રામ અડેલુ ગંડેવાડ હંમેશા ચિંતિત અને વ્યથિત રહે છે અને તેનું કારણ તેઓ જાણે છે. કોવિડ -19 ની ભયાનક બીજી લહેર ભલે શમી ગઈ હોય, પણ તેઓ તેની કડવી યાદોને ભૂલાવી શકે તેમ નથી. તેઓ કહે છે, "છેલ્લા થોડા વખતથી સ્મશાનભૂમિ વ્યસ્ત નથી. પણ ત્રીજી લહેર આવે તો? હું ફરી એક વાર આ સર્વનાશના દ્રશ્યોમાંથી પસાર થવાની કલ્પના પણ કરી શકતો નથી. ”
60 વર્ષના રામ મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરમાં કપિલધર સ્મશાનગૃહમાં એક સ્મશાન કર્મચારી તરીકે નોકરી કરે છે. તેઓ તેમના પરિવાર: તેમના 78 વર્ષના માતા આદિલબાઈ; 40 વર્ષના પત્ની લક્ષ્મી, અને તેમની ચાર દીકરીઓ 18 વર્ષની રાધિકા, 12 વર્ષની મનીષા, 10 વર્ષની સત્યશીલા અને 3 વર્ષની સારિકા - સાથે સ્મશાનગૃહ પરિસરમાં રહે છે. રાધિકાના 22 વર્ષના પતિ ગણેશ પણ તેમની સાથે રહે છે.
સ્મશાનભૂમિનું સંચાલન કરવાનું કામ રામનું છે. "હું મૃતદેહો માટે ચિતા તૈયાર કરું છું, મૃતદેહ બળી ગયા પછી ચિતાભસ્મ સાફ કરું છું, અને એવા બીજા ઘણા કામ કરું છું." ગણેશ તેને આ કામમાં મદદ કરે છે. રામ કહે છે, “આ કામ માટે [ઉસ્માનબાદ] મ્યુનિસિપલ કાઉન્સિલ તરફથી અમને મહિને 5000 રુપિયા મળે છે.” તેઓ બંને દ્વારા કરવામાં આવેલા કામ માટેની ચૂકવણીની આ રકમ એ પરિવારનો એકમાત્ર આવકનો સ્રોત છે.
મૂળ - ઉસ્માનાબાદ શહેરથી 200 કિલોમીટરથી વધુ દૂર આવેલા - નાંદેડના રહેવાસી રામ પોતાના પરિવાર સાથે લગભગ 12 વર્ષ પહેલાં અહીં રહેવા આવ્યા હતા. તેઓ મહારાષ્ટ્રમાં વિચરતી જનજાતિ તરીકે વર્ગીકૃત મસાણજોગી સમુદાયના છે. મસાણજોગીઓ પરંપરાગત રીતે સ્મશાન કામદારો અને ભિક્ષા માંગનારા રહ્યા છે. ગંડેવાડ પરિવારની જેમ જ કેટલાક પરિવારો સ્મશાનભૂમિમાં અને દફન સ્થળોએ રહે છે.









