કનકા પોતાનો હાથ ચીંધીને કહે છે, “મારા પતિ શનિવારે દારૂની આટલી મોટી ત્રણ બોટલો ખરીદે છે. તે એને બે-ત્રણ દિવસો સુધી પીવે છે અને જ્યારે બોટલો પૂરી થઇ જાય, પછી જ કામે જાય છે. ખાવા માટે ક્યારેય પૂરતા પૈસા નથી રહેતાં. હું ભાગ્યેજ મારી જાતને અને મારા બાળકોને ખવડાવી શકું છું, અને મારા પતિને હજુ બીજું બાળક જોઈએ છે. મારે આવું જીવન નથી જોઈતું!” તે નિરાશાપૂર્વક ઉમેરે છે.
૨૪ વર્ષીય કનકા (નામ બદલેલ) બેટ્ટા કુરુમ્બા આદિવાસી સમુદાયની એક માતા છે, જેઓ ગુડલુરની આદિવાસી હોસ્પિટલમાં ડોક્ટરની વાટ જોઈ રહી છે. ઉધાગામંડલમ (ઉટી)થી ૫૦ કિલોમીટર દૂર ગુડલુર શહેરમાં આવેલી આ ૫૦ બેડ વાળી હોસ્પિટલ, તમિલનાડુના નીલગીરી જિલ્લામાં ગુડલુર અને પંથાલુર તાલુકાના ૧૨,૦૦૦થી વધારે આદિવાસીઓને સેવાઓ પૂરી પાડે છે.
પાતળાં બાંધાના અને ઊડી ગયેલા રંગની સિન્થેટિક સાડી પહેરેલી કનકા અહિં એમની એકની એક દીકરી માટે આવ્યા છે. અગાઉના મહીને હોસ્પિટલથી ૧૩ કિલોમીટર દૂર, એમના કંપામાં કરવામાં આવેલી નિયમિત તપાસ દરમિયાન, નીલગીરીમાં આરોગ્ય કલ્યાણ સંઘ (અશ્વિની)ના એક સ્વાસ્થ્ય કાર્યકર, કનકાની બે વર્ષની બાળકીને જોઇને સ્તબ્ધ થઇ ગયા હતા. કારણ કે, તેનું વજન ફક્ત ૭.૨ કિલો જ હતું (૨ વર્ષના બાળકનો આદર્શ વજન ૧૦-૧૨ કિલો હોય છે). આટલું વજન હોવાને લીધે તે ગંભીર રીતે કુપોષણનો શિકાર થયેલાની શ્રેણીમાં આવી જાય છે. આરોગ્ય કર્મચારીએ કનકા અને તેની પુત્રીને તાત્કાલિક હોસ્પિટલની મુલાકાત લેવા વિનંતી કરી હતી.
કનકાને પોતાના પરિવારનો ગુજારો કરવા માટે જેટલી મહેનત કરવી પડે છે એ જોતા, બાળકીનું કુપોષણ કંઈ નવાઈની વાત નથી. તેમના પતિની ઉંમર આશરે ૨૦ એક વર્ષ છે, અને તેઓ નજીકના ચા, કોફી, કેળા અને મરચાંના બગીચાઓમાં અઠવાડિયામાં થોડા દિવસ મજુરી કરીને રોજના ૩૦૦ રૂપિયા કમાય છે. કનકા કહે છે, “તે ખાવા પીવા માટે મને મહીને ફક્ત ૫૦૦ રૂપિયા જ આપે છે. આટલા રૂપિયામાંથી જ મારે આખા પરિવારનો ખાવાનો બંદોબસ્ત કરવો પડે છે.”
કનકા અને એમના પતિ, એમના કાકા અને કાકી સાથે રહે છે, જે બંને ૫૦ વર્ષ આસપાસના દૈનિક મજૂર છે. બંને પરિવારના મળીને કુલ બે રેશન કાર્ડ છે, જેથી તેમને દર મહીને મફત ૭૦ કિલો ચાવલ, બે કિલો દાળ, બે કિલો ખાંડ, અને બે લીટર તેલ રાહત દરે મળે છે. કનકા કહે છે, “ક્યારેક-ક્યારેક મારા પતિ દારૂ લેવા માટે રેશનના ચાવલ પણ વેચી દે છે. અમુકવાર અમારી પાસે ખાવા માટે કંઈ નથી હોતું.”











