હરિયાણાના સોનીપત જિલ્લામાં સિંઘુ-દિલ્હી સરહદે આંદોલનકારી ખેડૂતોના મહેરામણને જોતા બેઠેલા હરજીતસિંઘના ચહેરા પરથી શિયાળાનો ધૂંધળો પ્રકાશ પસાર થાય છે.
નજીકમાં અનેક વૃદ્ધો અને યુવાનો - સ્ત્રીઓ, પુરુષો અને બાળકો વિવિધ કામોમાં વ્યસ્ત છે. બે પુરુષો લાકડીથી પીટી પીટીને/ ફટકા મારીને (?) ગાદલાં સાફ કરે છે, રાતની તૈયારી કરે છે. કેટલાક લોકો પસાર થતા લોકોને ચા અને બિસ્કીટનું વિતરણ કરી રહ્યા છે. ઘણા લોકો તેમના નેતાઓનાં ભાષણો સાંભળવા આ વિશાળ જનમેદનીની આગળ જઇ રહ્યા છે.. કેટલાક રાત્રિભોજનતૈયારીઓમાં પડ્યા છે. થોડા અમસ્તા આમતેમ ફરવાવાળા ય છે.
આ વર્ષે સપ્ટેમ્બરમાં સંસદમાં પસાર કરી દેવાયેલા ત્રણ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા દિલ્હીના દરવાજે ભેગા મળેલા હજારો ખેડૂતોમાંના એક હરજીત પણ છે.
પોતાની માતા સાથે રહેતા 50 વર્ષના અપરિણીત હરજીત કહે છે કે પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના માજરી સોધિયાં ગામમાં પોતાની ચાર એકર જમીન માં તેઓ ડાંગર અને ઘઉંના પાક લે છે.’
2017માં હરજીતને એક અકસ્માત થયો અને પરિણામે તેઓ ચાલી શકતા નથી. પરંતુ આ તકલીફ તેમને તેમના સાથી ખેડૂતો સાથે વિશાળ વિરોધ પ્રદર્શનમાં ભાગ લેતા અટકાવી શકી નથી. અકસ્માતની વાત કરતા તેઓ કહે છે, "હું મારા ઘરના છાપરા પર કામ કરતો હતો અને પડી ગયો.. મારું કૂલાનું હાડકું તૂટી ગયું."





