શેનોલીમાં રેલ્વે લાઈનના એ ઐતિહાસિક સ્થળે, અમે કેટલાક સ્વાતંત્ર્ય સેનાનીઓ સાથે એ ઐતિહાસિક ઘટનાના સમ્માનમાં એક નાના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગરમીમાં બપોરે ૩ વાગે પણ ત્યાં ૨૫૦ લોકો એકઠા થઇ ગયા. ૮૦થી ૯૦ વર્ષની ઉંમર વાળા ઘણા લોકો રેલ્વે લાઈન પર એવી સ્ફૂર્તિથી ચાલી રહ્યા હતા જાણે બાળકો કોઈ પાર્કમાં ઉછળકૂદ કરી રહ્યા હોય. એમના માટે આ કે સંગમ હતો, સ્વાતંત્ર્ય સંગ્રામની જુદાજુદા પ્રવાહોનું મળવાનું સ્થળ. અને અહીંયા સશસ્ત્ર યુદ્ધના જૂના ક્રાંતિકારીઓ હતા, જેઓ ગોપાલ ગાંધીને હૂંફ સાથે ગળે મળી રહ્યા હતા અને ‘મહાત્મા ગાંધીની જય’ ના નારા લગાવતા હતા. ખાસ કરીને ૯૫ વર્ષના કેપ્ટન ભાઉ, જેમની આંખો ગર્વથી અશ્રુભીની હતી, બિમાર પણ હતા, પરંતુ સમારોહમાં ભાગ લેવા માટે કટિબદ્ધ હતા. ૯૪ વર્ષીય માધવરાય માણે, રેલ્વે લાઈન સાથે એક ઉત્સાહીત બાળકની જેમ દોડી રહ્યા હતા, અને હું તેમની પાછળ દોડી રહ્યો હતો કે કદાચ તેઓ પડી ન જાય. પરંતુ તેઓ પડ્યા નહીં, ન તો એમનું સ્મિત.
છેલ્લે અમે એ ઐતિહાસિક જગ્યાએ પહોંચ્યા, જેના ખૂણામાં સૈનિકોએ ૭૪ વર્ષ પહેલા ટ્રેનમાં ચડીને ટ્રેન રોકી હતી. અહિયાં એક નાનકડું સ્મારક છે. ક્રાંતિકારીઓ માટે નહીં, પણ બ્રિટીશ ભારતીય રેલ્વેએ એ હુમલાનો શોક મનાવવા માટે બનાવ્યું હતું. કદાચ, અત્યારે એની બાજુમાં બીજું એક સ્મારક બનાવવાનો સમય પાકી ગયો છે, એ દિવસનો સાચો અર્થ બતાવવા માટે.
પછી અમે લોકો કુંડલમાં એક મોટા કાર્યક્રમમાં ગયા, જે ૧૯૪૩માં પ્રતિ સરકારનું આસન હતી, શેનોલીથી અહિયાં પહોંચતા ૨૦ મિનીટ લાગે છે. આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક લોકો અને મૂળ સેનાનીઓના વંશજો એ કર્યું હતું - જીડી બાપુ લાડ, નાગ નાથ નાયકવાડી, નાના પાટિલ (પ્રતિ સરકારના આગેવાન) ના પરિવારજનો એ. ૧૯૪૩ના ચાર મહાન સેનાનીઓ પૈકી ફક્ત એક જ અત્યારે જીવિત છે, અને તેથી તેઓ આ કાર્યક્રમમાં શામેલ થઇ શક્યા, અને તે છે કેપ્ટન ભાઉ. એમના સિવાય અહિયાં નાના પાટિલના જીવિત અને વાચાળ દીકરી પણ હતા. હૌસાતાઈ પાટિલ, ઉગ્ર અંડરગ્રાઉન્ડ સેનાના સદસ્ય હતા. કેપ્ટન ભાઉ, એક મહાન વડીલ, જેઓ બરોબર બે દિવસ અગાઉ, રસ્તા પર હતા. હા, મહારાષ્ટ્રના પ્રદર્શનકારી ખેડૂતોના સમર્થનમાં. યાદ રાખો: ઘણાખરા સ્વાતંત્ર્ય સેનાનીઓ પોતે ખેડૂત કે ખેતમજૂરો હતા. જેવા કે એમના પરિવારના ઘણા લોકો આજે પણ છે.