માયા બપોરે ઘરના એલ્યુમિનિયમના વાસણમાંથી ચોખાના છેલ્લા દાણા વીણી રહી છે. આ એમનું આજના આખા દિવસનું ભાણું થશે. તેમના અને શિવ માટે કઢાઈમાં મસૂરની દાળ વધી નથી.
૨૩ વર્ષીય માયા કહે છે, “અમે ફક્ત એક જ ટંક ખાઈએ છીએ, પણ અમારા બાળકો માટે બે ટંક ખાવાનું રાંધીએ છીએ. એમને પેટ ભરીને ખાવા મળે એ જ અમારો પ્રયત્ન હોય છે.” એમની ઝૂંપડી વાંસની બનેલી છે, જેની દીવાલો અને છત જૂની સાડીઓ અને ચાદરોથી ઢાંકેલી છે. પોતાની ઝૂંપડી સામે બેઠેલા ૨૫ વર્ષીય શિવ કહે છે, “મહામારીની શરૂઆત થઇ ત્યારથી અમે ઓછું રેશન રેશન ખરીદી રહ્યા છીએ.”
માર્ચ ૨૦૨૦માં લોકડાઉનની શરૂઆત થઇ ત્યારથી, માયા અને શિવ ગંડાડે પોતાના અને પોતાના ચાર બાળકોના (જેમની ઉંમર ૨ થી ૭ વર્ષની છે) પેટનો ખાડો ભરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે.
ખુલ્લા મેદાનમાં બનેલી એમની ઝૂંપડી પંધાર્યચિવાડી ગામથી લગભગ ૬ થી ૭ કિલોમીટર દૂર છે, જે બીડ જિલ્લામાં બીડ તાલુકામાં એમના વસવાટથી સૌથી નજીકનું ગામ છે. જ્યારે વરસાદ પડે છે, ત્યારે ઝુંપડીની રંગીન દીવાલો અને છતમાંથી પાણી ટપકે છે.
મેદાનમાં બનેલી ૧૪ ઝૂંપડીમાં મસનજોગી સમુદાયના લોકો રહે છે, જેઓ એક વિચરતી જનજાતિ (મહારાષ્ટ્રમાં ઓબીસી તરીકે સૂચીબદ્ધ) છે. આ જનજાતિના લોકો પરંપરાગત રીતે માગીભીખીને ખાય છે. આ પરિવારો સામાન્યપણે વર્ષમાં એકવાર, કામ અને મજૂરીની તલાશમાં રાજ્યના એક જિલ્લાથી બીજા જિલ્લામાં ભટકતા રહે છે.













