નાયકના પ્રવેશનું આ શ્રેષ્ઠ દ્રશ્ય છે. છ પુરુષો સમ ખાઈને કહે છે – પરિવહન, ભારે વજન ઉઠાવવાનું અને જોખમો એ બધું ધ્યાનમાં લેતા – ફણસનો વેપાર એ મહિલાઓનું કામ નથી તેની પાંચ જ મિનિટ પછી લક્ષ્મી દુકાનમાં પ્રવેશે છે. તેમણે પીળી સાડી પહેરી છે, ધોળા વાળનો અંબોડો વાળ્યો છે અને કાન અને નાકમાં સોનાના ઘરેણાં પહેર્યા છે. એક ખેડૂત આદરપૂર્વક જાહેર કરે છે, "તેઓ આ ધંધામાં સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ છે,".
"અમારા ઉત્પાદનોની કિંમત તેઓ જ નક્કી કરે છે."
65 વર્ષના એ. લક્ષ્મી પનૃત્તિમાં ફણસના એક માત્ર મહિલા વેપારી છે - અને કોઈપણ કૃષિ વ્યવસાયમાં ખૂબ જ જૂજ વરિષ્ઠ મહિલા વેપારીઓ પૈકીના એક છે.
તમિળનાડુના કડ્ડલોર જિલ્લાનું પનૃત્તિ નગર તેના ફણસ માટે જાણીતું છે. અહીં મોસમ દરમિયાન દરરોજ સેંકડો ટન ફણસ ખરીદાય છે અને વેચાય છે. લક્ષ્મી દર વર્ષે શહેરની ફણસની મંડીઓ તરીકે કામ કરતી 22 દુકાનોમાં વેચવામાં આવતા હજારો કિલો ફણસની કિંમત નક્કી કરે છે. ખરીદનાર પાસેથી તેમને થોડું કમિશન – દર 1000 ફણસદીઠ 50 રુપિયા - મળે છે. મન થાય તો ખેડૂતો તેમને કદાચ થોડીઘણી રકમ ચૂકવે પણ ખરા. તેમના અંદાજ મુજબ, મોસમ દરમિયાન તેમની દૈનિક આવક 1000 થી 2000 રુપિયાની વચ્ચે હોય છે.
આટલું કમાવા તેઓ 12 કલાક કામ કરે છે. તેમનું કામ રાત્રે 1 વાગ્યે શરૂ થાય છે. લક્ષ્મી સમજાવે છે, “જો ત્યાં વધારે સરક્ક [માલ] હોય, તો વેપારીઓ મને લેવા વહેલા ઘેર આવે છે.” તેઓ મોડામાં મોડા રાત્રે 3 વાગ્યે ઓટોરિક્ષામાં મંડી પહોંચી જાય છે. તેમનો કામનો 'દિવસ' બપોરે 1 વાગ્યા સુધી ચાલે છે, ત્યારબાદ તેઓ ઘેર જાય છે, ખાય છે અને બજારમાં પાછા જવાનો સમય ન થાય ત્યાં સુધી આરામ કરે છે…
કલાકોના કલાકો સુધી વાતો કરવાને કારણે અને બૂમો પાડવાને કારણે લક્ષ્મીનો અવાજ કર્કશ થઈ ગયો છે. તેઓ મને કહે છે, "મને ફણસ ઉગાડવા વિશે ઝાઝી ખબર નથી." તેઓ વિનમ્રતાથી કહે છે, "પણ હું વેચાણ વિશે થોડુંઘણું જાણું છું." આખરે તેઓ ત્રણ દાયકાથી વેપારી છે, અને તે પહેલાં, 20 વર્ષ સુધી, તેમણે ચાલતી ટ્રેનોમાં ફણસ વેચ્યા છે.















