અમે મોડા પડ્યા હતા. શિરગાઉં સ્થિત અમારા એક પત્રકાર મિત્ર સંપત મોરે કહે છે, “ગણપતિ બાલા યાદવ તમને મળવા માટે, પોતાના ગામડેથી અહિં બે વખત આવી ચૂક્યા છે. તેમણે બંને વખત પોતાના ગામ રામપુર પાછા ફરવું પડ્યું હતું. તમારા આવવાની ખબર આપવાથી તેઓ અહિં ત્રીજી વખત આવશે.” આ બંને ગામો વચ્ચેનું અંતર પાંચ કિલોમીટર છે, અને ગણપતિ યાદવ આ અંતર સાઇકલ પર કાપે છે. પણ, ત્રણ વખત આવવાનો અર્થ એમના માટે ૩૦ કિલોમીટરની મુસાફરી, એ પણ મે મહિનાના મધ્યમાં, ગરમીના દિવસોમાં ધૂળથી ભરેલા ‘રસ્તાઓ’ પર, એ પણ પચીસ વર્ષ જૂની સાઇકલ પર. આ સાઇકલ ચાલકની ઉંમર ૯૭ વર્ષની છે.
અમે મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના કાડેગાઉં તાલુકાના શિરગાઉં ગામમાં, મોરેના દાદા ના ઘેર ભોજન કરવા જવાની તૈયારી કરતા હતા, ત્યારે અચાનક બાલા યાદવ એમની સાઈકલ લઈને ત્યાં આવી પહોંચ્યા. મેં જ્યારે એમની માફી માંગી કે મારા લીધે એમને તડકામાં આટલી મુસાફરી કરવી પડી તો તેમણે ધીમા અવાજે મીઠું હસીને કહ્યું, “અરે! કશો વાંધો નહીં. હું કાલે બપોરે એક લગ્નમાં ભાગ લેવા માટે વીટા ગયો હતો. ત્યાં પણ, હું સાઈકલ લઈને ગયો હતો. હું આ જ રીતે મુસાફરી કરું છું.” રામપુરથી વીટા આવવું-જવું એટલે ૪૦ કિલોમીટર અંતર કાપવું. અને કાલે કંઈ વધારે જ ગરમી હતી, તાપમાન પણ ૪૦ ડિગ્રી સેલ્સીયસ પહોંચી ગયું હતું.
સંપત મોરે કહે છે, “એક કે વર્ષ પહેલા, તેઓ આ રીતે પંઢરપુર સુધી આવ્યા હતા અને પાછા પણ ફર્યા હતા, લગભગ ૧૫૦ કિલોમીટર. હવે તેઓ આટલા અંતરની મુસાફરી નથી કરતા.”







