1970નું વર્ષ દાદુ સાલ્વેના જીવનમાં નિર્ણાયક બની રહ્યું. તેઓ ડૉ. આંબેડકરની સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય ચળવળને મહારાષ્ટ્રના ખૂણે ખૂણે અને તેથીય આગળ લઈ જવાનું કામ કરી રહેલા ગાયક વામનદાદા કરડકને મળ્યા. વામનદાદાએ પોતાના અંતિમ શ્વાસ સુધી આ કામ કર્યું હતું.
75 વર્ષના માધવરાવ ગાયકવાડ વામનદાદા કરડકના કામ સંબંધિત સામગ્રી એકત્ર કરે છે. તેઓ જ દાદુ સાલ્વેને વામનદાદાને મળવા લઈ ગયા હતા. માધવરાવ અને તેમના પત્ની, 61 વર્ષના સુમિત્રાએ વામનદાદાએ જાતે લખેલા 5000 થી વધુ ગીતો એકત્ર કર્યા છે.
માધવરાવ કહે છે, “તેઓ 1970માં નગર આવ્યા હતા. તેઓ આંબેડકરના કામ અને સંદેશને ફેલાવવામાં મદદ કરવા ગાયન પાર્ટી શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સુક હતા. દાદુ સાલ્વે આંબેડકર વિશે ગાતા હતા, પરંતુ તેમની પાસે સારા ગીતો બહુ ઓછા હતા. તેથી, અમે ગયા, વામનદાદાને મળ્યા અને તેમને કહ્યું, 'અમારે તમારા ગીતોની જરૂર છે'."
વામનદાદાએ પ્રતિભાવ આપતા કહ્યું કે તેમણે ક્યારેય તેમનું કામ એક જગ્યાએ એકસાથે ભેગું કરીને રાખ્યું નથી: "હું લખું છું, રજૂ કરું છું, અને તેને ત્યાં જ છોડી આગળ વધુ છું."
માધવરાવ યાદ કરે છે કે, “આવો ખજાનો વેડફતો જોઈને અમે દુઃખી દુઃખી થઈ ગયા. તેમણે [વામનદાદાએ] પોતાનું આખું જીવન આંબેડકરવાદી ચળવળને સમર્પિત કરી દીધું હતું.”
તેમના કામનો એક વ્યવસ્થિત સંગ્રહ કરવા આતુર માધવરાવ જ્યાં જ્યાં વામનદાદા કાર્યક્રમ રજૂ કરતા હતા ત્યાં દાદુ સાલ્વેને લઈ જવા લાગ્યા: “દાદુ હાર્મોનિયમ પર તેમની સંગત કરતા, અને તેઓ જે જે ગીતો ગાતા એ હું લખી લેતો. તેઓ જેમ જેમ ગાતા તેમ તેમ હું લખતો જતો."
તેમણે 5000 થી વધુ ગીતો પ્રકાશિત કર્યા. તેમ છતાં લગભગ 3000 ગીતો એવા છે જે હજી સુધી પ્રકાશિત થયા નથી, જેનો પ્રચાર-પ્રસાર થયો નથી, લોકો સુધી પહોંચ્યા નથી. તેઓ ઉમેરે છે, "હું પૈસાની ખેંચને લીધે એ કરી શક્યો નહીં. પરંતુ મારે કબૂલ કરવું જ જોઈએ કે આંબેડકરવાદી ચળવળના આ જ્ઞાન અને ડહાપણને માત્ર દાદુ સાલ્વેના કારણે જ હું સાચવી શક્યો છું."
દાદુ સાલ્વે વામનદાદાના કામથી એટલા પ્રેરિત થયા કે તેમણે એક નવું જૂથ શરૂ કરવાનું નક્કી કર્યું, જેને કલા પાઠક પણ કહેવાય છે. તેમણે શંકર તબાજી ગાયકવાડ, સંજય નાથા જાધવ, રઘુ ગંગારામ સાલ્વે અને મિલિંદ શિંદેને આ જૂથમાં જોડ્યા. આ જૂથ ભીમ સંદેશ ગાયન પાર્ટી, આંબેડકરનો સંદેશ ફેલાવતું સંગીત જૂથ, કહેવાતું.
તેઓએ એક લક્ષ્ય હાંસલ કરવા ગાયું હતું અને તેથી તેમના કાર્યક્રમો સરળ, કોઈના પ્રત્યે કોઈ પ્રકારના દ્વેષ વિનાના હતા.
દાદુ અમારે માટે આ ગીત ગાય છે: