ડિસેમ્બર 1968 ના છેલ્લા અઠવાડિયામાં, વેનમણી ગામની કેળવનમણી વસ્તીમાં જમીનદારોના જુલમો વિરુદ્ધ સંગઠિત મજૂરોના લાંબા ગાળાનો સંઘર્ષ એની પરાકાષ્ટાએ પહોંચ્યો હતો. તમિળનાડુના નાગપટ્ટિનમ જિલ્લાના આ ગામના દલિત ભૂમિહીન મજૂરો વધુ વેતન, કૃષિ જમીનો પર નિયંત્રણ અને સામન્તી દમન સમાપ્ત કરવાની માંગ સાથે હડતાલ પર હતા. જમીનદારોનો જવાબ? તેઓએ વસ્તીમાં 44 દલિત મજૂરોને જીવંત સળગાવી દીધા. અનુસૂચિત જાતિમાં એક નવી રાજકીય જાગૃતિ દ્વારા ઉશ્કેરાયેલા સમૃદ્ધ અને શક્તિશાળી જમીનમાલિકોએ આજુબાજુના ગામોના અન્ય કામદારોને રાખવાનું નક્કી કર્યું એટલું જ નહીં પણ એક મોટો બદલો લેવાની યોજના પણ બનાવી.
25 ડિસેમ્બરની રાત્રે જમીનદારોએ વસ્તીને ચારેબાજુથી ઘેરી, બહાર જવાના તમામ માર્ગો બંધ કરીને હુમલો કર્યો. ઝૂંપડામાં ધસી આવેલા 44 કામદારોના જૂથને અંદર જ પૂરી દઈ, હુમલાખોરોએ તેને આગ ચાંપી હતી. હત્યા કરાયેલામાંથી અડધા -11 છોકરીઓ અને 11 છોકરાઓ- 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકો હતા. બે વ્યક્તિઓની ઉંમર 70 વર્ષથી વધુની હતી. કુલ મળીને 29 મહિલા અને 15 પુરુષ હતા. બધા દલિત અને ભારતીય સામ્યવાદીપક્ષ (માર્ક્સવાદી) ના સમર્થક હતા.
1975 માં મદ્રાસ હાઈકોર્ટે હત્યા કેસના તમામ 25 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. પરંતુ આ ભયાનક અત્યાચારની લેનારા ઇતિહાસકારોમાંના એક, મૈથિલી શિવરામને ઘટનાનું શક્તિશાળી અને વ્યાપક વિશ્લેષણ લખવાનું ચાલુ રાખ્યું. એમણે માત્ર હત્યાકાંડને પ્રકાશમાં લાવવા ઉપરાંત વર્ગ અને જાતિના જુલમના અંતર્ગત મુદ્દાઓનું પણ વિશ્લેષણ કર્યું. અમે આ કવિતાને એ અઠવાડિયામાં પ્રકાશિત કરીએ છીએ જેમાં 81 વર્ષની ઉંમરે મેથિલી શિવરામનનું કોવિડ -19 ના કારણે અવસાન થયું છે.



