તેલંગાણાના સંગારેડ્ડી જીલ્લાના અન્નારામ ગામમાં ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા કુની તમાલિયા પૂછે છે કે, “મારી પાસે મોબાઈલ ફોન નથી, હું કઈ રીતે સરકારમાં નોંધણી કરાવી શકું?” તેઓ વિચારતા હતા કે અમે તેમને અને તેમના બાળકોને પાછા તેમને ઘેર ઓરિસ્સા લઈ જનાર ખાસ શ્રમિક ટ્રેન માટે તેમનું નામ નોંધવા આવ્યા છીએ કે શું.
પરપ્રાંતીય કામદારોએ તેલંગાણા સરકારની વેબસાઇટ પર પરિવહન માટેની વિનંતી નોંધાવવા માટે મોબાઇલ ફોન નંબર આપવો આવશ્યક છે – અને ઓડીશા સરકારે પણ પરત ફરી રહેલા કામદારો માટે આવું રાખ્યું છે.
કુની તેમના ૧૫ વર્ષીય દીકરા ભક્તા અને ૯ વર્ષીય જગન્નાથ તરફ ચિંતાની નજરે જોઇને કહે છે કે, “હું તો તેમના આધાર કાર્ડ પણ ગામમાં રાખીને આવી છું. શું તેમને ટ્રેનમાં બેસવા મળશે?” કુની કહે છે કે તેઓ લગભગ ૪૦ વર્ષના છે, જો કે તેમની આધાર કાર્ડમાં ઉંમર ૬૪ વર્ષ છે. “હું નથી જાણતી કે આ કાર્ડમાં શું લખ્યું છે; તેઓ એ બધું ફક્ત કમ્પ્યુટરમાં મૂકી દે છે.”
તેમણે નવેમ્બર ૨૦૧૯માં ભઠ્ઠીમાં કામ શરુ કર્યું હતું અને મે મહિનાના અંત સુધીમાં કામ પતાવીને ઓડીશા પરત ફરવાના હતા. પરંતુ, લોકડાઉને વિધવા કુની કે જેઓ પ્રથમ વખત જ ઇંટોના ભઠ્ઠામાં કામ કરી રહ્યાં છે તેમની અનિશ્ચિતતાઓમાં વધારો કરી દીધો છે. તેમને અને તેમના બાળકોને બૌધ જીલ્લાના કાન્તામલ બ્લોકમાં આવેલ તેમના ગામ દેમુહાનીથી ટ્રકમાં ગુમ્માદીદાલા મંડળના અન્નારામમાં લાવવામાં આવ્યા હતા.
કુની તેમના બાળકો સાથે અન્નારામ આવ્યા તેના થોડા અઠવાડિયાઓ પછી ૪૨ વર્ષીય સુમિત્રા પ્રધાન પણ તેમના ૪૦ વર્ષીય પતિ ગોપાલ રાઉત અને પાંચ બાળકો સાથે ઓડીશાથી ત્યાં આવ્યા. તેઓ બલાનગીરના તીતલાગર બ્લોકના સગડઘાટ ગામમાંથી છેલ્લા ૭-૮ વર્ષથી ભઠ્ઠામાં આવે છે. તેમનો સૌથી મોટો પુત્ર ૨૦ વર્ષીય રાજુ પણ તેમના માતાપિતા સાથે કામ કરે છે. તેઓએ ઘર છોડ્યું એ પહેલા તેમના કોન્ટ્રાક્ટરે ઇંટો ઉચકવાના કામ બદલ ત્રણેના મળીને કુલ ૭૫૦૦૦ રૂપિયા અગોતરા આપ્યા હતા.







