“જેટલું વધારે ખરીદીએ છીએ, તેટલું વધારે દેવામાં ડૂબીએ છીએ.” આ ૪૦ વર્ષની ખેડૂત, કુનારી સાબરીએ અમને ખૈરામાં વાત કરી હતી, જે મુખ્યત્વે તેણીના સોરા આદિવાસી સમાજનું ગામ છે.
“અમે ગાયોના છાણીયા ખાતરથી અને હળથી ખેતી કરતા હતા, આ બધું અમારી માલિકીનું જ હતું, હવે કોઈ આ રીતે ખેતી કરતું નથી,” તેમણે કહ્યું. “અત્યારે બિયારણ, જંતુનાશક દવા, ખાતર આ બધું ખરીદવા માટે બજારમાં જવું પડે છે. પહેલાથી વિપરીત, અત્યારે અમારા ખોરાક માટે અનાજ પણ બજારમાંથી ખરીદવું પડે છે.”
કુનારીની વાતો પરથી તેઓ કેટલાં પરાધીન છે તે જણાઈ આવે છે, અને તેનું કારણ કપાસની ખેતી છે, ઓરિસ્સાના રાયગડા જિલ્લાના પર્યાવરણિય સંવેદનશીલતાવાળા પહાડી પ્રદેશમાં જેનાં મૂળ નંખાયા છે, અને તેની જૈવવિવિધ્ય સમૃધ્ધતા અને ખાદ્ય સુરક્ષા પર ઊંડી અસરો નાખી છે તથા ખેડૂતોની ચિંતાનું પણ કારણ બની છે (જુઓ ઓડીસામાં વાતાવરણ સંકટના બીજની વાવણી). દક્ષીણ-પૂર્વથી રાયગડાના ગુનુપુર વિસ્તાર તરફ નીચે ઉતરતા આ સ્પષ્ટ રીતે નિહાળી શકાય છે, જ્યાં કપાસની ખેતી સૌથી પહેલાં શરૂ થઈ હતી. આંધ્રપ્રદેશની સરહદે આવેલ આ પરિદૃશ્ય માત્ર કપાસના પાકથી ભરેલું છે, અને નજર પહોંચે ત્યાં સુધી તે જ જોવા મળે છે. દુર્દશાગ્રસ્ત વાતાવરણનો પણ અહેસાસ થાય છે.
“અમે કપાસની ખેતી ૧૦-૧૨ પહેલાં શરૂ કરી હતી. અને અત્યારે પણ કરીએ છીએ, કારણ કે અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” આવું ગુનુપુર વિસ્તાર સ્થિત ખૈરાના મોટા ભાગના લોકોએ અમને કહ્યું. આ વિસ્તારના ઘણા ખેડૂતોએ કહ્યું કે તેઓ મૂડી પ્રધાન કપાસની ખેતી તરફ વળ્યા, તો ધીરે ધીરે તેઓ પોતાનાં બિયારણ અને અનેક પાક લેવાની તેમની દેશી પદ્ધતિને ખોઈ બેઠા.
“અમારી પાસે પોતાના પાક અને પોતાની ખેતીવાડી હતી,” ખેત્રા સાબરા, એક જુવાન સોરા ખેડૂત અફસોસ કરી રહ્યો છે. “આંધ્રવાળાઓ આવ્યા, અમને કપાસ વાવવા કહ્યું, અને બધું શીખવાડીને ગયા.” સંતોષ કુમાર દંડાસેના નામના એક અન્ય ખેડૂતે વધુમાં કહ્યું કે વધારે નફો કરવાની ઉમેદ ગામવાળાઓને કપ્પા, અથવા કપાસની ખેતી તરફ ખેંચી ગઈ. “શરૂઆતમાં બહુ ખુશી થતી હતી, જ્યારે પૈસા મળતા હતા, પરંતુ અત્યારે, માત્ર યાતના અને નુકસાન છે,” તેણે કહ્યું. “અમે બરબાદ થઈ ગયા, અને શાહુકારો (નાણા ધીરનાર) આબાદ.”
જયારે અમે વાતો કરી રહ્યા હતા, ત્યારે જ્હોન ડીઅરના ઘટ્ટ લીલા રંગના ટ્રેકટરો અવાજ કરતા રસ્તાઓ પરથી આવ-જા કરતા હતા. સ્થાનિક મંદિરની દીવાલો ઓડિયા ભાષામાં બીટી કપાસની જાહેરાત કરતા બિયારણ કંપનીના પોસ્ટરોથી ભરેલ હતી. ગામની ખુલ્લી જગ્યામાં જમીન ખેડવા અને વાવણી કરવાનાં સાધનો પડેલાં હતાં.








