થોડા સમય પહેલા મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલે તાલુકાના ખોચિ ગામના ખેડૂતો એક એકર ખેતીની જમીનમાં સૌથી વધુ શેરડીનું ઉત્પાદન કોણ કરશે તે અંગે એકબીજા સાથે હરીફાઈ કરતા હતા. ગામલોકોનું કહેવું છે કે આ રિવાજ લગભગ છ દાયકા જૂનો છે. આ એક પ્રકારની તંદુરસ્ત સ્પર્ધા હતી જે તેમાં સામેલ થનાર દરેકને માટે લાભદાયક નીવડતી: કેટલાક ખેડૂતો એકર દીઠ, સામાન્ય લણણી કરતાં લગભગ 1.5 ગણી, 80000-100000 કિલો શેરડી લણતા.
ઓગસ્ટ 2019 માં આવેલા પૂરને પગલે ગામના ઘણા ભાગો લગભગ 10 દિવસ સુધી પાણી હેઠળ ડૂબેલા રહ્યા હતા પરિણામે શેરડીના મોટા ભાગના પાકને નુકસાન પહોંચ્યું હતું અને વર્ષોથી ચાલી આવતો આ રિવાજ અચાનક બંધ થઈ ગયો હતો. બે વર્ષ પછી જુલાઈ 2021 માં ભારે વરસાદ અને પૂરને કારણે ફરી એકવાર ખોચિના શેરડી અને સોયાબીનના પાકનો ભારે વિનાશ થયો હતો.
ગણોતિયા તરીકે કામ કરતા અને ખોચિના રહેવાસી 42 વર્ષના ગીતા પાટીલ કહે છે, “હવે, ખેડૂતો હરીફાઈ નથી કરતા; તેને બદલે તેઓ પ્રાર્થના કરે છે કે તેમનો શેરડીનો ઓછામાં ઓછો અડધો પાક બચી જાય." એક સમયે ગીતા એવું માનતા હતા કે શેરડીનું ઉત્પાદન વધારવા માટેની તમામ તકનીકો પોતે શીખી લીધી છે, તેમણે આ બે પૂરમાં 8 લાખ કિલોથી વધુ શેરડી ગુમાવી હતી. તેઓ કહે છે, "કંઈક ગડબડ છે." તેમણે આબોહવા પરિવર્તનને ગણતરીમાં લીધું નહોતું.
તેઓ કહે છે, "[2019 માં પૂર આવ્યું ત્યારથી] વરસાદની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે." 2019 સુધી તેમનો એક નિશ્ચિત ક્રમ હતો. શેરડીની દરેક લણણી પછી જમીનના પોષકતત્ત્વો જળવાઈ રહે તે માટે સામાન્ય રીતે ઑક્ટોબર-નવેમ્બરની આસપાસ તેઓ એક અલગ પાકની - સોયાબીન, ભૂઈમૂગ (મગફળી), ચોખાની વિવિધ જાતો, એસ હાલુ (સંકર જુવાર) અથવા બાજરીની - ખેતી કરતા. તેમના જીવનમાં અને કામમાં એક નિશ્ચિત અને પરિચિત લય હતો. હવે એ રહ્યો નથી.
"આ વર્ષે [2022 માં] ચોમાસું એક મહિનો મોડું હતું. પરંતુ જેવો વરસાદ શરૂ થયો કે એક મહિનામાં જ ખેતરો લગભગ છલકાઈ ગયા." ઓગસ્ટમાં ભારે વરસાદના કારણે ખેતરોનો મોટો હિસ્સો લગભગ બે અઠવાડિયા સુધી પાણીની નીચે ડૂબેલો રહ્યો હતો; જે ખેડૂતોએ થોડા વખત પહેલા જ શેરડીની ખેતીની શરૂઆત કરી હતી તેમને વ્યાપક નુકસાન થયું કારણ કે વધુ પડતા પાણીને કારણે પાકનો વિકાસ રુંધાઈ ગયો અને પાકને નુકસાન પહોંચ્યું. પંચાયતે ચેતવણી જારી કરીને પાણીનું સ્તર વધુ વધે તો લોકોને તેમના ઘર ખાલી કરવા પણ જણાવ્યું હતું.



















