ચોમાસાનો પહેલો વરસાદ સાનિયા મુલ્લાની માટે હંમેશા તેમના જન્મ દિવસ સાથે જોડાયેલી ભવિષ્યવાણીની યાદ અપાવનાર હોય છે.
તેમનો જન્મ જુલાઈ 2005 માં આવેલા જીવલેણ પૂરના એક અઠવાડિયા પછી થયો હતો, આ પૂરે મહારાષ્ટ્રમાં 1000 થી વધુ લોકોના જીવ લીધા હતા અને 2 કરોડ લોકોને અસર પહોંચાડી હતી. “તેનો જન્મ પૂર દરમિયાન થયો છે; તે તેનો મોટાભાગનો સમય પૂરમાં જ વિતાવશે,” લોકોએ તેના માતાપિતાને કહ્યું હોવાનું કહેવાય છે.
જુલાઈ 2022 ના પહેલા અઠવાડિયામાં ભારે વરસાદ શરૂ થયો ત્યારે સત્તર વર્ષના સાનિયાને ફરીથી આ વાત યાદ આવી. મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના હાતકણંગલે તાલુકામાં આવેલ ભેંડવડે ગામના રહેવાસી સાનિયા કહે છે, "જ્યારે જ્યારે હું પાની વાઢત ચાલલંય [પાણીનું સ્તર વધી રહ્યું છે] સાંભળું છું ત્યારે મને ડર લાગે છે કે કદાચ ફરી વધુ એક પૂર આવશે." આ ગામ અને તેના 4686 રહેવાસીઓએ 2019 થી બે વિનાશક પૂર જોયા છે.
સાનિયા યાદ કરે છે, "ઓગસ્ટ 2019 ના પૂર દરમિયાન માત્ર 24 કલાકમાં અમારા ઘરમાં સાત ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું." ઘરમાં પાણી ભરાવાનું શરૂ થતાંની સાથે જ મુલ્લાની પરિવાર ઘરની બહાર નીકળી જઈ શક્યો હતો પરંતુ આ ઘટનાએ સાનિયાને ઊંડો આઘાત અને દુઃખ પહોંચાડ્યા હતા.
જુલાઈ 2021 માં તેમના ગામમાં ફરીથી પૂર આવ્યું. આ વખતે આ પરિવાર ત્રણ અઠવાડિયા માટે ગામની બહાર પૂર રાહત શિબિરમાં સ્થળાંતરિત થયો હતો, ગામના સત્તાધિકારીઓ દ્વારા ગામમાં પાછા ફરવું સુરક્ષિત ગણાવવામાં આવ્યા પછી જ તેઓ ઘેર પરત ફર્યા હતા.
તાઈકવાન્ડો ચેમ્પિયન સાનિયાની બ્લેક બેલ્ટ ધારક ખેલાડી બનવાની તાલીમ 2019 ના પૂરને કારણે ખોરંભે પડી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેઓ થાક, બેચેની, ચીડિયાપણું અને વધુ પડતી ચિંતા અનુભવી રહ્યા છે. તેઓ કહે છે, "હું મારી તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરી શકતી નથી. મારી તાલીમનો બધો આધાર હવે વરસાદ પર છે."





















