તેઓ ઝડપી મેલેરિયા ટેસ્ટ કીટ શોધવા તેમની બેગમાંની વસ્તુઓ આઘીપાછી કરી બેગ ફંફોસે છે. બેગમાં દવાઓ, સલાઈનની બોટલો, આયર્ન સપ્લીમેન્ટ્સ, ઇન્જેક્શન, બીપી માપવાનું મશીન અને બીજું ઘણું ઠાંસી ઠાંસીને ભરેલું છે. જે મહિલાનો પરિવાર બે દિવસથી તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે મહિલા પલંગ પર થાકેલા સૂતા છે, તેમને ખૂબ તાવ છે. તેમનું પરીક્ષણ પોઝિટિવ આવે છે.
તેઓ ફરી એકવાર તેમની બેગ ફંફોસે છે, આ વખતે ઇન્ટ્રાવિનસ (આઈવી) સોલ્યુશન – 500 મિલી ડેક્સ્ટ્રોઝ સલાઈન - ની બોટલ શોધવા. મહિલાના પલંગ પર ચડીને તેઓ છતની એક બાજુથી બીજી બાજુ સુધી જતા બીમની આસપાસ કાળજીપૂર્વક પ્લાસ્ટિકની દોરી બાંધે છે, અને ઝડપથી ફટાફટ એક આઈવી બોટલને તેની સાથે બાંધી દે છે.
35 વર્ષના જ્યોતિ પ્રભા કિસ્પોટ્ટા જેઓ છેલ્લા 10 વર્ષથી ઝારખંડના પશ્ચિમી સિંઘભૂમ જિલ્લામાં અને તેની આસપાસના ગામડાઓમાં તબીબી સેવાઓ આપી રહ્યા છે, તેઓ ન તો પ્રશિક્ષણ-પ્રાપ્ત અનુભવી ડોક્ટર છે કે ન તો પ્રશિક્ષિત નર્સ. તેઓ કોઈ સરકારી હોસ્પિટલ કે આરોગ્યસંભાળ કેન્દ્ર (હેલ્થકેર સેન્ટર) સાથે સંકળાયેલા નથી. પરંતુ પશ્ચિમી સિંઘભૂમના માત્ર નામની જ જાહેર આરોગ્ય વ્યવસ્થા ધરાવતા મુખ્યત્વે આદિવાસી ગામોના લોકો માટે ઓરાઓન આદિજાતિના આ યુવતી એ મૂંઝવણમાં તેમનો પહેલો સહારો છે, અને ઘણી વાર તેમની છેલ્લી આશા પણ.
પ્રાદેશિક સર્વેક્ષણો અનુસાર ગ્રામીણ ભારતમાં 70 ટકાથી વધુ આરોગ્યસંભાળ સેવાઓ આરએમપી દ્વારા જ અપાય છે, જ્યોતિ પ્રભા એવા ઘણા 'આરએમપી' માંના એક છે. અહીં સામાન્ય રીતે કોઈ પણ ધારી લે એમ આરએમપી એટલે કોઈ રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર નથી, પરંતુ રુરલ મેડિકલ પ્રેક્ટિશનર (ગ્રામીણ તબીબી ચિકિત્સક) માટેનો એક ભ્રામક ટૂંકાક્ષર છે, જેમને ઉપહાસપૂર્વક ઝોળા છાપ ડોકટરો (ઊંટવૈદો) તરીકે ઓળખવામાં આવે છે. ગ્રામીણ ભારતમાં સમાંતર ખાનગી આરોગ્યસંભાળ સેવા ચલાવતા કોઈ પ્રશિક્ષણ પ્રાપ્ત ન કરેલ આ તબીબી ચિકિત્સકોને શૈક્ષણિક જગતમાં 'ઊંટવૈદ' તરીકે તિરસ્કારપૂર્વક તુચ્છતાથી જોવામાં આવે છે અને આરોગ્યસંભાળ અંગેની સરકારી નીતિઓમાં અત્યંત દ્વિધાપૂર્વક.
આરએમપી ઘણીવાર ભારતમાં કોઈપણ માન્ય મેડિકલ કાઉન્સિલ સાથે રજિસ્ટર્ડ હોતા નથી. તેમાંના કેટલાક હોમિયોપેથ અથવા યુનાની ડોકટરો તરીકે નોંધાયેલા હોઈ શકે છે, પરંતુ તેઓ એલોપેથિક દવાઓની પ્રેક્ટિસ અથવા તેનું વિતરણ કરે છે.
જ્યોતિ પાસે બિહાર સરકાર દ્વારા નોંધાયેલ હોવાનો દાવો કરતી કાઉન્સિલ ઓફ અનએપ્લોઈડ રુરલ મેડિકલ પ્રેક્ટિશનર્સ (બેરોજગાર ગ્રામીણ તબીબી ચિકિત્સકો) નામની ખાનગી સંસ્થામાંથી મળેલું એલોપેથિક મેડિસિનનું આરએમપી પ્રમાણપત્ર છે. તેઓએ ત્યાં 10000 રૂપિયા ચૂકવીને છ મહિનાનો કોર્સ કર્યો હતો. આ સંસ્થા હવે અસ્તિત્વમાં જ નથી.

















