ઉત્તર-પશ્ચિમ મહારાષ્ટ્રની સાતપુડા પહાડીઓ વચ્ચે આવેલા ફલાઈ ગામમાં એક ઘાસ છાયેલી ઝૂંપડીમાં આઠ વર્ષની શર્મિલા પાવરા મોટી કાતર, કાપડ, સોય અને દોરા લઈને તેના 'સ્ટડી ટેબલ' પર બેઠી છે.
ટેબલ પર એક જૂનું સિલાઈ મશીન છે, તેમાં તેના પિતાએ આગલી રાત્રે અધૂરું છોડી દીધેલું કપડું પડેલું છે. શર્મિલા તે ઉપાડે છે અને દરેક સાંધાનો બરોબર મેળ બેસાડી સીવવાનું શરૂ કરે છે, છે અને તેની સિલાઈકામની કુશળતાની મદદથી પેડલિંગ શરૂ કરે છે.
મહામારીના પગલે લોકડાઉનને કારણે માર્ચ 2020 માં તેની રહેણાક શાળા બંધ થઈ ત્યારથી નંદુરબાર જિલ્લાના તોરણમલ પ્રદેશના તેના દૂરના ગામમાં આ ટેબલ તેને માટે શીખવાનું સ્થળ બની ગયું છે. તે કહે છે, "મા અને બાબાને સિલાઈકામ કરતા જોઈને હું જાતે જ મશીન ચલાવતા શીખી ગઈ."
જો કે 18 થી ય વધુ મહિનાના અંતરાલ પછી શર્મિલા શાળામાં શું શીખી હતી તે તેને ભાગ્યે જ યાદ છે.
ફલાઈમાં કોઈ શાળા નથી. પોતાના બાળકોને શિક્ષણની તક આપવાની આશાએ જૂન 2019 માં શર્મિલાના માતાપિતાએ તેને તેમના ગામથી આશરે 140 કિલોમીટર દૂર નંદુરબાર શહેરમાં આવેલી અટલ બિહારી વાજપેયી ઇન્ટરનેશનલ રેસિડેન્શિયલ સ્કૂલમાં દાખલ કરાવી હતી. આ શાળા જિલ્લા પરિષદ દ્વારા સંચાલિત અને મહારાષ્ટ્ર ઇન્ટરનેશનલ એજ્યુકેશન બોર્ડ સાથે સંલગ્ન લગભગ 60 આશ્રમશાળાઓ (આખા મહારાષ્ટ્રમાં અનુસૂચિત જનજાતિ સમુદાયના બાળકો માટેની વિશેષ શાળાઓ) પૈકીની એક છે. 2018 માં રચાયેલ આ બોર્ડે 'આંતરરાષ્ટ્રીય સ્તરનું' શિક્ષણ પ્રદાન અપાતું હોવાનો દાવો કર્યો હતો, અભ્યાસક્રમ સ્થાનિક રીતે તૈયાર કરવામાં આવ્યો હતો અને શિક્ષણ મરાઠી માધ્યમમાં અપાતું હતું. (દરમિયાન બોર્ડને વિઘટિત કરી નાખવામાં આવ્યું છે અને હવે શાળાઓ રાજ્ય બોર્ડ હેઠળ આવે છે.)
















