ભણે છે અને તેનો શાળા સુધીનો અભ્યાસ પૂરો કરવા માટે કટિબદ્ધ છે: “મારે અભ્યાસ કરવો છે [ઔપચારિક શિક્ષણ મેળવવું છે]. મારું બસ આ જ સપનું છે.”
ઝારિયા ગામ જાદુગોડા બ્લોકમાં 1,000થી વધુ વસ્તી ધરાવતું એક ગામ છે. અહીંનો સાક્ષરતા દર 59 ટકા છે − જે ઝારખંડની 66.41 ટકાની સરેરાશ કરતાં ઓછો છે. પૂર્વીય સિંહભૂમ જિલ્લામાં આવેલા આ ગામમાં ફક્ત એક જ શાળા આવેલી છે, તેથી સોમવારીએ શાળાએ જવા માટે ઘરથી ચાર કિલોમીટર દૂર જવું પડે છે.
જ્યારે આ પત્રકારે નજીકના ગામ ખરિયા કોચાની મુલાકાત લીધી હતી, ત્યારે સોમવારીએ આ પત્રકાર માટે સબર ભાષામાંથી હિન્દીમાં દુભાષિયા તરીકે કામ કરીને ઝારખંડ જિલ્લાના પૂર્વીય સિંહભૂમ વિસ્તારના સબર આદિવાસીઓથી વાત કરવામાં આ પત્રકારની મદદ કરી હતી. તેની માતૃભાષા સંતાલી ઉપરાંત, સોમવારી સબર, હો, હિન્દી અને બાંગ્લા ભાષાઓ પણ જાણે છે.







