અબ્દુલ રહેમાનની દુનિયા નાની થઈ ગઈ છે - વ્યવસાયિક રીતે, વ્યક્તિગત રીતે, ભૌતિક રીતે. અને બિલકુલ શબ્દશ:. એક સ્થળાંતરિત કામદાર જેઓ એક સમયે ચાર-ચાર ખંડોમાં મુસાફરી કરી ચૂક્યા છે, તેઓ આજે પરિવારના પાંચ સભ્યો સાથે 150 ચોરસ ફૂટના સાવ નાના રુમમાં રહે છે.
મુંબઈના આ ટેક્સી ડ્રાઈવર - જેમના પિતા ગ્રામીણ તમિળનાડુથી દાયકાઓ પહેલા આ શહેરમાં આવ્યા હતા - ભૂતકાળમાં સાઉદી અરેબિયામાં બુલડોઝરો અને ગાડીઓ ચલાવી ચૂક્યા છે અને તેમને સોંપાયેલા કામ માટે દુબઈ, બ્રિટન, કેનેડા, ઈન્ડોનેશિયા, મલેશિયા અને આફ્રિકાના કેટલાક ભાગોમાં ગયા છે.. આજે તેમને - ફરી એકવાર -ખુરશીમાં બેસાડીને (ખુરશી) ઊંચકીને માહિમની ઝૂંપડપટ્ટીની એક સાંકડી ગલીમાંથી એક ટેક્સી સુધી લઈ જવા પડે છે, જે તેમને સાયનની હોસ્પિટલમાં લઈ જઈ શકે.
હોસ્પિટલ જવાનો સમય થાય ત્યારે રહેમાન તેમના રુમમાંથી ઉતરવાની તૈયારી કરવા લાગે છે. સીડી દરવાજાની બહાર જ છે. તેઓ જમીન પર બેસે છે, તેમનો દીકરો નીચેથી તેમના પગ પકડી રાખે છે, ભત્રીજો અથવા પાડોશી તેમને ઉપરથી ટેકો આપે છે. રહેમાન પછી પીડાદાયક રીતે એક સમયે એક એમ એક-એક કરીને સીધા ઢોળાવવાળા નવ પગથિયાં પર નીચે સરકે છે.
નીચેની સાંકડી ગલીમાં જૂની રંગના ડાઘાવાળી પ્લાસ્ટિકની ખુરશી પર - કાપી નાખેલા પંજાવાળો તેમનો જમણો પગ સીટ પર રાખીને - બેસાડવામાં તેમને મદદ કરવામાં આવે છે. પછી તેમનો દીકરો અને બીજા બે માણસો એ ખુરશી ઊંચકીને લાંબી ને વાંકીચૂંકી ગલીમાં થઈને માહિમ બસ ડેપો પાસેના રસ્તા તરફ લઈ જાય છે. ત્યાં રહેમાન ખુરશી પરથી સરકીને ટેક્સીમાં બેસી જાય છે.
માંડ પાંચ કિલોમીટર દૂર સાયનની સરકારી હોસ્પિટલ સુધીનું ટેક્સીનું ભાડું તેમને પોસાઈ શકે તેના કરતાં વધુ છે, અને તેમ છતાં ગયા વર્ષે મહિનાઓ સુધી તેમણે દર અઠવાડિયે તેમના પગે પાટો બંધાવવા - અને સખત ડાયાબિટીસ અને લોહીના અવરોધિત પરિભ્રમણને કારણે ઊભી થતી અન્ય તકલીફોની સારવાર માટે ત્યાં જવું પડતું હતું. જ્યારે ઘા થોડોઘણો રૂઝાઈ ગયો ત્યારે (હોસ્પિટલના) ફેરા થોડા ઓછા થયા, જોકે ખુરશીની સવારીનું આ સરઘસ હજી પણ એ સાંકડી ગલીમાંથી પસાર થાય છે, ઉત્તર મુંબઈમાં મોરી રોડ પર આવેલી વસાહતની એ સાંકડી ગલીમાં બંને બાજુએ બે-ત્રણ માળના મકાનોમાં એકબીજાને અડોઅડ ગીચોગીચ ઓરડાઓ આવેલા છે.














