ભરવાડ ગૌર સિંહ ઠાકુર કહે છે, “ચિત્તાના હુમલાને કારણે વર્ષ દરમિયાન અમે અમારા ઘણા પશુઓ ગુમાવીએ છીએ. ચિત્તા રાત્રે આવે છે અને અમારા પશુઓને ઉઠાવી જાય છે." તેઓ ઉમેરે છે કે સ્થાનિક ભૂટિયા કૂતરો, શેરૂ પણ તેમને દૂર રાખી શકતો નથી .
તેઓ હિમાલયની ગંગોત્રી પર્વતમાળામાં એક ઊંચી જગ્યાએ બેસીને અમારી સાથે વાતચીત કરી રહ્યા છે. તેઓ જે પશુઓ ચરાવે છે તે ઉત્તરકાશી જિલ્લાના સૌરા ગામમાં અને તેની આસપાસ રહેતા સાત પરિવારોના છે. ગૌર સિંહ પણ એ જ ગામના રહેવાસી છે, જે અહીંથી 2000 મીટર નીચે આવેલું છે. વર્ષમાં નવ મહિના સુધી પશુઓની સંભાળ રાખવા તેમને કરારબદ્ધ કરવામાં આવ્યા છે. વરસાદ હોય કે હિમવર્ષા થતી હોય તેમણે તો બહાર જઈ પશુઓને ચરાવવા રહ્યા, ભેગા કરીને ગણતરી કરીને સલામત પાછા લાવવા રહ્યા.
પર્વત પર અહીં-ત્યાં ચરતાં પશુઓ તરફ જોઈને બીજા ભરવાડ, 48 વર્ષના હરદેવ સિંહ ઠાકુર કહે છે, "અહીં અંદાજે 400 ઘેટાં અને 100 બકરાં છે." પશુઓની ચોક્કસ સંખ્યા કેટલી હશે એની તેમને સ્પષ્ટ જાણકારી નથી. તેઓ ઉમેરે છે, "કદાચ વધારે પણ હોય." હરદેવ છેલ્લા 15 વર્ષથી આ કામ કરી રહ્યા છે. તેઓ સમજાવે છે, "કેટલાક ભરવાડો અને તેમના સહાયકો માત્ર બે અઠવાડિયા માટે અહીં આવે છે ને પછી પાછા જતા રહે છે, મારા જેવા કેટલાક અહીં જ રહે છે."
ઑક્ટોબર મહિનો છે, અને ઉત્તરાખંડમાં ગઢવાલ હિમાલયની ગંગોત્રી પર્વતમાળા પર 'ચુલી ટોપ' ના ઘાસના વિશાળ મેદાનોમાં હાડ ગાળી નાખતો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. ધક્કામુક્કી કરતા પશુઓ વચ્ચે ફરતા માણસોએ શરીરે ધાબળો વીંટાળેલો હોય છે. ભરવાડો કહે છે કે આ એક સારું ઘાસનું મેદાન છે, ઉપર જમા થયેલા બરફમાંથી નીકળતું આ નાનકડું ઝરણું પશુઓ માટે પાણીનો ખાતરીપૂર્વકનો સ્ત્રોત છે. સર્પાકારે નીચે વહેતા 2000 મીટર લાંબા પથરાળ રસ્તે ખડકોની તિરાડોમાંથી પસાર થઈ એ નીચે વહેતી ભાગીરથીની ઉપનદી ભીલંગાણા નદીને જઈને મળે છે.









