૧૬ જૂન, ૨૦૨૨ની રાત્રે, લબા દાસ, આસામના નગાંવ ગામના અન્ય લોકોની જેમ, નનોઈ નદીના કિનારે રેતીની બોરીઓથી પાળ બાંધી રહ્યા હતા. તેમને ૪૮ કલાક પહેલા જ કહેવામાં આવ્યું હતું કે, બ્રહ્મપુત્રાની ઉપનદીનો કિનારો તૂટવાની અણી પર છે. નદીના કાંઠે વસેલા દારંગ જિલ્લાના આ ગામોને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રેતીની બોરીઓ પૂરી પાડવામાં આવી હતી.
બાંધના તૂટવા વિષે સિપાઝર બ્લોકમાં આવેલા નગાંવ ગામના હીરા સુબુરી નેસના રહેવાસી, લાબા કહે છે, “બાંધ [૧૭ જૂનની] સવારે ૧ વાગ્યાની આસપાસ તૂટી ગયો હતો. અમે લાચાર હતા કારણ કે તે અલગ અલગ જગ્યાઓથી તૂટી રહ્યો હતો.” એ વખતે ત્યાં છેલ્લા પાંચ દિવસથી મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, પણ રાજ્ય તો મહિનાની શરૂઆતથી જ દક્ષિણપશ્ચિમી ચોમાસાનો સામનો કરી રહ્યું હતું. ભારતીય હવામાન વિભાગે ૧૬-૧૮ જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં ‘અત્યંત ભારે વરસાદ’ (એક દિવસમાં ૨૪૪.૫ મીમીથી વધુ અથવા તેનાથી વધુ) ની આગાહી કરતા રેડ એલર્ટ જારી કર્યું હતું.
૧૬ જૂનની રાત્રે લગભગ ૧૦:૩૦ વાગ્યે, નગાંવથી એક કિલોમીટર દક્ષિણમાં આવેલા ખાસદિપિલા ગામના કાલિતાપરા નેસમાં પણ નનોઈ ઉપનદી જબરદસ્ત પ્રવાહ સાથે ધસી આવી. જયમતિ કલિતા અને તેમના પરિવારે પૂરમાં બધું ગુમાવી દીધું. તાડપત્રીથી બનાવેલા અને ટીનની છત વાળા કામચલાઉ આશ્રયની બહાર બેસીને તેઓ કહે છે, “એક ચમચી પણ બચી ન હતી. અમારું ઘર, અનાજનો ભંડાર અને ગૌશાળા જોરદાર પ્રવાહમાં ધોવાઈ ગયા.”
આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના પૂર અહેવાલ મુજબ, ૧૬ જૂનના વરસાદથી રાજ્યના ૨૮ જિલ્લાઓમાં લગભગ ૧૯ લાખ (૧.૯ મિલિયન) લોકો પ્રભાવિત થયા હતા. દરંગ જિલ્લો, કે જ્યાં લગભગ ૩ લાખ લોકો પ્રભાવિત થયા હતા, તે સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત થયેલા ત્રણ જિલ્લાઓ માંહેનો એક હતો. જ્યારે નનોઈ ઉપનદી તેના કાંઠે વહેતી થઈ ત્યારે રાજ્યની અન્ય છ નદીઓ - બેકી, માનસ, પાગલાડિયા, પુથિમરી, જિયા-ભારાલી અને બ્રહ્મપુત્રા - જોખમના નિશાનથી ઉપર વહી રહી હતી. તે પછી એક અઠવાડિયા કરતાં પણ વધુ સમય સુધી વરસાદે રાજ્યમાં તબાહી મચાવી હતી.

























