“મેં તેને લાકડી મારી, પણ તે મારા પર કૂદી પડ્યો અને મારી ગરદન અને હાથ પર પંજાથી નોહર માર્યા. હું જંગલની ચાર કિલોમીટર અંદર હતો. મારા કપડાં લોહીથી લથપથ હતા. હું ચાલીને ઘેર પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યો હતો.” વિશાલરામ મરકામે દીપડાના તે હુમલામાંથી સાજા થવા માટે બે અઠવાડિયા હોસ્પિટલમાં વિતાવવા પડ્યા હતા. પણ તેમને એ ખુશી હતી કે તેમની ભેંશો સહી સલામત હતી. તેઓ કહે છે, “દીપડાએ મારા કૂતરા પર પણ હુમલો કર્યો હતો. તેઓ ત્યાંથી નાસી છૂટ્યાં હતા.”
આ હુમલો ૨૦૧૫માં થયો હતો. મરકામ તે હુમલાને હવે હસી કાઢે છે અને કહે છે કે તેમણે હુમલા પહેલા અને પછી પણ શિકારી જાનવરોને નજીકથી જોયા છે. છત્તીસગઢના જબર્રાના જંગલમાં, જ્યાં તેઓ તેમની ભેંશોને ચરાવે છે, ત્યાં માત્ર ભૂખ્યા દીપડા જ નહીં, પણ વાઘ, વરુ, શિયાળ, જંગલી કૂતરા, જંબૂક, જંગલી ડુક્કર, સાબર, હરણ અને શક્તિશાળી બાઇસન (ગૌર ભેંશો)નો પણ સામનો થવાની શક્યતા રહેલી છે. ઉનાળામાં, જ્યારે તેમના ઢોરઢાંખર જંગલમાં આવેલા થોડાક, છૂટાછવાયા પાણીના ખાબોચિયા માંથી પાણી પીવા જાય છે, ત્યારે ભૂખ્યા શિકારી જાનવરોનો સામનો થવાની શક્યતા બમણી, કે ત્રણ ગણી થઇ જાય છે.
મરકામ કહે છે, “મારી ભેંશો કોઈ રખેવાળ વગર પોતાની મેળે જંગલમાં ભટકે છે. જો તે પાછી ન આવે તો જ હું તેમને શોધવા જાઉં છું. કેટલીકવાર મારી ભેંશો સવારના ૪ વાગ્યા સુધી પાછી નથી આવતી, તેથી હું રાત્રે જંગલમાં તેમને શોધવા માટે ડબલ ટોર્ચનો [બમણી તાકાત વાળી] ઉપયોગ કરું છું.” તેઓ અમને તેમના પગ બતાવે છે, જંગલમાં ઉઘાડા પગે ચાલવાથી, તેમના પગમાં છાલા અને ફોલ્લાઓ પડ્યા છે.
તેમની સ્વચ્છંદી ભેંશો ચરવા માટે મેદાનની શોધમાં દરરોજ ૯-૧૦ કિલોમીટર ચાલીને ધમતારી જિલ્લાના નાગરી તાલુકામાં જબર્રા ગામની બાજુમાં આવેલા જંગલમાં જાય છે. મરકામ કહે છે, “ઉનાળામાં, ખોરાકની શોધમાં તેમણે આના કરતા બમણું અંતર કાપવું પડે છે. હવે જંગલ પર આધાર રાખી શકાય તેમ નથી; પશુધન ભૂખમરાના લીધે મરી જાય એવી પરિસ્થિતિ છે.”









