સવારના 8 વાગ્યે પણ શાંત એવા એક રસ્તાના ખૂણા પરથી જોરથી ઠક-ઠક અવાજ સંભળાય છે. બાલપ્પા ચંદર ધોત્રે ફુટપાથ પર બેઠા છે, તેમની આજુબાજુમાં મોટા-મોટા પથ્થરો છે, જેની પર તેમની હથોડી ઠોકાઈ રહી છે. તેમની કામચલાઉ ‘વર્કશૉપ’ પાછળ પાર્ક કરાયેલ રિક્ષાઓ અને સ્કૂટરો ટૂંક સમયમાં કામ પર રવાના થઈ જશે. ધોત્રે પણ કેટલાંક કલાકો પછી અહીંથી ચાલતા થશે – તેઓએ ઉત્તર મુંબઈના કાંદિવલી પૂર્વ પરામાં ફુટપાથ પર બેસીને બનાવેલ પથ્થરના ખલ-દસ્તા લઈ ને.
એક ખલ– કે પછી ખલ અને દસ્તો – જે ચટણી અને મસાલા પીસવા માટે વપરાય છે, તે કોરવામાં તેમને લગભગ એક કલાક લાગે છે. તેઓ તેને કલ્લુ રુબ્બુ કહે છે, જેનો કન્નડમાં પથ્થરનું ખાંડણિયુ એવો અર્થ થાય છે, અથવા પછી મરાઠીમાં તેઓ તેને ખલબટ્ટા કહે છે. એકવાર તેમનું કામ પૂરું થઈ જાય, પછી તેઓ તેને એક મજબૂત રેક્ઝિનની થેલીમાં મૂકે છે – સામાન્ય રીતે 2થી 3 ખાંડણિયા, જેમાંથી દરેકનું વજન 1 અને 4 કિલોની વચ્ચે હોય છે-- અને ફૂટપાથ પરની એમની વોર્કશોપથી નીકળી નજીકના વિસ્તારોમાં ચાલવા લાગે છે. ત્યાં, વ્યસ્ત રસ્તાઓના ખૂણે, તેઓ ‘દુકાન’ માંડે છે. કેટલીક વાર તેઓ કેટલોક કાળો પથ્થર હાથવગો રાખે છે. જો કોઈ વધુ ગ્રાહકો ખાંડણિયાની માંગણી કરતા આવે, તો તેઓ પથ્થરને ત્યાંજ કોરી આપે છે.
“તેઓ મને પથ્થરવાલા જ કહે છે,” ધોત્રે કહે છે.
તેઓ પથ્થરના નાના ખાંડણિયા રૂ.200ની કિંમતે વેચે છે અને મોટા રૂ. 350-400માં. “કેટલાંક અઠવાડિયામાં હું રૂ. 1,000-1,200 કમાઈ લઉં છુ. કેટલીક વાર, હું કંઈ જ કમાતો નથી,” તેઓ કહે છે. ખરીદનારાઓ સામાન્ય રીતે એવા લોકો હોય છે જેમને વીજળીથી ચાલતું ગ્રાઇન્ડર પોસાતું નથી, અથવા તો જે પોતાના ડ્રૉઇંગરૂમના શોકેસમાં આ વસ્તુ દેખાડવા માંગતા હોય, કે પછી, બાલપ્પાનાં પત્ની, નગુબાઈની જેમ પથ્થરનું ખાંડણિયું વાપરવાનું વધુ પસંદ કરતા હોય. "મને મિક્સી [વીજળીથી ચાલતું મિક્સર] ગમતું નથી,”તેઓ કહે છે. “એમાં કંઇ સ્વાદ હોતો જ નથી. આ [કલ્લુ] ખાવાનાને સારો સ્વાદ આપે છે, તે તાજું હોય છે."








