નાળિયેરની એક પડી ગયેલી ડાળીને જમીન પર પટકીને તંકમ્મા નાળિયેરના ઝાડ નીચે તેમના આગમનની ઘોષણા કરે છે. આ ગાઢ વેલાઓ, તૂટેલી ડાળીઓ અને ઊંચા નાળિયેરના ઝાડ નીચેના જંગલી ઘાસમાં કોઈ વન્યજીવ પર પગ ન દઈ બેસે તેની કાળજી રાખતાં તેઓ તેમના રસ્તા પર આગળ વધતાં કહે છે, “હું આ ગીચ ઝાડી−ઝાંખરમાં કાળજીપૂર્વક પ્રવેશ કરું છું, અને લાકડી પટકીને અવાજ કરું છું, જેથી કરીને જો ત્યાં કોઈ સાપ હોય તો તે દૂર થઈ જાય.”
એર્નાકુલમનો ઝાડી−ઝાંખરાનો આ પટ્ટો એક હાઉસિંગ કોલોનીમાં જમીનના ખાલી પ્લોટ પર વિકસ્યો છે. આવી અવાવરી જગ્યાઓમાંથી ઝાડ પરથી પડી ગયેલાં વધારાનાં નાળિયેર શોધીને તેને વેચીને પોતાનું ગુજરાન ચલાવતાં આ 62 વર્ષીય કહે છે, “રસ્તામાં [સારાં] નાળિયેર મળી આવવાં એ જાણે કે નસીબ ખુલી જવા સમાન છે.” નાળિયેર એ મલયાલી રાંધણકળામાં એક મુખ્ય ઘટક છે, જેના લીધે આખા વર્ષ દરમિયાન આ ફળની માંગ રહે છે.
ઊંચા વધેલા ઘાસની વચ્ચે પોતાનો રસ્તો બનાવીને ધીમે ધીમે આગળ વધતાં તંકમ્મા કહે છે, “પહેલાં હું મારું દૈનિક કામ પૂરું કરીને પછી આ પાડોશ [પુઠિયા રોડ જંકશન] માંથી નાળિયેર એકઠાં કરતી હતી, પરંતુ હવે મારી બીમારીના લીધે હું કામ કરી શકતી નથી.” તેઓ થોડી થોડી વારે શ્વાસ લેવા માટે રોકાય છે, અને બપોરના સખત તડકાથી પોતાની આંખો બચાવતાં ઉપર નાળિયેર તરફ નજર માંડે છે.
પાંચ વર્ષ પહેલાં, તંકમ્માને શ્વાસ લેવામાં તકલીફ, તીવ્ર થાક અને થાઇરોઇડ સંબંધિત અન્ય તકલીફો થવા લાગી હતી. આનાથી તેમને ઘરેલું કામદાર તરીકેની તેમની નોકરી છોડવાની ફરજ પડી અને તેમની 6,000 રૂપિયાની માસિક આવકથી પણ હાથ ધોવા પડ્યા. રોજની આવક પર નિર્ભર હોવાથી, તંકમ્માને ઘેર બેસવું પોસાય તેમ નહોતું, તેથી તેમણે પાડોશના ઘરોમાં કચરા પોતું કરવું અને સફાઈ કરવા જેવા ઓછા થકવે તેવા કામો કરવાનું શરૂ કર્યું. પરંતુ, કોવિડ–19 મહામારી ત્રાટકયા પછી, તે કામ પણ બંધ થઈ ગયું.














