એ આંગળીના નખથીય નાની છે, ને છતાં દરેક કળી ઝાંખી સફેદ અને સુંદર છે. ખેતરમાં ક્યાંક ક્યાંક ખીલેલાં ફૂલો ચમકે છે, ફૂલોની તીવ્ર સુગંધ શ્વાસને ભરી દે છે. આ મોગરાનું ફૂલ એક ભેટ છે - ધૂળ ભરેલી ધરતીની, મજબૂત છોડની અને વાદળોથી છવાયેલા આકાશની.
પરંતુ અહીંના શ્રમિકો પાસે તેની મોહકતા માણવાનો સમય નથી. તેમણે તો મલ્લી (મોગરા) ને એ ખીલે તે પહેલાં પુકડાઈ (ફૂલ બજાર) માં પહોંચાડવાના છે. વિનાયક ચતુર્થી, ભગવાન ગણેશના જન્મદિવસ આડે હવે માત્ર ચાર દિવસ બાકી છે, એનો અર્થ કે તમે સારા ભાવ મળશે એવી આશા રાખી શકો.
ફક્ત તેમના અંગૂઠા અને પહેલી આંગળીની મદદથી પુરુષો અને મહિલાઓ ઝડપથી કળીઓ ચૂંટે છે. તેમણે સાડીઓ અથવા ધોતીઓને વળ ચડાવીને કેડે ખોસીને એક ઝોળી જેવું બનાવી દીધું છે. મુઠ્ઠી ભરાય એટલી કળીઓ ભેગી થાય એટલે તેઓ તેને એ ઝોળીમાં ઠાલવે છે અને પછીથી તેને બોરીઓમાં ખાલી કરે છે. આ આખું કામ ચોકસાઈવાળું છે: પૂર્વના આકાશમાં સૂર્ય હજી તો ધીમે ધીમે ઊગી રહ્યો છે. ત્યાં તો તેઓ ખેતરમાં ફરતા, ડાળીઓ ખસેડતા (ખરરર, ખરરર), કળીઓ ચૂંટતા (ટક, ટક, ટક), ત્રણ વર્ષના ભૂલકાં જેટલા ઊંચા છોડ પાસે એક પછી એક જતા, વધુ ફૂલો ચૂંટતા, ગપસપ કરતા અને રેડિયો પર જાણીતા તમિળ ગીતો સાંભળતા આગળ વધે છે.
થોડા જ વખતમાં આ ફૂલો મદુરાઈ શહેરના મટ્ટુતવાની બજારમાં અને ત્યાંથી તમિળનાડુના બીજા નગરોમાં પહોંચશે. અને ક્યારેક વિશાળ મહાસાગર પાર કરી દૂર દેશાવરમાં.
પારીએ 2021, 2022 અને 2023 માં મદુરાઈ જિલ્લાના તિરુમંગલમ અને ઉસીળમપટ્ટી તાલુકાની મુલાકાત લીધી હતી. ગાડી ચલાવીને જાઓ તો મોગરાના ખેતરો મદુરાઈ શહેરથી માંડ એક કલાક દૂર છે - આ મદુરાઈ શહેરમાં પ્રતિષ્ઠિત મીનાક્ષી અમ્માનું મંદિર અને ધમધમતું ફૂલ બજાર છે - જ્યાં (અનુક્રમે) મુઠ્ઠીભર મલ્લી અને ઢગલેઢગલા મલ્લી વેચાય છે.




























